દક્ષિણ ગુજરાતના નારગોલ ગામે જન્માષ્ટમીના પર્વના સાત દિવસ પહેલાંથી ગામના સ્વામીનારાયણ મંદિરમાં છેલ્લાં ૯૦ વર્ષથી ગામવાસીઓ કરે છે સાત દિવસ ૨૪ કલાક ઊભાં-ઊભાં ભજન સાથે કરે છે અનોખી ઉજવણી
નારગોલ ગામમાં જન્માષ્ટમી પહેલાં સતત સાત દિવસ ઊભાં-ઊભાં ભજન ગવાય છે
આજે સમગ્ર વિશ્વમાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી થશે અને ભાવિકો કૃષ્ણભક્તિમાં શ્રદ્ધા સાથે ગળાડૂબ બનશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ તાલુકામાં આવેલા નારગોલ ગામે નોખી રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે એવી ઉજવણી કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળે. જન્માષ્ટમીના પર્વના સાત દિવસ પહેલાંથી ગામના સ્વામીનારાયણ મંદિરમાં છેલ્લાં ૯૦ વર્ષથી ગામવાસીઓ સતત સાત દિવસ ૨૪ કલાક ઊભાં- ઊભાં ભજન કરે છે. આ ભજન સત્સંગમાં એક પછી એક ૧૨ ભજન મંડળીઓ અને ગામના ભાવિકો ભાગ લે છે અને ભજનો ગાઈને કૃષ્ણભક્તિમાં લીન થાય છે.
કૃષ્ણભક્તિમાં સાત દિવસ સુધી લીન થતા ગામવાસીઓની ભક્તિ અને ગામમાં થતા ભજન સત્સંગ વિશે વાત કરતાં નારગોલ ગામના અગ્રણી યતિન ભંડારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૯૦ વર્ષથી ગામના સ્વામીનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પહેલાંના સાત દિવસ સતત ૨૪ કલાક ઊભાં-ઊભાં ભજન ગાવાની પરંપરા છે એ આજે પણ જળવાઈ રહી છે. આ રીતે ભજન કરતું અમારું ગામ કદાચ પહેલું હશે. આ રીતે સાત દિવસ સુધી ઊભાં-ઊભાં ભજન કદાચ બીજે ક્યાંય નહીં ગવાતાં હોય. ગામની આ વર્ષો જૂની પરંપરા છે. સ્વામીનારાયણ મંદિરમાં રાધાકૃષ્ણની મૂર્તિ છે અને જન્માષ્ટમીના સાત દિવસ પહેલાંથી મંદિરમાં સાત દિવસ સતત ૨૪ કલાક ભજનો ગવાય છે. આ સત્સંગ શરૂ થતાં પહેલાં અખંડ જ્યોત પ્રગટાવાય છે અને ગામની ભજન મંડળીઓ, ગામના સરપંચ અને આગેવાનોની હાજરીમાં ભજન માટે સંકલ્પ લેવાય છે અને ભજનની શરૂઆત થાય છે. એકમની રાતે ૧૨ વાગ્યાથી ભજન શરૂ થાય છે, જે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યાં સુધી ભજન સત્સંગ સતત ચાલે છે. ભગવાનનો જન્મ થાય ત્યારે આરતી થાય છે અને સતત સાત દિવસથી ૨૪ કલાક દરમ્યાન થતા ભજન સત્સંગને વિરામ અપાય છે.’
સતત ૨૪ કલાક રાત-દિવસ મંદિરમાં ભજન કેવી રીતે ગવાતાં હશે એ મુદ્દે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘ગામમાં ૧૨થી વધુ ભજન મંડળીઓ છે. દરેક ભજન મંડળી રોટેશન પ્રમાણે ભજન કરવા આવે છે. તેમની સાથે ગામના લોકો પણ જોડાય છે અને કૃષ્ણભક્તિ કરે છે. કલાકારો હાર્મોનિયમ, ઢોલક, તંબૂરો સહિતનાં વાજિંત્રો પણ ઊભાં-ઊભાં વગાડે છે અને ભજન ગાય છે. આ સત્સંગમાં મીરાબાઈ, નરસિંહ મહેતાનાં ભજનો, પ્રાચીન ભજનો ગવાય છે. અમારા વડવાઓ આ શીખવાડીને ગયા છે એટલે આ પરંપરા ૯૦ વર્ષથી ચાલી આવે છે. વર્ષો પહેલાં જન્માષ્ટમી દરમ્યાન ભજન સપ્તાહનું આયોજન થયું હતું, જે પ્રથા આજે પણ ગામમાં યથાવત છે.’
ADVERTISEMENT
ગામમાં આવેલા બીજા મંદિરમાં પણ હવે આ રીતે સત્સંગ શરૂ થયો હોવાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘અમારા ગામમાં રાધેશ્યામ મંદિર આવેલું છે ત્યાં પણ હવે આ રીતે સાત દિવસ ઊભાં-ઊભાં ભજન ગવાય છે અને જન્માષ્ટમીના સાત દિવસ પહેલાંથી સત્સંગ થાય છે. ગામમાં સત્સંગ થાય છે એમાં રાત્રે નૉઇઝ પૉલ્યુશનનું પણ ધ્યાન રાખવામાં આવે છે.’


