લેખક અને પત્રકાર સલિલ દલાલનું આજે અવસાન થયું છે. તેઓ કેન્સરથી પીડાતા હતા. તેમણે 30 વર્ષ સુધી ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા ગુજરાતના ટોચના દૈનિકોમાં લોકપ્રિય કોલમ્સ લખી
ફાઇલ તસવીર
લેખક અને પત્રકાર સલિલ દલાલનું આજે અવસાન થયું છે. તેઓ કેન્સરથી પીડાતા હતા. તેમણે 30 વર્ષ સુધી ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા ગુજરાતના ટોચના દૈનિકોમાં લોકપ્રિય કોલમ્સ લખી. તેમની કોલમ ‘ફિલ્મની ચિલમ’ને વાચકોનો ખૂબ પ્રેમ મળ્યો. તાજેતરમાં જ તેમણે ફેસબુક પર એક પોસ્ટ કરી આ કૉલમને અંતિમ વિદાય આપી હતી.
તેમણે 4 વર્ષ સુધી સાપ્તાહિક અખબાર `આનંદ એક્સપ્રેસ`ના સંપાદકોને રાજનીતિ, ફિલ્મો અને સ્થાનિક મુદ્દાઓ પર પણ કોલમ લખી. દૈનિક અખબાર `નવજીવન એક્સપ્રેસ` માટે કન્સલ્ટિંગ એડિટર અને બે વર્ષ સુધી તેની રાજકીય, સ્થાનિક અને સાંસ્કૃતિક સામગ્રીનું સંચાલન કર્યું. એક ફ્રીલાન્સર તરીકે તેમણે, હિન્દી ફિલ્મ જગત પર અઢળક લેખો લખ્યા છે.
ADVERTISEMENT
સલિલ દલાલે ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઈને 2008માં કેનેડા જઈને વસવાટ કર્યો તે પહેલા તેમણે 1970ના દાયકાથી 2008 સુધી અગ્રણી ગુજરાતી અખબારોમાં હિન્દી ફિલ્મજગતને લગતી કોલમ લખતા હતા. ફિલ્મ જગત વિષયક પુસ્તકો પ્રગટ કરવા ઉપરાંત કેનેડા જઈને તેમણે પોતાનું નવું જીવન કંડાર્યું હતું. હળવી શૈલીમાં કરેલો પ્રસ્તુત વાર્તાલાપ એમના સાહસ, ઉદ્યમ અને વિશાળ દૃષ્ટિકોણનું દર્શન કરાવે છે.
તેમણે ત્રણ ગુજરાતી અને એક હિન્દી પુસ્તક લખ્યું જેમાં, ‘કુમારકથાઓ… ફેસબુકના ફળિયે!’, ‘ગાતા રહે મેરા દિલ’, ‘અધૂરી કથાઓ... ઈન્ટરનેટની અટારીએ!’ અને ‘સુરસાગર કી લહેરેં…’ સામેલ છે.
ગઇકાલે તેમણે એક ફેસબુક પોસ્ટમાં અમિતાભ બચ્ચન અને અમીન સાયાનીનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, “તબિયતના ચઢાવ-ઉતારના આ દિવસોમાં આજે તક મળી છે તો પત્રવ્યવહારની શિષ્ટતાના દાખલા સમા બે સેલિબ્રિટીને વંદન કરવાની આ નોંધ લાંબા સમયથી પેન્ડિંગ હતી. આજે દીકરા સનીની ટેક્નિકલ સહાયથી એ પોસ્ટ અપલોડ કરી રહ્યો છું. એક વિશિષ્ટ આભાર પરમ પ્રિય સર અમિતાભ બચ્ચનનો અને અમીન સાયાનીનો!”
તેમણે લખ્યું કે, “મારું હિન્દી પુસ્તક ‘સુરસાગર કી લહરેં’ ફિલ્મ ઉદ્યોગના કેટલાક અગ્રણીઓને મોકલ્યું હતુ. પરતુ એક પણ સેલિબ્રિટી તરફથી પુસ્તક મળ્યાની પહોંચ સુદ્ધાં મળી નથી. સામે પક્ષે બચ્ચનદાદાએ પહોંચ તો મોકલી પોતાના હસ્તાક્ષરમાં સાઇન કરીને અનુકૂળતાએ તે વાંચશે એમ પણ લખ્યું. મારા માટે સૌથ મોટી વાત એ હતી કે તેમણે ‘My dear Salil Dalal’ એમ લખ્યું! તેમને રુબરુ મળવાના પ્રયત્નો છતાં નસીબજોગે શક્ય નહોતું બન્યું. પણ શું રુબરુ મુલાકાતમાં આવું પર્સનલ સંબોધન પ્રાપ્ત થઈ શકત? એ જ રીતે અમીન સાયાની જેવા સિનિયર બ્રોડકાસ્ટર 90 વર્ષની ઉંમરે જવાબ ન આપે એ સમજાય એમ હતું. પણ તેમનો ઇમેલ વિગતવાર વાંચવા વિનંતિ છે, જેમાંથી પણ અપનાપન છલકતું દેખાય છે.”


