વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ (PM Narendra Modi Gujarat Visit) દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)
કી હાઇલાઇટ્સ
- ગુજરાતીઓને કરોડોને ભેટ આપવા ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં કરશે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ
- રેલવે માટે અલગથી પાંચ પ્રોજેક્ટ પર થશે કામ
PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ગુજરાત માટે અનેક વિકાસકાર્યોની ભેટ લઇને આવી રહ્યા છે. મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ 13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે.
વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ
ADVERTISEMENT
1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું, માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજિત 1700 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું અને અંદાજિત 394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ થશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત ભારતનેટ ફેઝ-2 હેઠળ 2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ મળશે. આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડીંગનું લોકાર્પણ, તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સીટી ખાતે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRU)ના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ 2500 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
રેલવે માટે પાંચ પ્રોજેક્ટની ભેટ
મહેસાણા ખાતે 2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે. માર્ગ અને મકાન વિભાગના અંદાજિત 1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ R&B), નેશનલ હાઇવે (NH) અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસકાર્યોનું લોકાર્પણ પીએમ કરશે. અંદાજિત 394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ થશે.
જળ સંસાધન વિભાગ હેઠળ 1200 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. 248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થશે. તેમજ કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના 2100 કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહુર્ત પણ પીએમના હસ્તે થશે.
દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ (PM Narendra Modi Gujarat Visit) દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરશે. 22,500 કરોડથી વધુના ખર્ચે બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થશે દેશને મળશે. NHAIના 10,070 કરોડથી વધુ ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક હિસ્સાનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં, રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે. એમાં પહેલો ભાગ, 31 કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને 2400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ 32 કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને 3200 કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ 23 કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને 4300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે 10 હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનશ્રી જનતાને સમર્પિત કરશે.
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને DREAM સિટીના વિકાસકાર્યો મળીને 5040 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ પીએમ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓ વડોદરા, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અને નર્મદામાં 10 વિવિધ વિભાગોના 5400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ જિલ્લાઓમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના 55 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના ₹1100 કરોડથી વધુના વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.