ગુજરાતમાં ઉનાળામાં ચોમાસું બેઠું હોય એવો માહોલ સર્જાયો , ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે પડ્યો વરસાદ

કન્યાકુમારીમાં નાગરકોઇલ ખાતે ગઈ કાલે વરસાદમાં બાઇક પર જઈ રહેલો પરિવાર.
અમદાવાદ : ગુજરાતમાં જાણે કે ઉનાળામાં ચોમાસું બેઠું હોય એવો માહોલ સર્જાયો છે. ગઈ કાલે અમરેલી અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. એમાં પણ ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ગુરેઝ ખીણમાં રાઝદાન પાસ ખાતે રસ્તા પરથી બરફ હટાવી રહેલા બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશનના જવાનો. તસવીર પી.ટી.આઇ.
ગઈ કાલે અમરેલી જિલ્લામાં ધારી વિસ્તારના સખપુર, કાંગસા, દલખાણિયા સહિત ગીર સાઇડના વિસ્તારના અંદાજે ૧૫થી ૨૦ જેટલાં ગામોમાં પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ ગઈ કાલે પવન ફૂંકાવા સાથે માવઠું થયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનો માર, ખેડૂતોના ઊભા પાકને નુકસાન
ઉલ્લેખનીય છે કે બુધવારે રાતે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. હજી પણ ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદી વાતાવરણ રહેશે એવી આગાહી કરવામાં આવી છે.
તેલંગણના સંગરેડ્ડી જિલ્લામાં કોહિર ખાતે ગઈ કાલે કરા પડ્યા બાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો.
દરમ્યાન સમગ્ર ભારતમાં હવામાને જબરદસ્ત પલટો માર્યો છે. એને લીધે ક્યાંક કરા તો ક્યાંક વરસાદ તો ક્યાંક બરફ પડી રહ્યો છે. જોકે એનાથી ગરમીમાંથી ચોક્કસ રાહત મળી છે. જોકે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.