કચ્છી કવિતા, કચ્છી વાર્તા, કચ્છી લોકસંગીત પર થશે ચર્ચા : આખો કાર્યક્રમ કચ્છી ભાષામાં થશે : કચ્છી સાહિત્યકારોને નવાજવામાં આવશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કચ્છના વડા મથક ભુજમાં સ્મૃતિવન ખાતે આજથી બે દિવસ માટે કચ્છ સાહિત્ય ઉત્સવ ઊજવાશે જેમાં કચ્છી કવિતા, કચ્છી વાર્તા, કચ્છી લોકસંગીત પર નિષ્ણાતો ચર્ચા કરશે. આખો કાર્યક્રમ કચ્છી ભાષામાં થશે અને કચ્છી સાહિત્યકારોને નવાજવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા રચાયેલી કચ્છી સાહિત્ય અકાદમી કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયાસરત છે. આજે કચ્છી ભાષા બોલનાર લોકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. આવા સમયે કચ્છી ભાષામાં રચાયેલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે એ જરૂરી છે. એવા સમયે ગયા વર્ષથી કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીના ડૉ. જયેન્દ્રસિંહ જાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવી પેઢી ઘરમાં ગુજરાતી બોલતી હોય તો તેને એનું મહત્ત્વ સમજાવો તો તેને ભાષા માટે ભાષાભિમાન પેદા થાય કે મારી ભાષામાં પણ સત્ત્વ અને તત્ત્વ છે. બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે તો ગુજરાતી શબ્દોનો ઉપયોગ ઓછો કરે છે. ભાષાનો ઉપયોગ ઓછો થાય તો ભાષાને ઘસારો પહોંચે તો આપણે તેમને સમજાવીએ કે કોઈ પણ ભાષામાં ઊંચ-નીચ નથી હોતી. આપણી ભાષામાં પણ એવા શબ્દો છે, સંસ્કારો છે; કેમ કે દરેક શબ્દનો સંસ્કૃતિજન્ય રેફરન્સ છે એ બાળકને સમજાવીએ એટલે ભાષાભિમાન આપણામાં હોવું જોઈએ એ આખી વાત છે. આપણે જે ભાષાને બચાવવી હોય એ ભાષામાં જ વાત કરવી જોઈએ, કારણ કે ભાષણ બચે તો જ ભાષા બચે. એનો ઉપયોગ થાય એવું અમે માનીએ છીએ. કચ્છ સાહિત્ય ઉત્સવમાં કચ્છી ભાષામાં આખો કાર્યક્રમ થશે. આખું સેશન કચ્છી ભાષામાં થશે.’
ADVERTISEMENT
ભુજમાં આવેલા ભુજિયો ડુંગર પર સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા, કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા, વિધાનસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કચ્છરત્ન પદ્મશ્રી નારાયણ જોશી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કચ્છના સાહિત્યકારો કાન્તિ ગોર, ધીરેન્દ્ર મહેતા, પુષ્પદાન ગઢવી, હરેશ ધોળકિયા, પબુ ગઢવી, રમેશ ભટ્ટ, રમઝાન હસણિયા, માવજી મહેશ્વરી સહિતના વક્તાઓ વક્તવ્ય આપશે.
