ભારતમાં નૅશનલ એજ્યુકેશન પૉલિસી હેઠળ પહેલી વાર ગુજરાત વિદ્યાપીઠ આ કોર્સ ગુજરાતી ભાષામાં ભણાવશે
પ્રતીકાત્મક તસવીર
નવા શૈક્ષણિક સત્રથી નૅશનલ એજ્યુકેશન પૉલિસી હેઠળ પહેલી વાર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી ભાષામાં બીસીએ (બૅચલર ઇન કૉમ્પ્યુટર ઍપ્લિકેશન)નો કોર્સ ભણાવશે. ગુજરાત જ નહીં, ભારતમાં પહેલી વાર માતૃભાષામાં આ કોર્સ શરૂ થઈ રહ્યો છે અને વિદ્યાપીઠ એની પહેલ કરી રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠે એની જાહેરાત કરી છે.
ગુજરાત વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઑફ કમ્પ્યુટર સાયન્સના હેડ ડૉ. અજય પરીખે ‘મિડ-ડે’ને આ માહિતી આપતાં કહ્યું હતું કે ‘નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત વિદ્યાપીઠ પ્રથમ વાર માતૃભાષામાં બીસીએના કોર્સનો અભ્યાસ કરાવશે. ટેક્નિકલ એજ્યુકેશનમાં વિદ્યાપીઠ માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કરાવવાની પહેલ કરશે એ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતમાં પહેલી વાર આ રીતે માતૃભાષામાં અભ્યાસ કરાવનાર ગુજરાત વિદ્યાપીઠ પહેલી વિદ્યાપીઠ બનશે. ભારત સરકારે નૅશનલ એજ્યુકેશન પૉલિસી ૨૦૨૦ જાહેર કરી એમાં કહ્યું કે ટેક્નિકલ કોર્સ છે એ માતૃભાષામાં હોવો જોઈએ, જેથી ૧૨મા ધોરણ સુધી માતૃભાષામાં જેણે શિક્ષણ લીધું હોય એ માતૃભાષાને લીધે બહાર ન રહી જાય એટલે પૉલિસીમાં આ ડિસિઝન સરકારે લીધું છે.’
ડૉ. અજય પરીખે વધુમાં કહ્યું કે ‘જ્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠની વાત છે તો કોઈ પણ કોર્સ છે એ અભ્યાસક્રમ માતૃભાષામાં ચલાવવો એ એની પૉલિસી ડિસિઝનમાં છે. મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે કહ્યું હતું કે શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ અને એ સંદર્ભમાં અહીં કોર્સ છે. ગુજરાત વિદ્યાપીઠે ૧૯૯૪માં એમસીએનો અભ્યાસ માતૃભાષામાં કરાવવાની શરૂઆત કરી હતી. એ સમયે ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફૉર ટેક્નિકલ એજ્યુકેશનને રિકવેસ્ટ કરી હતી કે ગુજરાત વિદ્યાપીઠનું કોઈ પણ શિક્ષણ માતૃભાષામાં હશે અને અમને મંજૂરી પણ આપી હતી એટલે ગુજરાત વિદ્યાપીઠને માતૃભાષામાં એમસીએનો અભ્યાસ કરાવવાનો અનુભવ છે અને એ બીસીએના અભ્યાસ કરાવવામાં કામ લાગશે.’

