BJPએ ડૅમેજ કન્ટ્રોલ કવાયત કરીને સાબરકાંઠા અને અરવલ્લીના BJPના સંગઠનના આગેવાનોને હિંમતનગર બોલાવીને હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી
હર્ષ સંઘવી
ગુજરાતમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લા ચાર દિવસથી થઈ રહેલો ખુદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોનો વિરોધ થાળે પાડવા માટે ગઈ કાલે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પક્ષે હિંમતનગર મોકલ્યા હતા અને તેમણે ડૅમેજ કન્ટ્રોલ કરવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.
BJPએ ડૅમેજ કન્ટ્રોલ કવાયત કરીને સાબરકાંઠા અને અરવલ્લીના BJPના સંગઠનના આગેવાનોને હિંમતનગર બોલાવીને હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી. સાબરકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવનાર ભિખાજી ઠાકોર, ભીખુસિંહ પરમાર સહિતના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા અને બંધબારણે બેઠક કરીને સાબરકાંઠામાં પક્ષના જ કાર્યકરોનો વિરોધ ખાળવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. બીજી તરફ એવી પણ વિગતો બહાર આવી છે કે સાબરકાંઠા BJPના આગેવાનોને આજે ગાંધીનગર બોલાવાયા છે. ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સંગઠનના અગ્રણીઓ આ આગેવાનો સાથે બેઠક કરશે.