જામનગર જિલ્લામાં POCSO વિથ મર્ડરના ગુનામાં ફાંસીની પહેલી સજા : કોર્ટે કેસને ગણ્યો રૅરેસ્ટ ઑફ ધ રૅર : કોર્ટમાં રજૂ થયા ૨૩ સાક્ષીઓ અને ૯૫ દસ્તાવેજી પુરાવાઓ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જામનગર જિલ્લામાં આવેલા સિક્કામાં ૨૦૨૫માં ૮ વર્ષની ભાણીને શારીરિક ત્રાસ આપીને તેની ઘાતકી હત્યા કરવાના કેસમાં જામનગર જિલ્લાની પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કોર્ટના જજ વી. પી. અગ્રાવલે આરોપી મામા નીતિન માણેકને ફાંસીની સજા કરીને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આ કેસને રૅરેસ્ટ ઑફ ધ રૅર ગણ્યો હતો.
ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્લીડર જમન ભંડેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૫માં સિક્કા ખાતે આરોપી નીતિન માણેક તેની ૮ વર્ષની પિતરાઈ ભાણી સાથે રહેતો હતો. આ ભાણીને શારીરિક ત્રાસ આપીને તેની હત્યા કરવાનો બનાવ બન્યો હતો. કોર્ટમાં આ કેસની સુનાવણી દરમ્યાન કુલ ૨૩ સાક્ષીઓ અને ૯૫ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી નીતિન માણેકને ફાંસીની સજા કરી હતી. જામનગર જિલ્લામાં POCSO વિથ મર્ડરના કેસમાં ફાંસીની સજા આપવાનો આ પહેલો કેસ છે.’
બનાવ શું હતો?
ADVERTISEMENT
૨૦૨૫માં સિક્કામાં રહેતા નીતિન માણેકે તેની ૮ વર્ષની પિતરાઈ ભાણીને એક મહિના સુધી શારીરિક ત્રાસ આપીને, શરીરના ગુપ્ત ભાગો તથા છાતી પર દીવાસળીથી ડામ આપીને, લોખંડના દસ્તા અને ધોકા વડે માર મારીને તેમ જ દીવાલ સાથે ભટકાડીને નિર્મમ હત્યા કરી હતી. પોલીસની તપાસમાં નીતિન માણેકની સંડોવણી જણાઈ આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સાયન્ટિફિક, ટેક્નિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરીને બનાવ બન્યાના ૩૫ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
