મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં બહાર આવી આ વિગતો
મધ્ય ગુજરાતના દેડિયાપાડા વિધાનસભા મતવિભાગના સાગબારા તાલુકામાં મતદાર-કૅમ્પ યોજાયો હતો જેમાં મતદારોએ આવીને પોતાનાં ફૉર્મ ભર્યાં હતાં.
ગુજરાતમાં ચાલી રહેલી મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી દરમ્યાન જાણવા મળ્યું છે કે ગુજરાતમાં ૧૬ લાખ મતદારોનું અવસાન થયું છે, ૨૩ લાખ મતદારોએ સ્થળાંતર કર્યું છે, ૪.૪૦ લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા અને ૨.૮૨ લાખથી વધુ મતદારો રિપીટ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ગુજરાતમાં ૨૦૨૫ની મતદારયાદીમાં નોંધાયેલા પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી-ફૉર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ૩૩ જિલ્લાઓ પૈકી મોટા ભાગના જિલ્લાઓમાં ફૉર્મનું વિતરણ ૧૦૦ ટકા પૂરું થયું છે. પરત મળેલા ફૉર્મની ડિજિટાઇઝેશનની કામગીરી ચાલી રહી છે. એમાં બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને થરાદ વિધાનસભા, દાહોદ જિલ્લાના લીમખેડા વિધાનસભા અને રાજકોટ જિલ્લાના ધોરાજી વિધાનસભા સાથે કુલ ૪ વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઇઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂરી થઈ ગઈ છે. ડાંગ જિલ્લામાં ડિજિટાઇઝેશનની કામગીરી ૯૩.૫૫ ટકા પૂરી થઈ છે.


