પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈશું : ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન, વિકાસના નામે દારૂબંધી ઉઠાવવા માટેનો પ્રયોગ શરૂ : કૉન્ગ્રેસ
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમ હળવા કરી દારૂનું સેવન કરવા માટે આપેલી છૂટ બાદ કદાચ આવતા દિવસોમાં ગુજરાત સરકાર ગિફ્ટ સિટીની જેમ ધોરડો, સાપુતારા અને સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પણ દારૂબંધીની છૂટ આપી શકે છે એવા મતલબની વાત ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે ગઈ કાલે કરી હતી. બીજી તરફ ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાને મુદ્દે રાજકારણ ગરમાયું છે અને ગુજરાત કૉન્ગ્રેસે આક્ષેપ કર્યો છે કે વિકાસના નામે દારૂબંધી ઉઠાવવા માટેનો પ્રયોગ શરૂ કર્યો છે.
ગઈ કાલે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં દારૂબંધી વિશે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ગુજરાતના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું કે ‘દારૂબંધીમાં બીજા વિસ્તારોમાં છૂટ આપશો કે નહીં? ધોરડો છે, સાપુતારા છે, સ્ટૅચ્યુ ઑફ યુનિટી છે. તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે, પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતાં જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું.’
દારૂબંધીના નિયમ હળવા કરાવાના મુદ્દે ગુજરાત કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગાંધી-સરદારના ગુજરાતમાં બીજેપીનું તંત્ર, હપ્તારાજ અને સૌથી વધુ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે ગૃહ વિભાગે ગુજરાતની શાંતિ, સમૃદ્ધિ અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા જોખમમાં મુકાય એ રીતે વિકાસના નામે દારૂબંધી ઉઠાવવા માટેનો પ્રયોગ શરૂ કર્યો છે. બીજેપીના શાસનમાં નશાબંધીનો કાયદો કાગળ પર છે. કરોડો રૂપિયાના દારૂનો વેપલો, દૂધને બદલે દારૂનાં ટૅન્કરની હેરફેર થાય છે. ગુજરાતમાં દારૂબંધી ઉપાડવા માટેનો સિસ્ટમૅટિક પ્રયોગ સરકાર કરી રહી છે અને ગિફ્ટ સિટીથી એની શરૂઆત થવાની છે.’

