Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



‘ટીના’નો જાદુ

09 December, 2022 08:25 AM IST | Mumbai
Badal Pandya

ગુજરાતમાં વિક્રમી ભગવા વિજયનું સૌથી મોટું કારણ રાજ્યમાં બીજેપીનો મજબૂત વિકલ્પ નથી એ જ રહ્યું

ફાઇલ તસવીર Gujarat Election Result

ફાઇલ તસવીર


TINA એટલે કે There is no alternative, અર્થાત્ કોઈ વિકલ્પ જ નહીં

ગુજરાતમાં બીજેપીની તરફેણમાં કામ કરનારું અગત્યનું અને મોટું કોઈ ફૅક્ટર હોય તો એ છે ટીના. ચૂંટણીની જાહેરાત પહેલાં જ સૌકોઈને ખ્યાલ હતો કે ગુજરાતમાં બીજેપી સિવાય કોઈ વિકલ્પ નથી. કૉન્ગ્રેસે શસ્ત્રો હેઠાં મૂકી દીધાં. બાકી રહી આપ. અરવિંદ કેજરીવાલની આપની હાજરી ગ્રાઉન્ડ કરતાં સોશ્યલ મીડિયા પર વધુ દેખાઈ અને આપે આમ તો બીજેપીને ન ભૂતો ન ભવિષ્યતિ જેવા ઇલેક્શન પર્ફોર્મન્સમાં મદદ જ કરી. ઇન ફૅક્ટ, કેજરીવાલની પાર્ટી આપને ગુજરાતમાં બીજેપીની બી ટીમ ગણાવીએ તોય કશું ખોટું નથી. આવી પરિસ્થિતિમાં બીજેપી સિવાય કોઇ મજબૂત વિકલ્પ જ નહોતો ગુજરાતના મતદારો પાસે. 



અલબત્ત, બીજેપીની જીતનું બધું શ્રેય એક જ પરિબળને આપવું યોગ્ય નથી. મજબૂત નેતાગીરી, બળૂકું સંગઠન અને સચોટ પ્લાનિંગ મુખ્ય સ્તંભ છે ભગવા વિજયના. આમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત એક નામનો ખાસ ઉલ્લેખ કરવો પડે. ચંદ્રકાન્ત રઘુનાથ પાટીલના નામનો. પક્ષના ગુજરાત એકમની કમાન સી. આર. પાટીલને સોંપવાનો માસ્ટરસ્ટ્રોક ચૂંટણી માટેની રણનીતિને સચોટતાથી ખરી જ, પણ ક્યારેક નિર્દયતાથી અમલમાં મૂકવામાં કારગત નીવડ્યો. વિજય રૂપાણીની આખી ને આખી કૅબિનેટ ઘરભેગી કરી દેવી અને કોવિડ સમયનાં પાપ ધોઈ નાખવા માત્ર સીએમ નહીં, તમામ નવા ચહેરા સાથેની કૅબિનેટની રચના કરવી એ રાજકીય નિર્દયતાથી જ છે. ગુજરાતમાં કોવિડ મૅનેજમેન્ટના નામે થયેલા રકાસને પગલે સી.આર.ના ફીડબૅકે રૂપાણી કે તેમની સરકારનો એકેય પડછાયો ચૂંટણીમાં બીજેપીની તકો સુધી ન લંબાય એની ખાતરી કરી લેવાની હામ કેન્દ્રીય નેતાગીરીને આપી. સી.આર.ને રૂપાણીની રવાનગી પછી તો ગુજરાતના સુપર સી.એમ. જ ગણી શકાય. તેમની વગ સંગઠન પર એટલી હદે છે કે બીજેપીની જીત પછી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સી.આર.ને મળવા માટે પહોંચ્યા. સામાન્યપણે વર્તમાન મુખ્ય પ્રધાન અને આ કેસમાં તો ભાવિ મુખ્ય પ્રધાનને પક્ષના રાજ્ય એકમના વડા વિજયની મુબારકબાદી આપવા જતા હોય અને જિતુ વાઘાણી હોત તો એવું થયું પણ હોત. સી.આર.ની વાત જુદી છે.


બીજેપીની ડબલ હૅટ-ટ્રિક તેમ જ સતત ચાર ઇલેક્શનથી સીટો ઘટવાના ટ્રેન્ડ પર વિરામ મુકાયો એમાં પાટીદારોમાંના ભાગલા પણ કારણભૂત. ૨૦૧૭ની ચૂંટણીમાં બીજેપીના નબળા અને કૉન્ગ્રેસના સબળા દેખાવમાં પાટીદાર ફૅક્ટર મોટો રોલ ભજવી ગયેલું. હા, મણિશંકર ઐયર અને તેમની જીભનો લાભ બીજેપીને ન મળ્યો હોત તો ગઈ ચૂંટણીમાં બીજેપી માટે ત્રણ આંકડા ક્રૉસ કરવાનું મુશ્કેલ હતું. ખેર, આ વખતે રાહુલ ઍન્ડ કંપનીએ ફરી પાટીદારોના ઘોડા પર સવારી કરવાનો પ્રયાસ કર્યો, પણ નરેશ પટેલે નરો વા કુંજરો વા કર્યું ને હાર્દિક પટેલ સમયનો તકાજો સમજીને ભગવા ખોળે બેઠો. કૉન્ગ્રેસ અડધી બાજી ત્યાં હારી ગયું અને બીજેપી અડધી બાજી ત્યાં જીતી ગઈ. બાકી હતું એ કસર બન્ને માટે આપે પૂરી કરી.
આપ ધાર્યા મુજબ રેવડીઓ આપવાની જાહેરાતોના આધારે વૈતરણી તરવા માગતી હતી. કાજુકતલી ખાનાર ગુજરાતીઓ રેવડી સામે જુએ નહીં. આપને મળેલી બેઠકોથી એ પુરવાર થયું. જોકે દરેકેદરેક ઇલેક્શનને એક ચૅલેન્જિંગ પ્રોજેક્ટ સમજીને જ એને એક્ઝિક્યુટ કરનાર બીજેપી હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસના હાથે પછડાઈ છે એ સાબિત કરે છે કે બીજેપી અજેય નથી. આ ઉપરાંત ગુજરાતમાં મતદાનની ઘટેલી ટકાવારી અને ખાસ કરીને મિડલ ક્લાસના મતદાનથી દૂર રહેવાના વલણ પ્રત્યે, માધવસિંહ સોલંકીના ૧૪૯ બેઠકના રેકૉર્ડને તોડનાર, બીજેપીએ આંખ આડા કાન ન કરવા જોઈએ. મોંઘવારીના દોજખમાં બરાબરના તપેલા આ લોકો બીજો વિકલ્પ નથી ત્યારે જેનાથી નારાજ છીએ એવા પક્ષને મત આપવા નથી જવું એ જ વિચારે મતદાનના દિવસે બહાર નહોતા નીકળ્યા. સત્તાધારી પક્ષ માટે આ વિચારવાલાયક બાબત છે.

બાકી ૨૦૦૨થી અત્યાર સુધી સામ, દામ, દંડ, ભેદથી દરેક સ્તરના વિરોધીને ઠેકાણે પાડી દેવાના મંત્રને આત્મસાત્ કરનાર નરેન્દ્ર મોદી જ ગુજરાતના નાથ છે એમાં ક્યારેય કોઈને શંકા નહોતી. મધુ શ્રીવાસ્તવ જેવા કેટલાક બળવાખોરોના આનાથી વિપરીત વિચારો હતા, પણ પરિણામોએ બધાને પાતાળભેગા કર્યા. આ ચૂંટણીએ સ્પષ્ટ કરી દીધું છે કે વાતે-વાતે ગુંડાગીરી પર ઊતરી આવતા મધુ શ્રીવાસ્તવો જેવા માટે ગુજરાત બીજેપી હવે નથી, પરંતુ હર્ષ સંઘવી અને આ ઇલેક્શનમાં બહાર આવનારા શંકર ચૌધરી તથા ડૉ. રુત્વિજ પટેલ અને ડૉક્ટર દર્શિતા શાહ જેવા સતત કામ કરતા યુવા નેતાઓનું, યુવા ચહેરાઓનું આ ગુજરાત છે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2022 08:25 AM IST | Mumbai | Badal Pandya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK