ઉત્તર ગુજરાતના ડીસાના નવા ગોળિયા ગામના મુકેશ માળીએ તેનાં લગ્ન માટે બનાવી પક્ષીઘર કંકોતરી, જેથી મોંઘીદાટ કંકોતરી ફેંકી દેવાને બદલે જીવદયાના કામમાં આવે

મુકેશ માળીની પક્ષીઘર જેવી કંકોતરી.
અમદાવાદ ઃ આજકાલ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના ડીસા તાલુકાના વાસણાના નવા ગોળિયા ગામના મુકેશ માળીએ જીવદયાથી પ્રેરાઈને તેનાં લગ્ન માટે અલગ પ્રકારથી કંકોતરી બનાવી છે, જે અવસર પૂરો થયા બાદ પક્ષીના ઘરમાં તબદિલ થઈ જશે. જીવદયાની સાથે પ્રકૃતિના જતનની પહેલ કરતાં ગ્રામીણ યુવાને ખોટા ખર્ચ નહીં કરવાની નેમ સાથે આ અનોખી કંકોતરી બનાવીને આવકારદાયક પહેલ કરી છે.
લગ્નપ્રસંગમાં કંકોતરીનું આગવું સ્થાન છે ત્યારે લગ્ન બાદ પણ કંકોતરી કામમાં આવે એ હેતુથી મુકેશ માળીએ અલગ પ્રકારે કંકોતરી બનાવવાનો વિચાર કર્યો હતો. પક્ષીઓને નજર સમક્ષ રાખીને મુકેશ માળીએ કંકોતરી એવી રીતે ડિઝાઇન કરી છે કે લગ્ન બાદ કંકોતરી પક્ષીઓ માટે આશ્રય સ્થાન બની જાય, પક્ષીઓ માટે માળો બની જાય અને બચ્ચાંઓનો ઉછેર પણ કરી શકે તેમ જ પક્ષીઓનો મીઠો કલરવ પણ સાંભળવા મળે. સ્વજનો અને સ્નેહીજનોને હાલમાં આ કંકોતરી આપીને લગ્નમાં તેમને ભાવભીનું નિમંત્રણ આપીને મુકેશ માળી આ કંકોતરીનો ઘરે આંગણે, અગાસીમાં કે વૃક્ષ પર કે પછી ખેતરમાં કે અન્ય કોઈ ઉચિત સ્થળે પક્ષીઘર તરીકે મૂકવા માટે ઉપયોગ કરવાનું જણાવીને જીવદયા અને પ્રકૃતિનો મેસેજ આપી રહ્યા છે.
મુકેશ માળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણા લગ્નપ્રસંગમાં જવાનું થયું છે અને જોવામાં આવ્યું છે કે ૨૦૦–૫૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા કે એથી વધુની કિંમતની કંકોતરી ઘણાબધા લોકો બનાવતા હોય છે પણ પછી એ કંકોતરીનો કાં તો પસ્તીમાં, ઉકરડામાં કે ચૂલામાં ઉપયોગ થતો હોય છે. હું પર્યાવરણપ્રેમી અને જીવદયાપ્રેમી છું એટલે થયું કે મારા લગ્નપ્રસંગે એવી કંકોતરી બનાવું કે લગ્નપ્રસંગ પછી પણ કામમાં આવે. આ વિચાર મારા પરિવાર સમક્ષ મૂક્યો અને સૌએ એનો સ્વીકાર કર્યો એટલે પક્ષીઘર જેવી કંકોતરી બનાવી છે. ફળો ભરવાનું કાર્ટન અને કાગળનો ઉપયોગ કરીને આ કંકોતરી બનાવી છે અને એના પર લૅમિનેશન પણ છે એટલે એને લાંબા સમય સુધી કંઈ થશે નહીં. કંકોતરીમાં તમામ શુભ પ્રસંગોની માહિતી આવરી લેવાઈ છે. લગ્નપ્રસંગે સ્વભાવિક છે કે ખર્ચ વધુ થતો હોય છે ત્યારે બને એટલો સંયમ રાખવા અને ખર્ચ ઓછો કરીને નવા જીવનની શરૂઆત હું મારાથી કરવા ઇચ્છતો હતો. બીજાને સમજાવીએ એના કરતાં શરૂઆત આપણાથી જ કરીએ એવું વિચારીને આ પહેલ કરી છે. મારી કંકોતરી સ્વજનોને અને મિત્રોને આપી ત્યારે ઘણા લોકોએ તો તેમના આંગણે વૃક્ષ પર કંકોતરી પક્ષીઘર તરીકે મૂકી પણ દીધી છે જેનાથી મને ખુશી થઈ છે.’
લગ્નપ્રસંગ જેવા ખુશીના પ્રસંગે ફટાકડા ફોડવા સ્વાભાવિક બાબત છે ત્યારે ફટાકડા ફોડવાથી ધ્વનિધ અને ધુમાડાથી વાયુ પ્રદૂષણ થતું હોવાથી આ પ્રદૂષણ અટકે એ માટે તેમનાં લગ્નમાં ફટાકડા નહીં ફોડવાનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં, પરંતુ પર્યાવરણને લઈને લગ્નપ્રસંગમાં આવનારા તમામ આમંત્રિતોને છોડ ગિયફ્ટમાં આપવામાં આવશે.