આવું હવે લગભગ તમામ એક્ઝિટ પોલ્સે ગઈ કાલે કહી દીધું: ગુજરાતમાં મતદાન ઓછું કે વધુ, પણ પરિણામમાં કોઈ ફરક નહીં પડે એવું એક્ઝિટ પોલ્સ પરથી લાગે છે : બીજેપીનો ઘોડો છે વિનમાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી
સેકન્ડ ફેઝનું વોટિંગ પૂરું થતાની સાથે જ એક્ઝિક્ટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે, જેમાં ક્લિયરલી બીજેપીતરફી પોલિંગ આવી રહ્યું છે. મોટા ભાગના નહીં, પણ કહો કે તમામેતમામ એક્ઝિટ પોલમાં એક વાત ક્લિયરલી આવી છે કે ગુજરાતમાં બીજેપીની સરકાર બને છે અને બીજેપીને ૧૧૦ સીટથી વધારે બેઠકો મળે છે. કૉન્ગ્રેસ આ વિધાનસભાના ઇલેક્શનમાં ૨પથી ૪૦ સીટનું નુકસાન સહન કરશે અને ગુજરાતમાં સરકાર બનાવવા માગતી આમ આદમી પાર્ટીને વધી-વધીને ૧૦ સીટ મળવાની છે. અલબત્ત, એક્ઝિટ પોલ તો અત્યારે બોલે છે, પણ બીજેપી અને મોદી-ફૅન્સ તો બે દિવસ પહેલેથી જ શરૂ થઈ ગયાં હતાં કે ‘ગુજરાતમાં આવશે તો મોદી જ.’
#આવશેતોમોદીજ કે પછી #ફરીબીજેપી એવા હૅશટૅગ સાથે કૅમ્પેન કરતા બીજેપી-ફૅન્સની વાત જાણે કે એક્ઝિટ પોલે પણ સાંભળી હોય એવું તારણ તેમના સર્વેમાં બહાર આવે છે એ ખરેખર નોંધનીય છે. આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર અને એક સમયના ઍક્ટિવ જર્નલિસ્ટ એવા ઈસુદાન ગઢવીએ કહ્યું કે ‘એક્ઝિટ પોલને અમે ગણતા નથી. અગાઉ પણ એવું બન્યું છે કે એક્ઝિટ પોલ કરતાં સાવ જ વિપરીત પરિણામો આવ્યાં હોય. દિલ્હીમાં જ્યારે અમે સરકાર બનાવી ત્યારે પણ દૂર-દૂર સુધી આમ આદમી પાર્ટીને કોઈ ઓળખતું નહોતું અને છતાં અમે ક્લીન સ્વીપ મેળવી એ કેવી રીતે ભૂલી શકાય.’
ADVERTISEMENT
સાચું, પણ આ ગુજરાત છે
ઈસુદાન ગઢવીના શબ્દો ખોટા નથી એ જેમ કબૂલવું પડે એવી જ રીતે કબૂલવું પડે કે આ દિલ્હી નથી, આ ગુજરાત છે અને ગુજરાતમાં બીજેપી તથા નરેન્દ્ર મોદીના શબ્દોને બ્રહ્મવાક્ય ગણવામાં આવે છે અને આજ સુધી એવું જ રહ્યું છે કે એક્ઝિટ પોલથી પણ ઊજળું પરિણામ બીજેપી લાવી છે. બીજેપીના સિનિયર નેતા પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે ‘અમારી ધારણા છે કે ૧૪૦થી વધારે બેઠક બીજેપીને મળે છે અને ધારો કે એમાં ઊંચે-નીચે થયું તો પણ એટલું નક્કી છે કે ક્લિયર મૅજોરિટી સાથે બીજેપીની સરકાર બને છે અને એને કોઈ રોકી શકવાનું નથી.’
એક્ઝિટ પોલ પછી બીજેપી અને બીજેપીના નેતાઓમાં નવી તાકાત ઉમેરાઈ છે.
ઓછા વોટ, બીજેપીના વોટ
‘મિડ-ડે’ છેલ્લા એક વીકથી સતત કહેતું આવ્યું છે કે બીજેપીના નેતાઓ માને છે કે હવે જૂની થિયરી કામ લાગવાની નથી. પહેલાં એવું કહેવાતું કે જેટલું ઓછું વોટિંગ થાય એટલો કૉન્ગ્રેસને ફાયદો વધારે થાય, પણ હવે એવું રહ્યું નથી. એવું પણ માનવામાં આવતું હતું કે સિટીના લોકો જ બીજેપીને વોટ આપે છે, પણ એવું હવે રહ્યું નથી. કૉન્ગ્રેસ અને બીજેપી માટે રહેલો આ જે ભેદ છે એ ભેદ છેલ્લા એક દસકામાં બીજેપીએ દૂર કરી દીધો છે. બીજેપીના જાણીતા નેતા જિતુભાઈ વાઘાણીએ કહ્યું કે ‘હવેના સમયમાં ૧૦માંથી ૭ વોટ બીજેપીના છે અને ગુજરાત માટે તો એ જ સાચું છે માટે ઓછા મતદાનથી કૉન્ગ્રેસને ફાયદો થાય એ થિયરીની હજી પણ વાત કરવી એ મૂર્ખામીથી સહેજેય ઓછું નથી.’
વધારે મતદાન થાય એ માટે બીજેપી શું કામ આટલી મહેનત કરીને આકુળવ્યાકુળ થતી હતી એ પણ જાણવા જેવું છે.
ક્લિયર ટાર્ગેટ હતો ૧પ૦+
જેટલું વધારે મતદાન થાય એટલો બીજેપીને વધુ ફાયદો થાય એ વાત બીજેપી જાણતી હતી અને એટલે જ બીજેપીએ એને માટે આકુળવ્યાકુળ થઈને વધુ મતદાન માટે મહેનત કરી હતી. બીજેપીનો ક્લિયર ટાર્ગેટ હતો કે ૧૮૨માંથી ૧પ૦થી વધુ સીટ લાવવી અને એને માટે વધારે મતદાન થાય એ જરૂરી હતું અને એ માટે જ પ્રયાસ ચાલી રહ્યા હતા. બીજેપી કોર કમિટીના એક સિનિયર મેમ્બરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી નથી ઇચ્છતા કે ગુજરાતમાં કોઈ વિરોધ પક્ષ સુધ્ધાં રહે અને એ જ રાજનીતિની સાચી ચાલ છે. આ જ કારણે મૅક્સિમમ મતદાન થાય એ માટે વડા પ્રધાને છેલ્લા ૧૦ દિવસમાં તનતોડ મહેનત કરીને મતદાનની ટકાવારી ઊંચી લાવવાની કોશિશ કરી હતી. બાકી, મીડિયા જે ધારતી હતી એવું હતું જ નહીં. પ્રચાર વિના પણ બીજેપી સિવાય ગુજરાતમાં કોઈનું શાસન બને નહીં એની અમને ખાતરી હતી, પણ અમારે એવું કામ કરવું હતું જે રેકૉર્ડબ્રેક હોય.’
ગુજરાત ઇલેક્શન પર થયેલા તમામેતમામ સર્વેમાં એક વાત ક્લિયર છે કે ગુજરાતમાં બીજેપીની સરકાર બને છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. એક્ઝિટ પોલ મુજબ, આ ઇલેક્શનમાં કૉન્ગ્રેસ ૨૦૧૭ કરતાં પણ ઓછી સીટ મેળવશે અને પોતે સરકાર બનાવશે એવો આમ આદમી પાર્ટીનો દાવો પણ પોકળ પુરવાર થયો છે.

