પૂર અને વરસાદથી અસરગ્રસ્ત ભરૂચ, નર્મદા, વડોદરા અને આણંદ જિલ્લામાં રોગચાળો અટકાવવા ચાર લાખથી વધુ લોકોનું ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરાયું

પૂર અને વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય ટીમોએ જઈને હેલ્થ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.
ગુજરાતમાં નર્મદા સહિતની નદીના પૂર અને વરસાદથી અસરગ્રસ્ત ભરૂચ, નર્મદા, વડોદરા અને આણંદ જિલ્લામાં રોગચાળો અટકાવવા ચાર લાખથી વધુ લોકોનું ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરાયું છે. ચાર દિવસમાં ચાર જિલ્લાનાં ૧૨૧ ગામોના ૪ લાખથી વધુ નાગરિકોનું આરોગ્ય કર્મચારીઓએ ઘરે જઈને હેલ્થ ચેકિંગ હાથ ધર્યું હતું.
ગુજરાતના આરોગ્ય પ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું હતું કે ‘અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૩ જિલ્લા હૉસ્પિટલ, ૪ પેટા જિલ્લા હૉસ્પિટલ, ૩૭ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૧૭૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સહિતનાં કેન્દ્રો તેમ જ ૨૦ મોબાઇલ હેલ્થ યુનિટ દરદીઓની સારવારમાં કાર્યરત છે. આ ઉપરાંત પાણીજન્ય સહિતના રોગોમાં બ્લડ અને યુરિન ટેસ્ટ લૅબોરેટરીમાં કરવામાં આવી રહી છે.

