પોતે પાંચમા ડાયમેન્શનમાં જઇને વૈશ્વિક ચેતના માટે તપસ્યા કરે તે અગત્યનું છે, ઑફિસ જઇને ટાઇમપાસ ન કરવો જોઇએ એવું આ અધિકારીનું માનવું છે. તેમણે પોતાના ઉપરીઓને કહ્યું કે વિષ્ણુ અવતાર હોવાથી ઑફિસ નહીં આવે.
રમેશચંદ્ર ફેરર - તસવીર - ફેસબૂક એકાઉન્ટ
ગુજરાતમાં એક સરકારી અધિકારીએ તેમના ઉપરી અધિકારીઓને કહ્યું છે કે તે વિષ્ણુનો દસમો અવતાર એટલે કે કલ્કી અવતાર છે એટલે પોતે ઑફિસ નહીં આવી શકે. તેણે કહ્યું કે વૈશ્વિક કોન્શિયસ માટે આપણે પાંચમા સ્તરમાં એટલે કે ડાઇમેન્શનમાં પ્રવેશ કરીએ તે માટે પોતે તપશ્ચર્યા કરી રહ્યા છે. પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર રમેશ ચંદ્ર ફેરરને જ્યારે વડોદરા ઑફિસે હાજર ન થવા બદલ કારણ દર્શક નોટિસ મોકલવામાં આવી ત્યારે તેમણે પોતાની ગેરહાજરીનું આવું કારણ આપ્યું હતું.
તેમણે છેલ્લા આઠ મહિનામાં માત્ર 16 દિવસ જ ઑફિસમાં હારી આપી છે. આવી બિનઅધિકૃત ગેરહાજરી ગેઝેટેડ ઑફિસને શોભે નહીં અને કામ પણ ખોટકાય, આ કારણો સાથે તેમને કારણ દર્શક નોટિસ મોકલવામાં આવી.
ADVERTISEMENT
ફેરારે રાજકોટમાં પોતાને મળવા આવેલા એક મીડિયાના પ્રતિનિધિને કહ્યું કે, “હું પાંચમા ડાઇમેન્શનમાં પ્રવેશીને ગ્લોબલ કોન્શિયસનેસ બદલવા માટે તપસ્યા કરી રહ્યો છું. હું આ તપસ્યા ઑફિસમાં બેસીને ન કરી શકું. ભારતમાં છેલ્લા 19 વર્ષથી સારો વરસાદ પડે છે કારણકે હું કલ્કીનો અવતાર છું.”
પોતાની જાતને વિષ્ણુનો અવતાર કહેનારા અધિકારી 50 વર્ષના છે. તેઓ કહે છે કે કોઇ માને કે ન માને પણ પોતે ખરેખર જ વિષ્ણુના દસમા અવતાર છે ને તે આગામી દિવસોમાં આવાતની સાબિતી પણ આપશે. તેમને માર્ચ 2010માં ઑફિસમાં બેઠા બેઠા આ બ્રહ્મ જ્ઞાન થયું હતું કે પોતે કલ્કીના અવતાર છે અને ત્યારથી તેમની પાસે ચમત્કારી શક્તિઓ આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે પોતાના અધિકારીઓના તેમને ઑફિસ બોલાવવાના કારણને નકામું ગણાવી કહ્યું કે અધિકારીઓએ સમજવું જોઇએ કે શું વધારે અગત્યનું છે મારે ઑફિસમાં બેસીને ટાઇમપાસ કરવો કે પછી દેશને દુકાળથી બચાવવા માટે અગત્યનું કામ કરવું.

