લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે યુતિ : ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો પૈકી ૨૪ બેઠકો પર કૉન્ગ્રેસ અને બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા તેમના ઉમેદવાર ઊભા રાખશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી (એએપી-આપ) વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો પૈકી ૨૪ બેઠકો પર કૉન્ગ્રેસ અને બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા તેમના ઉમેદવાર ઊભા રાખશે. જોકે એક સમયના કૉન્ગ્રેસના અગ્રણી સ્વ. એહમદ પટેલના પરિવારની નારાજગી વચ્ચે કૉન્ગ્રેસે ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવી છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘બીજેપી દ્વારા એવો માહોલ બનાવવામાં આવ્યો છે જેમાં લોકશાહી બચાવવી જરૂરી બની ગઈ હતી. માટે પાર્ટીથી ઉપર ઊઠીને દેશની ચિંતા કરવી જરૂરી બની. વ્યક્તિગત ફાયદાથી ઉપર ઊઠીને કોણ બીજેપીને હરાવીને દેશનું લોકતંત્ર બચાવી શકે એ મુદ્દા પર ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું છે, જેને કારણે બીજેપીના પેટમાં તેલ રેડાયું છે. અમે ગુજરાતમાં ૮ સીટ માગી હતી; જેમાં જામનગર, દાહોદ, બારડોલી, છોટાઉદેપુર, પંચમહાલ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શક્યા હોત, પરંતુ શીર્ષ નેતૃત્વ દ્વારા જે નિર્ણય કરાયો એ માન્ય રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં ભરૂચ સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાવનગરની સીટ પરથી ઉમેશ મકવાણા લોકસભાની ચૂંટણી લડશે. બાકી તમામ ૨૪ બેઠકો પર કૉન્ગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે. એવી હવા બનાવવામાં આવી હતી કે ઇન્ડિયા ગઠબંધન તૂટી જશે, અમારા બીજા નેતાઓ અને કાર્યકરોને ભરમાવવામાં આવતા હતા, પરંતુ આવી તમામ કોશિશોની હવા નીકળી ગઈ છે.’
ADVERTISEMENT
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસના ગઠબંધન વિશે પ્રતિક્રિયા આપતાં ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આક્ષેપ કરતાં કહ્યું કે ‘મને લાગે છે કે કૉન્ગ્રેસ અને આપ બન્ને હજી પણ દિવાસ્વપ્નમાં રાચી રહ્યાં છે.

