UK PM Resigns: યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે લેબર પાર્ટીની અંદર સતત વધી રહેલા દબાણ વચ્ચે સોમવારે પોતાના રાજીનામાની જાહેરાત કરી; જ્યાં સુધી તેમના અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર કાર્યરત રહેશે
કીર સ્ટાર્મર (તસવીર સૌજન્યઃ એએફપી)
યુનાઈટેડ કિંગ્ડમ (United Kingdom)ના કીર સ્ટાર્મર (Keir Starmer)એ સોમવારે વડાપ્રધાન અને લેબર પાર્ટી (Labour Party)ના નેતા પદેથી પોતાના રાજીનામાની જાહેરાત (UK PM Resigns) કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ઘટી રહેલી લોકપ્રિયતા અને નેતૃત્વ પરિવર્તનની વધી રહેલી માંગ વચ્ચે લેબર પાર્ટીની અંદરથી જ આવી રહેલા ભારે દબાણને વશ થઈને યુકે પીએમ કીર સ્ટાર્મરે આ નિર્ણય લીધો છે. યુનાઇટેડ કિંગડમ (UK) ના રાજકારણમાં છેલ્લા એક દાયકાથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે આ વધુ એક મોટો ફેરફાર છે. કીર સ્ટાર્મરના રાજીનામા સાથે, માત્ર ૧૦ વર્ષના ગાળામાં સમય પહેલાં જ પદ છોડનારા તેઓ બ્રિટનના છઠ્ઠા વડાપ્રધાન બન્યા છે. સ્ટાર્મરની વિદાય સાથે, યુનાઇટેડ કિંગડમને માત્ર એક દાયકા કરતાં થોડા વધુ સમયગાળામાં તેના સાતમા વડાપ્રધાન મળવા જઈ રહ્યા છે.
રાજીનામાની જાહેરાત
ADVERTISEMENT
૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર આપેલા પોતાના નિવેદનમાં વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ‘મેં લીધેલો દરેક નિર્ણય મારા વ્હાલા દેશને હંમેશા પ્રથમ સ્થાન આપવા માટેનો રહ્યો છે. આ જ કારણે હું લેબર પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહ્યો છું.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘જ્યાં સુધી તેમના અનુગામી (નવા નેતા)ની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પોતાના પદ પર કાર્યરત રહેશે.’
સરકારની સિદ્ધિઓના દાવા
એક અહેવાલ અનુસાર, સ્ટાર્મરે એવો પણ દાવો કર્યો હતો કે તેમની સરકારે એક આખી પેઢીમાં શ્રમિકો અને ભાડૂતોના અધિકારોમાં સૌથી મોટો સુધારો કર્યો છે, તેમજ શીત યુદ્ધ (કોલ્ડ વોર) પછી સંરક્ષણ ખર્ચમાં સૌથી મોટો વધારો કર્યો છે. આ ઉપરાંત તેમણે પોતાની નીતિઓના નિર્ણયો દ્વારા પાંચ લાખ બાળકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે.
બે વર્ષ પહેલા ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાના આગમનને યાદ કરતા તેમણે કહ્યું કે, તે તેમના જીવનની સૌથી ગર્વની ક્ષણ હતી અને તેઓ લાખો લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાના હેતુ સાથે જ રાજકારણમાં આવ્યા હતા.
પીએમની રેસમાં કોણ આગળ?
ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર એન્ડી બર્નહામ (Andy Burnham), જેમણે તાજેતરમાં જ અત્યંત મહત્વપૂર્ણ ગણાતી મેકરફિલ્ડ પેટાચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવી છે, તેઓ આગામી વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે.
સ્ટાર્મરે શા માટે રાજીનામું આપ્યું?
સ્ટાર્મરનું રાજીનામું અચાનક આવેલો નિર્ણય નહોતો. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની લેબર પાર્ટીની અંદર જ દબાણ સતત વધી રહ્યું હતું. તેમના નેતૃત્વથી નારાજ આ સેન્ટર-લેફ્ટ પક્ષના સાંસદો ઇચ્છતા હતા કે તેઓ સત્તા સોંપીને પદ છોડી દે. આ અસંતોષનું મુખ્ય કારણ જુલાઈ ૨૦૨૪ માં જંગી બહુમતી સાથે સત્તામાં આવ્યા પછીથી સ્ટાર્મરના કાર્યકાળ દરમિયાન પાર્ટીની લોકપ્રિયતામાં આવેલો મોટો ઘટાડો હતો. સાંસદો આ સ્થિતિને કોઈપણ સંજોગોમાં સુધારવા માંગતા હતા.
લેબર પાર્ટીને એક તરફ ઉભરી રહેલી ગ્રીન પાર્ટીના કારણે પોતાના ઉદારવાદી (લિબરલ) મતદારો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે, તો બીજી તરફ નાઇજલ ફારેજની આગેવાની હેઠળની ઇમિગ્રેશન વિરોધી `રિફોર્મ યુકે` પાર્ટી તરફથી પણ મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકપ્રિયતામાં આવેલા આ ઘટાડા પાછળ પણ ચોક્કસ કારણો જવાબદાર છે. સ્ટાર્મર આર્થિક વૃદ્ધિ અને મોંઘવારી (કોસ્ટ-ઓફ-લિવિંગ) જેવા તમામ વહીવટી મોરચે સંઘર્ષ કરી રહ્યા હતા. લોકોના જીવનધોરણમાં સ્થિરતા અને વારંવાર થતી વહીવટી ભૂલોને કારણે તેમનું વડાપ્રધાન પદ નબળું પડી રહ્યું હતું. તેમાં પણ જ્યારે તેમણે વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ સાંસદ પીટર મેન્ડેલસનની યુએસ (US) માં બ્રિટિશ એમ્બેસેડર (રાજદૂત) તરીકે નિમણૂક કરી, ત્યારે સ્થિતિ વધુ વણસી ગઈ હતી. ગુનેગાર સેક્સ ઓફેન્ડર જેફરી એપ્સ્ટન સાથે સંબંધો હોવાનું સામે આવ્યા બાદ મેન્ડેલસનને પદ પરથી હટાવી દેવાયા હતા, પરંતુ ત્યાં સુધીમાં સ્ટાર્મરની છબીને મોટું નુકસાન થઈ ચૂક્યું હતું.
૧૦ વર્ષમાં ૬ વડાપ્રધાન
છેલ્લા એક દાયકામાં સમય પહેલાં જ પદ છોડનારા કીર સ્ટાર્મર બ્રિટનના છઠ્ઠા વડાપ્રધાન છે. તેમના રાજીનામાની આ જાહેરાત બ્રેક્ઝિટ (Brexit) લોકમતની ૧૦મી વર્ષગાંઠના બરાબર એક દિવસ પહેલાં આવી છે, જ્યારે બ્રિટનના લોકોએ યુરોપિયન યુનિયન (EU) માંથી બહાર નીકળવા માટે મતદાન કર્યું હતું.
સ્ટાર્મર અગાઉ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યા હતા, જેમનો કાર્યકાળ દોઢ મહિના કરતા પણ ઓછો રહ્યો હતો. તેમની પછી ઋષિ સુનકે ૨૦ મહિના સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. સુનક પહેલાં બોરિસ જોન્સન વડાપ્રધાન પદે હતા અને તે પૂર્વે થેરેસા મે બ્રિટનના પીએમ હતા, જેમની સરકાર બ્રેક્ઝિટ વિવાદના કારણે પડી ભાંગી હતી. આ બધાની શરૂઆત ડેવિડ કેમેરોનથી થઈ હતી, જેમણે દેશમાં બ્રેક્ઝિટ લોકમતની શરૂઆત કરી હતી.
