ફ્રાન્સથી પાછા મોકલાયેલા ગેરકાયદે અમેરિકા જતા ગુજરાતીઓ સહિતના ભારતીયોના કેસમાં તપાસ એજન્સી સમક્ષ ૧૫ એજન્ટનાં નામ ખૂલ્યાં
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદઃ ગેરકાયદે અમેરિકા જવા માગતા અને ફ્રાન્સથી પાછા મોકલાયેલા ગુજરાતીઓ સહિતના ભારતીયોના કેસમાં તપાસ એજન્સી સમક્ષ ૧૫ એજન્ટનાં નામ ખૂલ્યાં છે. એટલું જ નહીં, કબૂતરબાજી કેસમાં મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, ચંડીગઢના એજન્ટો પર ગુજરાત સીઆઇડી ક્રાઇમની વૉચ છે. તપાસ એજન્સીના ધ્યાન પર એ વાત આવી છે કે ગેરકાયદે અમેરિકા જવા હવે વાયા નિકારાગુઆથી બાય રોડના નવા રૂટનો ઉપયોગ શરૂ થયો છે.
ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા માગતા ગુજરાતીઓ સહિતના ભારતીયોને ફ્રાન્સના ઍરપોર્ટ પરથી જ ભારત પાછા મોકલી આપ્યા બાદ ગુજરાત સીઆઇડી ક્રાઇમે ગુજરાત પરત આવેલા મુસાફરોની પૂછપરછ હાથ ધરી છે, જેમાં ઘણીબધી વિગતો બહાર આવી છે. એમાં એક માહિતી એ પણ બહાર આવી છે કે ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા માગતા લોકો જુદા-જુદા રૂટનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે દુબઈથી વાયા ફ્રાન્સ થઈને નિકારાગુઆ પહોંચીને અમુક પૅસેન્જરો બાય રોડ મેક્સિકો અને ત્યાંથી બૉર્ડર ક્રૉસ કરીને યુએસએ પહોંચતા હતા. હાલ જે ચાલે છે એ નિકારાગુઆથી ચાલે છે. બેઝિકલી ઇન્ડિયન પાસપોર્ટ માટે નિકારાગુઆ ઑન અરાઇવલ વિઝા સિસ્ટમ છે એટલે મુંબઈ, અમદાવાદ, લખનઉથી દુબઈની ફલાઇટ પકડે છે. દુબઈમાં અમુક સમય રાહ જોવાય છે અને જ્યારે નિકારાગુઆની ફ્લાઇટની વ્યવસ્થા થાય છે ત્યારે લોકો નિકારાગુઆ ઊતરી બાય રોડ મેક્સિકોથી યુએસએ જાય છે.
ADVERTISEMENT
તપાસ દરમ્યાન ૧૫ એજન્ટોનાં નામ ખૂલ્યાં છે. એના સિવાય મુંબઈ, દિલ્હી, ચંડીગઢ, ચેન્નઈના અમુક લોકો પર ગુજરાત સીઆઇડી ક્રાઇમની વૉચ છે અને અમુક માહિતી મળી છે.

