ઈરાન પરમાણુ નિરીક્ષકોને પાછા આવવા દેશે, હોર્મુઝની ખાડી ખોલવા અને લેબૅનનમાં યુદ્ધવિરામ માટે રચાશે સ્પેશ્યલ સેલ
ગઈ કાલે સ્વિટ્ઝરલૅન્ડની લેક લૂઝર્ન સમિટમાં મીડિયા સાથે વાત કરતા અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સે એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની મુખ્ય માગણીને સ્વીકારીને ઈરાન પોતાના દેશમાં પરમાણુ નિરીક્ષકોને પાછા આવવા દેવા સંમત થયું છે. ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી (IAEA) સાથે આ વિશેની ચર્ચા આજથી જ શરૂ થઈ શકે છે. સ્વિટ્ઝરલૅન્ડમાં યોજાયેલી પ્રથમ તબક્કાની મંત્રણા બાદ મધ્યસ્થી દેશો કતર અને પાકિસ્તાને જણાવ્યું હતું કે બન્ને પક્ષો આગામી ૬૦ દિવસમાં અંતિમ શાંતિકરાર સુધી પહોંચવા માટેના એક રોડમૅપ પર સહમત થયા છે. વૅન્સે આ મંત્રણાને ભવિષ્યની વાટાઘાટો માટે ખૂબ જ સારો પાયો ગણાવ્યો હતો.
આ મંત્રણા દરમ્યાન વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવી સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરી ખોલવા અને લેબૅનન સહિત તમામ મોરચે પ્રાદેશિક યુદ્ધવિરામ વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે ૧૪ મુદ્દાના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થયા હતા. ૨૦૧૮માં ટ્રમ્પે અમેરિકાને ૨૦૧૫ના પરમાણુકરારમાંથી બહાર કાઢ્યું હતું. ત્યાર બાદ જૂન ૨૦૨૫ના ૧૨ દિવસના યુદ્ધ દરમ્યાન પરમાણુમથકો પર હુમલા થતાં જુલાઈ ૨૦૨૫માં નિરીક્ષકો પાછા ખેંચાયા હતા.
ADVERTISEMENT
વ્યાપારી જહાજોની સુરક્ષિત અવરજવર માટે એક વિશેષ કમ્યુનિકેશન લાઇન બનાવવામાં આવી છે. આ ઉપરાંત લેબૅનનમાં સૈન્યની કામગીરી રોકવા માટે અમેરિકા, ઈરાન અને લેબૅનન વચ્ચે એક ડી-કૉન્ફ્લિક્શન સેલની રચના પર પણ સહમતી સધાઈ છે. ઈરાનના વિદેશપ્રધાન સૈયદ અબ્બાસ અરાગચીએ આ સેલને પ્રથમ વાસ્તવિક કસોટી ગણાવી છે, કારણ કે પ્રારંભિક ડીલ છતાં લેબૅનનમાં ઇઝરાયલી હવાઈ હુમલા અને હિઝબુલ્લાના વળતા હુમલામાં હજી પણ જાનહાનિ યથાવત્ છે.
અમેરિકાએ ઈરાનને ૬૦ દિવસ માટે આૅઇલ વેચવાની છૂટ આપી
અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝરલૅન્ડમાં ચાલી રહેલી શાંતિમંત્રણા વચ્ચે મોટો નિર્ણય લેતાં અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાન પરના આકરા પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપી છે. અમેરિકાએ ઈરાની ક્રૂડ ઑઇલનાં ઉત્પાદન, ડિલિવરી અને વેચાણને મંજૂરી આપતું ૬૦ દિવસનું સામાન્ય લાઇસન્સ જાહેર કર્યું છે જે ૨૧ ઑગસ્ટ સુધી અમલી રહેશે.
