નરેન્દ્ર મોદી રોડ-શો કરી વાપી પહોંચ્યા : વલસાડ પાસે ઝુંઝવા ગામે ચૂંટણીસભા સંબોધીને ગુજરાતમાં શરૂ કર્યો ચૂંટણીપ્રચાર

વાપીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઈ કાલ રાતના રોડ-શોમાં ભારે જનમેદની ઊમટી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષ બીજેપી માટે ગઈ કાલે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રીથી બીજેપી કૅમ્પમાં ઉત્સાહનો સંચાર થયો હતો. ગઈ કાલે ભવ્ય રોડ-શો પછી ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, ગુજરાત અને બીજેપી વચ્ચે અતૂટ બંધન છે. પોતાના રેકૉર્ડ તોડી આ ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકો જીતીને રેકૉર્ડબ્રેક કરવા માટે ગુજરાતમાં ચૂંટણીપ્રચારની કમાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે. ગઈ કાલે નરેન્દ્ર મોદી અંદાજે ૬ કિલોમીટરનો રોડ શો કરી વાપી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ઊમટેલા કાર્યકરો અને નાગરિકોને જોઈને કારમાંથી બહાર આવીને નરેન્દ્ર મોદીએ તમામનું અભિવાદન ઝીલ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં વલસાડ પાસે ઝુંઝવા ગામે ચૂંટણીસભા યોજીને ગુજરાતમાં ચૂંટણીપ્રચારની પહેલી જાહેર સભા સંબોધીને ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આજે મોદી સવારે સોમનાથ મંદિરમાં ભગવાન શ્રી સોમનાથદાદાનાં દર્શન અને પૂજા કરી આશીર્વાદ મેળવશે.