વડોદરાનાં મહિલા પ્રોફેસરે ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યુંઃ ઘરના સામાજિક પ્રસંગમાં જવાબદારી નિભાવ્યા બાદ લોકશાહીના પ્રસંગની જવાબદારી નિભાવવાને પણ આપ્યું મહત્ત્વ

વડોદરામાં એમ. એસ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑફ ટેક્નૉલૉજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતાં નિમિષા પાઠક તેમની દીકરી અને જમાઈ સાથે સગાઈ પ્રસંગમાં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે થવાનું છે ત્યારે ગઈ કાલે દીકરીની સગાઈની વિધિ પૂરી કરીને વડોદરાનાં પ્રો. નિમિષા પાઠક ચૂંટણીફરજ પર હાજર થઈને ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ઘરના સામાજિક પ્રસંગમાં જવાબદારી નિભાવ્યા બાદ દેશની લોકશાહીના પ્રસંગની જવાબદારી નિભાવવાને પણ મહત્ત્વ આપ્યું હતું.
વડોદરામાં એમ. એસ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑફ ટેક્નૉલૉજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતાં નિમિષા પાઠકને વડોદરામાં અકોટા વિધાનસભા મતવિભાગમાં ચૂંટણી કામ માટે પ્રિસાઇડિંગ ઑફિસર તરીકે ફરજ સોંપવામાં આવી છે. સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે ઘરમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો જે-તે કર્મચારી રજા મૂકતા હોય છે અથવા તો આવી ફરજ નહીં સોંપવા તંત્ર સમક્ષ રજૂઆત કરતા હોય છે, પરંતુ નિમિષા પાઠકના કિસ્સામાં કંઈક અલગ જ બન્યું. પતિના મૃત્યુ બાદ દીકરીની જવાબદારી સાથે ઘરની પણ જવાબદારી નિભાવી રહેલાં નિમિષા પાઠકની દીકરીનો ગઈ કાલે સગાઈનો પ્રસંગ હતો. તેઓએ દીકરીની વિધિવિધાન સાથે સગાઈ કરીને પ્રસંગ સુખરૂપ રીતે આટોપીને મતદાનમથક જવા રવાનાં થયાં હતાં અને લોકશાહીના ચૂંટણી પ્રસંગમાં પોતાની ફરજ પર જોડાઈ ગયાં હતાં. પ્રો. નિમિષા પાઠકની કાર્યનિષ્ઠા અને ઉદાહરણીય કર્તવ્યને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે સરાહના કરી હતી. ગુજરાતમાં આજે બીજા તબક્કામાં ૧૪ જિલ્લાઓની ૯૩ બેઠકો પર મતદાન યોજાવાનું છે, જેમાં ૧,૧૩,૩૨૫ કર્મચારીઓ અને અધિકારીઓ તેમની ફરજ બજાવશે. ચૂંટણીની કામગીરીમાં ૨૯,૦૬૨ પ્રિસાઇડિંગ ઑફિસર અને ૮૪,૨૬૩ પોલિંગ સ્ટાફ કામગીરીમાં રોકાયો છે. મતદાનના આગળના દિવસે એટલે કે ગઈ કાલે આ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે.
ADVERTISEMENT
બીજા તબક્કામાં ચૂંટણીફરજ સાથે સંકળાયેલા કર્મચારીઓ ગઈ કાલે સવારથી જ જિલ્લાનાં ડિસ્પૅચ મથકો પરથી પોતાને ફાળવેલા ઈવીએમ મશીન અને મતદાનની સામગ્રી લઈને પોતપોતાની ફરજનાં મતદાનમથકો પર જવા રવાના થયા હતા. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ચૂંટણીફરજ પર જોડાયેલા કર્મચારીઓને આવકારીને શુભેચ્છા પાઠવી હતી.

