ભંડોળ પૂરું પાડવા માટેના બિલને પસાર કરવા છેવટ સુધી ભરપૂર પ્રયાસો, અનેક સંસદસભ્યો યુક્રેનને મદદ કરવાની વિરુદ્ધ
પ્રતીકાત્મક તસવીર
વૉશિંગ્ટન ઃ અમેરિકામાં શટડાઉનની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે, જેનો અર્થ એ છે કે અમેરિકામાં ઇમર્જન્સિસ સર્વિસિસ સિવાયની તમામ સર્વિસિસ બંધ થઈ જશે. છેલ્લા એક દશકમાં આ ચોથું શટડાઉન રહેશે, જેનાથી ઍર ટ્રાવેલથી લઈને નૅશનલ પાર્ક્સ અને મૅરેજ લાઇસન્સ સહિત તમામ સર્વિસિસને નોંધપાત્ર અસર થઈ શકે છે. મોટા ભાગના સરકારી કર્મચારીઓને વેતન વિનાની રજા પર મોકલવામાં આવશે અને મહત્ત્વના ન્યુટ્રિશન પ્રોગ્રામ્સને અટકાવી દેવામાં આવશે.
અમેરિકામાં સરકારનું શટડાઉન થાય એ જ ટ્રૅક પર અમેરિકન કૉન્ગ્રેસ રહી હતી. હાઉસ સ્પીકર કેવિન મૅકકાર્થીને વધુ એક વખત પછડાટ મળી હતી. ગૃહ સરકારને ભંડોળ પૂરું પાડવા અને શટડાઉનને અટકાવવા માટેના બિલ આગળ વધારી શક્યું નથી. જોકે ગઈ કાલે શટડાઉનની સ્થિતિને નિવારવા માટે છેવટ સુધી પ્રયાસો કરવામાં આવ્યા.
મૅકકાર્થી પર ખૂબ જ પ્રેશર છે, કેમ કે હાઉસમાં રિપબ્લિકન્સ શટડાઉનથી બચવા માટેના પ્લાનમાં સામેલ થતા નથી. રિપબ્લિકન્સ પાતળી બહુમતીથી હાઉસને કન્ટ્રોલ કરે છે, જ્યારે ડેમોક્રેટ્સ એક જ સીટથી સેનેટ પર કન્ટ્રોલ કરે છે, જેનો અર્થ એ થયો કે સરકારને ચલાવવા માટેના ખર્ચ માટેનાં બિલ્સને પસાર કરવા માટે બન્ને પાર્ટીઓના સપોર્ટની જરૂર છે.
અનેક હાઉસ રિપબ્લિકન્સ યુદ્ધગ્રસ્ત યુક્રેનને વધારાનું ભંડોળ આપવાની વિરુદ્ધ છે. મૅકકાર્થીએ કહ્યું હતું કે હું માનું છું કે યુક્રેનને મદદ વિના બિલ માટે બધા એક છે.


