મચ્છુ ડેમ હોનારતઃમાત્ર 2 કલાકમાં મોરબી શહેર બની ગયું સ્મશાન
Image Courtesy:Indiawaterportal.org
ઓગસ્ટ મહિનો આમ તો ક્રાંતિનો મહિનો છે. જગતમાં જેટલી ક્રાંતિઓ થઈ તેમાંથી મોટાભાગની ક્રાંતિઓ ઓગસ્ટમાં થઈ છે. અને હવે તો કલમ 370 હટાવવાના ઐતિહાસિક પગલાં માટે પણ ઓગસ્ટ મહિનો યાદ રખાશે. જો કે ગુજરાતીઓ ઓગસ્ટ મહિનાને યાદ રાખે છે એક અતિભયંકર દુર્ઘટના માટે. એક એવી દુર્ઘટના જે ગુજરાતના એક આખા શહેરને ભરખી ગઈ. મચ્છુ ડેમ તૂટ્યો અને ગણતરીના કલાકોમાં આખું શહેર પાણીમાં તણાઈ ગયું.
ઘટના છે આજથી 40 વર્ષ પહેલાની. 11 ઓગસ્ટ 1979નો દિવસ. જ્યારે મચ્છુ નદી પર બંધાયેલો ડેમ ટુ તૂટ્યો હતો. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે આજે પણ જીવતા બચેલા લોકો તેને યાદ કરીને કાંપી ઉઠે છે. લોકો તેના દ્રશ્યો આજે પણ નથી ભૂલી રહ્યા. જ્યારે એક હસતું રમતું શહેર, લાખો જીંદગીઓ પાણીમાં તણાઈ ગઈ. માત્ર 2 કલાકમાં આખું શહેર હતું ન હતું થઈ ગયું. જ્યાં જુઓ ત્યાં મૃતદેહો જ દેખાતા હતા.
ADVERTISEMENT
તે સમયે મોરબી શહેરનો સમાવેશ રાજકોટ જિલ્લામાં થતો હતો. રાજકોટ જિલ્લામાં ભયાનક વરસાદ હતો. ખાસ કરીને મોરબી ડેમના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ સાંબેલાધાર ખાબકી રહ્યો હતો. જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મચ્છુ 2 ડેમ છલકાઈ રહ્યો હતો. આમ તો ડેમ છલકાવો એ સારી બાબત છે. પાણી તંગી દૂર થઈ જાય. પરંતુ અહીં ડેમ પાણીનો ભાર ઝીલી ન શક્યો.
સમય લગભગ બપોરના સાડા ત્રણ વાગ્યાનો હતો. જ્યારે લોકોને ખબર પડી કે મચ્છુ 2 ડેમ તૂટ્યો છે. અને પાણી શહેર તરફ ધસી રહ્યા છે. જો કે અહીં સૌથી મોટી ચૂક એ હતી કે આવડી મોટી દુર્ઘટના અંગે ન તો ગુજરાત સરકારને માહિતી હતી, ન તો કેન્દ્ર સરકારને. એક તરફ પાણી યમદૂત બનીને ધસી રહ્યા હતા, જિંદગીઓ તણાઈ રહી હતી, પરંતુ સરકાર બેખબર હતી.
બપોરના 3.40 વાગે તો મચ્છુ 2 ડેમના પાણી આખા શહેરમાં ઘૂસી ગયા. હજી તો કલાકો પહેલા આ શહેર ધમધમતું હતું. અને 2 કલાકમાં તો તારાજી સર્જાઈ ગઈ. માત્ર 2 કલાકમાં આખું મોરબી પાણીમાં સમાઈ ગયું. લોકો બચવા માટે ધાબે ચડ્યા, પણ પાણી તમામને તાણી ગયું. જ્યાં માણસોને બચવું મુશ્કેલ હતું ત્યાં પશુઓની તો શું વાત કરવી. પાણીનો પ્રવાહ એટલો ભયંકર હતો કે અનેક મકાનો ધરાશાઈ થઈ ગયા. કોઈને ય જીવ બચાવવાનો મોકો ન મળ્યો. બસ દેખાયું તો નુક્સાન, દેખાઈ તો તારાજી, માત્ર દુર્ઘટનાના નિશાનો વધ્યા હતા.
આ પણ વાંચોઃ દ્વારકાની એ જગ્યાઓ જ્યાં પાણી છે ગુલાબી, અને રેતી છે પીળી !
હજારોની સંખ્યામાં લોકો અને પશુઓના મોત થયા. જોત જોતામાં મોરબી હતું ન હતું થયું. પાણી ઓસર્યા તો જે દ્રશ્યો દેખાયા તે કંપાવનારા હતા. ચારે તરફ માત્ર લાશ જ લાશ. ક્યાંક ઝાડ પર તો ક્યાંક વીજળીના થાંભળા પર મૃતદેહ લટકતા હતા. મોરબીમાં ડેમ તૂટવાના સમાચાર સૌથી પહેલા બીબીસી રેડિયો પર પ્રસારિત થયા હતા. આ સમાચાર સામે આવતાની સાથે જ આખો દેશ સ્તબ્ધ હતો.


