વિજય પંડ્યા નામની વ્યક્તિએ પોતાના ભાણેજ સહિત ત્રણ જણ ગુમ હોવાની ખોટી કમ્પ્લેઇન્ટ કરી હોવાથી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો
ફાઇલ તસવીર
સૌરાષ્ટ્રના વડામથક રાજકોટમાં ટી.આર.પી. ગેમ-ઝોનમાં બનેલી આગની દુર્ઘટનામાં ૨૭ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે અને આ ૨૭ હતભાગીઓની ડીએનએ મૅચિંગના આધારે ઓળખ કરાઈ હોવાનું ગઈ કાલે ગુજરાત સરકારે ઑફિશ્યલી જાહેર કર્યું હતું. જોકે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં ત્રણ વ્યક્તિ ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવનાર વિજય પંડ્યા સામે પોલીસે ગુનો નોંધ્યા છે.
રાજકોટના ગેમ-ઝોનની બનેલી આગની દુર્ઘટનામાં હિતેશ ઉર્ફે વિજય લાભશંકર પંડ્યાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીનાં બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યક્તિ ગુમ હોવાની ફરિયાદ કરી હતી. તેમની વિગતો ચકાસતાં આ બાબત ખોટી જણાતાં વિજય પંડ્યા વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવી છે. કહેવાય છે કે સહાય લેવા માટે મિસિંગની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આખરે જુઠ્ઠાણું પકડાઈ ગયું છે.
ADVERTISEMENT
આ ઘટનામાં ૨૭ મૃતદેહોનાં ડીએનએ સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તેમના પરિવારજનોનાં ડીએનએ સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. આ તમામ સૅમ્પલોની સરખામણી થઈ જતાં ૨૭ લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાનું કન્ફર્મ થયું છે અને ૨૭ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
આગની દુર્ઘટનામાં ૧૯ યુવાન-યુવતીઓ, ૧૯ વર્ષ અને એથી ઓછી ઉંમરનાં ૫ કિશોર-કિશોરીઓ અને બાળકો તેમ જ ૪૦ કે એથી વધુ ઉંમરનાં ૩ સહિત કુલ ૨૭ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી ૨૭ વ્યક્તિઓમાં ૧૨ વર્ષની એક દીકરી અને એક દીકરો તેમ જ ૧૫ વર્ષના એક દીકરાનો પણ સમાવેશ થાય છે.
ગાંધીનગર પોલીસ-ભવનમાં રાજકોટના અધિકારીઓની પૂછપરછ શરૂ કરાઈ છે, જેમાં રાજકોટ ફાયર-ઑફિસરની ચાર કલાક સુધી પૂછપરછ થઈ હોવાની વિગતો બહાર આવી છે.

