ભાવનગરનાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન નીમુબહેન બાંભણિયાના પ્રયાસોને મળી સફળતા, રોજ બે ફલાઇટ ચાલશે
ફાઇલ તસવીર
ભાવનગર અને મુંબઈ વચ્ચે ફરી એક વાર ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. ૨૯ માર્ચથી ભાવનગરથી રોજ બે વખત ફ્લાઇટ મુંબઈ જશે. ભાવનગરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂરો થતાં બંધ થયેલી હવાઈ સેવા ફરી શરૂ થશે જેના અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી ઍર કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ત થશે.
ભાવનગરથી મુંબઈની ડાયરેક્ટ ફ્લાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માગણી અને લાગણીને ધ્યાનમાં લઈને ભાવનગરનાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન નીમુબહેન બાંભણિયાએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. આર. નાયડુને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન મુરલીધર મોહોળે ઍરલાઇન્સ સાથે બેઠકો યોજી હતી, જેના ભાગરૂપે ૨૯ માર્ચથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે રોજ બે ફ્લાઇટ શરૂ થશે. ભાવનગરથી નવી મુંબઈ જવા સવારે ૮.૩૫ વાગ્યે અને રાત્રે ૮.૫૦ વાગ્યે ફ્લાઇટ ઊપડશે. નવી મુંબઈથી ભાવનગરની ફ્લાઇટનો સમય બપોરે ૩.૨૫ અને સાંજે ૫.૧૫નો છે.
