કોરોનાના આ સમયમાં આપણે આ જ ભાવથી જીવ્યા અને આ જ ભાવ સાથે સૌકોઈને રાખ્યા. આ જે ભાવ છે એ હિન્દુસ્તાનની નસ-નસમાં વહે છે એ વધુ એક વાર આપણે પુરવાર કરી દીધું છે

ફોટો/આઈસ્ટોક
કોરોના યાદ આવે એટલે લૉકડાઉન યાદ આવે અને લૉકડાઉન યાદ આવે એટલે આંખ સામે તરત એ બધા દિવસો યાદ આવી જાય જ્યારે ધાર્યું ન હોય, માન્યું ન હોય એ રીતે એકબીજાને મદદ કરવા માટે સૌકોઈ નીકળી પડ્યા હતા. વિધિવત્ વાત નીકળવાની નથી; પણ વાત છે માનસિક રીતે સાથ આપવાની અને સાહેબ, ખરેખર કહેવું પડે. હૅટ્સ ઑફ. તન, મન અને ધનથી સૌકોઈએ એકબીજાને સાથ આપ્યો. જ્યારે પણ મને આ વિષય પર વાત કરવાનું કે લખવાનું કહેવામાં આવે ત્યારે પેલું પૉપ્યુલર હિન્દી ગીત યાદ આવી જાય છે...
તેરા સાથ હૈ તો, મુઝે ક્યા કમી હૈ
અંધેરો મેં ભી, મિલ રહી રોશની હૈ
ખરેખર એવું જ હતું આપણે ત્યાં અને કબૂલવું પણ પડે કે રસ્તાઓ કાઢવાનું કામ અને રસ્તા પર ધક્કો મારીને આગળ લઈ જવાનું કામ આપણે ગુજરાતીઓએ કરી દેખાડ્યું. કરી દેખાડ્યું અને પુરવાર કરી દીધું કે ગુજરાતીઓ ક્યાંય પાછળ નથી હટતા. સેવાથી લઈને સ્ટાર્ટઅપ સુધી અને મદદથી લઈને મનોદશા સુધી આપણે એકધારા ઊભા રહ્યા અને ક્યાંય ડગ્યા નહીં. આજના આ લેખની તૈયારીઓ કરતાં પહેલાં મેં એનો વિચાર શું છે એ જાણ્યો ત્યારે બે ઘડી તો મને પણ થયું કે ખરેખર આપણે ગુજરાતીઓને જો કરવું હોય તો તેઓ પથ્થરમાંથી પાણી કાઢી લે અને પાણીમાંથી મૂર્તિ પણ ઊભી કરી દેખાડે; જોકે વાત દેખાડી દેવાની હોય ત્યારે. તમે જુઓ તો ખરા, લૉકડાઉન દરમ્યાન આપણો એક પણ ગુજરાતી ક્યાંય અટક્યો નહીં અને ક્યાંય તેણે પીછેહઠ પણ કરી નહીં.
વિદેશી વૅક્સિન લઈ આવવા માટે જ્યારે વિરોધ પક્ષ ગાઈવગાડીને દેકારો કરતો હતો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધીરજ રાખીને દેશની વૅક્સિન પર મદાર રાખ્યો અને તેમની ધીરજનું પરિણામ આજે આપણા સૌની નસેનસમાં ઊતરી ગયું છે. નિઃશુલ્ક વૅક્સિન એ નાની વાત નથી અને જો તમે એવું ધારતા હો તો ખુલાસાવાર તમને કહેવાનું કે એ તમારી બહુ મોટી ભૂલ છે. એક વખત કૅલ્ક્યુલેટર હાથમાં લઈને ૧૪,૦૦,૦૦,૦૦,૦૦ લખીને એને સાતસો રૂપિયા સાથે ગૂણીને જવાબ લાવવાની કોશિશ કરજો. આટલા રૂપિયાનો ખર્ચ સરકારે મારા અને તમારા માટે નિઃશુલ્ક વૅક્સિન આપીને કર્યો છે અને આ જે ખર્ચ છે એ તો પહેલા ડોઝનો છે. તમને જો જવાબ મળે તો મળેલા એ જવાબને બે સાથે ગૂણી લેજો અને એ પછી બૂસ્ટર ડોઝ પણ કાઉન્ટ કરવાની છૂટ.
દેશની તિજોરીનો વિચાર જેમ ગુજરાતી વડા પ્રધાન ન કરે એવી જ રીતે આપણા દેશના એકલદોકલ ગુજરાતીઓએ પણ ભામાશા બનવાનું કામ સુપેરે પાર પાડ્યું. કોઈ શેઠ જગડુશા બન્યું તો કોઈ રાજા ભરથરી બનીને પોતાની સુખસાહ્યબી છોડીને કામે લાગી ગયું. કોઈએ વળી દાનવીર કર્ણ બનીને પોતાનું સુખ જોયા વિના, પોતાની સલામતી વિચાર્યા વિના ખંતથી મન મૂકીને કામ કર્યું. મુંબઈના ગુજરાતીઓએ પણ કામ કર્યું અને ગુજરાતના ગુજરાતીઓએ પણ દિલથી સેવા કરી. વૈશ્વિક ગુજરાતીઓએ પણ જીવનને અર્થસભર બનાવ્યું. સોનુ સૂદ પણ કામ માટે બહાર નીકળ્યો અને તેના ઇન્ટરવ્યુ પુષ્કળ થયા. જોકે હજારો સોનુ સૂદ એવા પણ હતા જેમને કોઈ ઓળખતું નહોતું, કોઈ મીડિયા તેમની નોંધ લેવા તૈયાર નહોતું; પણ માહ્યલો ખુશ થતો હતો એટલે કામ કરવા તત્પરતા સાથે બહાર આવ્યા. આ જે ભાવ હતો, આ જે ભાવના હતી એ સાધનાથી સહેજ પણ ઓછી આંકી શકાય એમ નથી.
કહ્યું એમ સેવાથી માંડીને સ્ટાર્ટઅપ સુધીની જે આ સફર રહી એ સહેલી નહોતી, સરળ નહોતી, સીધી નહોતી. એ સફર તકલીફ વચ્ચે જ શરૂ થઈ હતી અને તકલીફ વચ્ચે જ એને આગળ વધારવાની હતી. પેલા ગીત જેવી અવસ્થા હતી...
ઉંચે-નીચે રાસ્તે ઔર મંઝિલ તેરી દૂર
રાહ મેં રાહી રૂક ના જાના, હો કરકે મજબૂર
અહીં તો વાત પણ ૩૬૦ ડિગ્રીની અવસ્થા પર હતી. મજબૂરીને કારણે જ સફર શરૂ થઈ હતી અને મજબૂરીને જ વશમાં લેવાની હતી. જે વાઇફ ઘર ચલાવતી અને પતિ કમાવા જતો એ જ વાઇફ ફરસાણ બનાવવામાં લાગી અને હસબન્ડે ડિલિવરી સંભાળી લીધી. દીકરાએ વૉટ્સઍપ પર માર્કેટિંગ શરૂ કરી દીધું અને દીકરી મમ્મીનો હેલ્પિંગ હૅન્ડ બની ગઈ. દાદા હિસાબ લેતા થયા અને દાદી જાતજાતની વરાઇટીઓને સ્વાસ્થ્યવર્ધક કેવી રીતે બનાવી શકાય એની રેસિપી શોધવામાં લાગી ગયાં. આવા સેંકડો પરિવારો હતા અને આ પરિવારોમાં એવા વિરલા પણ હતા જેમણે આ રીતે થયેલી આવકમાંથી પણ જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી કરી. એવા પણ સજ્જનો હતા જેઓ પોતે એક ટંકનું ભોજન કમાતા અને એ એક ટંકમાંથી પણ બે ભાગ કરતા તો એવાં પણ દુર્લભ વ્યક્તિત્વો હતાં જે પોતાના ઓળખીતાઓને સામેથી ફોન કરીને જરૂરિયાત હોય તો સંકોચ નહીં રાખવાનું કહેતા. ઓળખીતાઓની વાત છે અને એ ઓળખીતાઓમાં મરાઠીઓ પણ આવી જતા અને પંજાબી પરિવારો પણ આવી જતા. જ્ઞાતિવાદ અને પ્રાંતવાદનું બાષ્પીભવન કર્યું ગુજરાતીઓએ અને દેશવાદનો સૂરજ મસ્તક પર લાવ્યા. જેટલા સેવાયજ્ઞો દેશમાં નથી થયા એટલા સેવાયજ્ઞો ગુજરાતીઓએ દુનિયાભરમાં કર્યા. જેટલાં હિતકાર્યો દુનિયામાં નહોતાં થયાં એટલાં હિતકાર્યો દેશમાં ગુજરાતીઓએ કર્યાં. આ જે ભાવ હતો, આ જે ભાવના હતી એણે જ સંસારને જીવવા લાયક રાખ્યો અને સંસાર જીવવા લાયક રહ્યો એટલે જ તો આજે આપણે આવતી કાલની સુખમય સવાર કલ્પી શકીએ છીએ.
ગુજરાતી ધંધાદારી પ્રજા છે. આ વાત જ્યારે પણ સાંભળી છે ત્યારે ગર્વની સાથોસાથ મનમાં આછુંસરખું દુઃખ પણ થયું છે કે આપણે માત્ર બિઝનેસ પૂરતા જ શું કામ સીમિત રહીએ? જોકે સાહેબ, આ મહેણું ભાંગ્યું આપણે ગુજરાતીઓએ. આપણે લૉકડાઉનમાં પુરવાર કરી દેખાડ્યું કે ગુજરાતીઓ વ્યાપારપ્રિય પ્રજા જ નહીં, વ્યવહારપ્રિય પ્રજા અને વહાલપ્રિય પ્રજા પણ છે. સતત હિસાબમાં રત રહેતા આપણે આપવા બેસીએ ત્યારે મનમાં રહેલા ગણિતને કોરાણે મૂકીને હૈયામાં રહેલા પ્રેમને જ આદર આપીએ છીએ. આ જ તો કારણ છે કે વડા પ્રધાને કોવિડ રાહત ફન્ડની જાહેરાત કર્યાના ચોવીસ જ કલાકમાં ગુજરાતીઓએ એકબીજાને કહી-કહીને એમાં ફન્ડ જમા કરાવ્યું. અરે, એવા યંગસ્ટર્સને મેં જોયા છે જેમણે પોતાની પાસે રહેલા, મહામહેનતે બચાવેલા અને નવા મોબાઇલ માટે સંઘરેલા બે અને ત્રણ હજાર રૂપિયા કોવિડ રાહત ફન્ડ માટે પ્રેમથી આપી દીધા હોય. શું કહેવાનું બીજું આ પ્રજાને? બસ, એટલું જ કે આ ભાવ અને આ ભાવનાને આમ જ અકબંધ રાખજો. તમારો આ ભાવ, તમારી આ ભાવનાએ જ આ દેશની કરોડરજ્જુને મજબૂત રાખી છે અને રાખવાની છે. આ દેશને જેટલી જરૂર (હોમી) ભાભાની છે એટલી જ જરૂરી ભામાશાની પણ છે. આપ જેવા ભામાશાના આધારે તો સુખનો અવસર મળ્યો છે. નામો અનેક મનમાં ચાલે છે, તેમણે કરેલાં કામો પણ આંખ સામે તરવરે છે; પણ હું કોઈ એકલદોકલ ગુજરાતીનું નામ લેવા નથી માગતો. આજે, અત્યારે, અહીં આ સ્થળેથી એ તમામ ગુજરાતીઓનું માથે સાડલો મૂકીને શબ્દોનું સામૈયું કાઢીને કહું છું કે તમારા વિના આ મહામારીનો જંગ
આકરો હોત. દેશ અને દેશવાસીઓના પડખે ઊભા રહીને તેમને જીવવાનું ઝનૂન આપવા બદલ એકેએક જન આપનો આભારી છે, રહેશે.
શબ્દાંકન : રશ્મિન શાહ

