Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મચ્છુ જળ હોનારતઃ વાંચો તે દુર્ઘટના અનુભવનાર લોકોનો આંખે દેખ્યો અહેવાલ

મચ્છુ જળ હોનારતઃ વાંચો તે દુર્ઘટના અનુભવનાર લોકોનો આંખે દેખ્યો અહેવાલ

Published : 11 August, 2019 03:11 PM | IST | મોરબી
ભાવિન રાવલ

મચ્છુ જળ હોનારતઃ વાંચો તે દુર્ઘટના અનુભવનાર લોકોનો આંખે દેખ્યો અહેવાલ

મચ્છુ જળ હોનારતઃ વાંચો તે દુર્ઘટના અનુભવનાર લોકોનો આંખે દેખ્યો અહેવાલ


11 સપ્ટેમ્બર, 1979નો દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળના નામે નોંધાયેલો છે. મચ્છુ 2 ડેમ, જે બન્યો હતો મોરબીવાસીઓને પાણી આપવા માટે. મોરબી વાસીઓની જીવાદોરી માટે. પરંતુ કહેવત છે ને જે પોષતું તે મારતું. એવો જ ક્રમ અહીં દેખાયો. જે મોરબી 2 ડેમનો ઉપયોગ લોકોને પાણી પહોંચાડવા માટે થવાનો હતો, તે જ ડેમના પાણીએ હજારો જિંદગી હણી લીધી. પાણી બચાવો તે આપણને બચાવશે એવા સૂત્રો આપણે સાંભળ્યા છે, પરંતુ અહીં તો બચાવેલું પાણી જ હજારો જિંદગીઓ તાણી ગયું.

શું માનવી અને શું પશું, ઈમારતો કે વાહનો... પાણીના જોર સામે બધું જ રમકડાની જેમ તણાઈ ગયું. મોરબીના લોકો જ્યારે આજે પણ એ ઘટનાને યાદ કરે છે ત્યારે ભયનું લખલખું પસાર થઈ જાય છે. 1979ના ઓગસ્ટ મહિનાની 11 તારીખે કુદરતે જે કૅર વર્તાવ્યો, તે યાદ કરતા આજે પણ લોકોની આંખના ખૂણાં ભીના થઈ જાય છે. અવાજને ડૂમો બાઝી જાય છે. તે સમયે કદાચ મોરબીનું એક પણ ઘર એવું નહોતું, જેના પરિવારનો ભોગ મચ્છુ ડેમ હોનારતે ન લીધો હોય.



morbi dam disaster


જેણે આ દુર્ઘટના અનુભવી નથી, તે પણ સાંભળીને ધ્રૂજી ઉઠે છે. તો જરા વિચાર કરો, જે લોકોએ મોરબીના પૂરને અનુભવ્યું છે, તેમની હાલત શું થઈ હશે. મોરબી દુર્ઘટનાના 40 વર્ષે gujaratimidday.comના કોરસપોન્ડન્ટ ભાવિન રાવલે આ દુર્ઘટનાને નજરે નિહાળનાર, મોરબી દુર્ઘટનામાં બચી જનાર લોકો સાથે ખાસ વાતચીત કરીને તે સમયની ઘટનાને જાણવાનો પ્રયત્ન કર્યો. અને જે માહિતી મળી તે ખરેખર દર્દનાક છે.

વલ્લભભાઈના પરિવારના 11 લોકો તણાયા


વલ્લલબાઈ પ્રજાપતિએ આ આખીય દુર્ઘટના નજરે જોઈ છે. અને તેઓ પોતાના પરિવારના 11 લોકોને આ દુર્ઘટનામાં ગુમાવી ચૂક્યા છે. વલ્લભભાઈ એ ગોઝારો દિવસ યાદ કરતા કહે છે કે,'8 દિવસથી વરસાદ ચાલુ હતો. મોરબી 1 ડેમ ઓવરફ્લો થયો એટલે એનું પાણી 2 નંબરના ડેમમાં આવ્યું. અમારું ઘર ડેમથી 6-7 કિલોમીટર દૂર હતું. ડેમ તૂટ્યો એટલે પહેલા તો 2-3 ફૂટ પાણી ભરાયા. પાણી મોરબી તરફ જતું હતું, પછી પાછુ આવ્યું. અને જે ફોર્સમાં પાણી આવ્યું, એની સ્પીડ સામે બચવાના કોઈ વિકલ્પ જ નહોતા. પશુઓ જીવ બચાવવા છત પર ડી ગયા હતા. જોત જોતામાં પાણી 10 ફૂટ સુધી ભાઈ ગયા. અમે બધાં માતાનો મઢ હતો એની છત પર ચડી ગયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. બપોરે 3.30 વાગ્યાની આસપાસ પાણી ભરાયા એ સાંજે લગભગ 10-11 વાગે ઉતર્યા. પછી બધાએ પોતાના ઘર જોવાની શરૂઆત કરી. પણ પાણી ઉતર્યા બાદની સ્થિતિ ભયાનક હતી. ચારે તરફ લાશ જ દેખાતી હતી. વીજળીના તાર પર લાશો લટકતી હતી. મારા મોટા બાપાના પરિવારના 8 જણા આ પાણીમાં તણાઈ ગયા. તેમના 3 ભાણેજ સાતમ આઠમ કરવા આવ્યા હતા એ પણ તણાઈ ગયા. પાણી ઉતર્યા બાદના દ્રશ્યો જોઈને બધાના મગજ બહેર મારી ગયા હતા. સરકારે રાહત કામગીરી શરૂ કરી. ફૂડ પેકેટ આવતા. પણ મોરબીને સરખું થતાં 3 મહિના લાગ્યા. સાફસફાઈ કરીને, રહેવા લાયક થતા 3 મહિનાનો સમય વીત્યો. એ 7થી 8 કલાકનો સમય જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકાય.'

morbi dam disaster

વલ્લભભાઈ પ્રજાપતિ અને મયુરદાન ગોવાભાઈ મારુતિ

'અમે લગભગ 72 લોકોને બચાવ્યા'

એક તરફ મોત હતું તો બીજી તરફ માનવતા પણ હતી. એક તરફ કાળ હતો, તો બીજી તરફ કાળથી બચાવનાર લોકો પણ હતા. એક તરફ મૃત્યુ પ્રચંડ વેગે ધસમસતું આવી રહ્યું હતું, તો બીજી તરફ લોકો દેવદૂત બની રહ્યા હતા. gujaratimidday.comએ મયુરદાન ગોવાભાઈ મારુતિ સાથે વાત કરી. જેઓ તે સમયે NCCના કમાન્ડર હતા, અને તેમણે 72થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. આ માટે તેમને NCCના ડાયરેક્ટર જનરલનો મેડલ મળી ચૂક્યો છે. તો પુરાણીજી પારિતોષિક પણ મળ્યું છે.

આ પણ વાંચોઃ દ્વારકાની એ જગ્યાઓ જ્યાં પાણી છે ગુલાબી, અને રેતી છે પીળી !

મયુરદાન ગોવાભાઈ મારુતિ એ સમયને યાદ કરતા કહે છે કે,'10 તારીખને શુક્રવાર હતો, ખૂબ વરસાદ પડ્યો હતો. આખી રાત પણ વરસાદ પડ્યો હતો, એટલે પાણી ભરાયા હતા. એટલે અમે લોકોને સલામત સ્થળે ખસેડતા હતા. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે લઈ જતા હતા. મોરબીની નહેરુ વ્યાયામ શાળાના યુવાનો પણ મદદ કરી રહ્યા. ડેમ તૂટ્યો એ પહેલા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી હતા. એટલે મુશ્કેલી તો પહેલેથી જ હતી. પણ મોરબી 1 ડેમ ઓવરફ્લો થતા 2 નંબરના ડેમમાં પાણી આવ્યું. ગેટ ખોલવાના પ્રયત્ન કર્યા, પરંતુ ગેટ ન ખૂલ્યો. જો એ ગેટ ખૂલ્યો હોત તો કદાચ નુક્સાન ન થાત. ડેમ તૂટ્યો એટલે પાણી ભરાવા લાગ્યા. એટલે બધાએ કહ્યું કે હવે નીકળી જવું જોઈએ. પણ મારી સાઈકલ ગામમાં હતી. હું લેવા ગયો, તો પાણી સાઈકલની ઉપરથી વહેતું હતું. જોતજોતામાં પાણી બચવા લાગ્યું. લગભગ દોઢ કિલોમીટર ચાલીને હું એક મકાનની છત પર પહોંચ્યો. ત્યાં અમે ઉપર ચડીને બેઠા તો એક ટ્રક, જે બચાવ કાર્યમાં વપરાતી હતી, તે પાણીમાં ફસાઈ હતી અને જળસ્તર વધતું હતું. ત્યારે છત પરથી ટ્રક સુધી દોરડું નાખીને ટ્રકમાં બેઠેલા લોકોને અમે સલામત રીતે છત પર લીધા. આ લોકો તો બચી ગયા, પણ મેં જે જોયું તે દર્દનાક હતું.'

મારુતજીનું કહેવું છે કે છત પર બેઠા બેઠા 4 કલાકમાં મેં અનેક લોકોને તણાતા જોયા. એક વ્યક્તિ જીવ બચાવવા ટેલિફોનના થાંભલે ચડ્યો હતો. પણ થોડા સમયમાં તે થાક્યો અને પકડ છૂટી ગઈ, પાણીમાં તણાઈ ગયો. આ જોવા છતાંય બચાવવાની કોઈ તક નહોતી. પાણીનો પ્રવાહ એટલો હતો કે તણાતા લોકોને બચાવવા શક્ય નહોતા. મોડી સાંજે કે રાતે પાણી તો ઉતરી ગયા, પણ પાછળ નુક્સાન ઘણું મોટું હતું. એ દ્રશ્યો જોઈને જાતને સંભાળવી અઘરી હતી. કારણ બધે જ લાશો પડી હતી.

આ પણ વાંચોઃ મચ્છુ ડેમ હોનારતઃમાત્ર 2 કલાકમાં મોરબી શહેર બની ગયું સ્મશાન

આ ભયાનક દુર્ઘટનામાં હજારો લોકો મૃત્યુ પામ્યા. મોતના જુદા જુદા આંકડા ચર્ચાય છે, પરંતુ ચોક્કસ કેટલા લોકો મર્યા હતા, તે આજેય કોઈ જાણતું નથી. જો કે આજે 40 વર્ષે મોરબી આ હોનારતને પાછળ મુકી બેઠું થઈ ચુક્યુ છે. ટાઈલ્સ ક્ષેત્રે અને ઘડિયાળ ક્ષેત્રે મોરબીનો જોટો જડે એમ નથી. તેમ છતાંય 11 ઓગસ્ટે આખા મોરબીમાં શોકનો ભાર હજીય વર્તાય છે.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 03:11 PM IST | મોરબી | ભાવિન રાવલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK