ચાઇનાની ૧ યુઆનની જુદી-જુદી ૪ નોટો, સાઉદી અરેબિયાની ૩ તેમ જ ઓમાનની જુદી-જુદી ૩ નોટો છે
ફૈસલ દૂધવાલા
આજના ડિજિટલ યુગમાં ૧ રૂપિયાની ચલણી નોટ બહુ ઓછી જોવા મળી રહી છે ત્યારે વડોદરાના ફૈસલ દૂધવાલાએ ભારત સહિત દુનિયાના ૮૦ દેશોની ૧ ડિનોમિનેશનવાળી ચલણી નોટ ભેગી કરી છે. કોવિડના સમયથી જુદા-જુદા દેશોની ૧ ડિનોમિનેશનની ચલણી નોટો એકઠી કરવાનું શરૂ કરનાર વડોદરાના આ યુવકે અત્યાર સુધીમાં એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના ૮૦ દેશોની આવી ૧૩૦ ચલણી નોટો ભેગી કરી છે.
૧ ડૉલર, ૧ પાઉન્ડ, ૧ અફઘાની રુપિયા, ૧ પાકિસ્તાની રૂપિયા, ૧ યુરો, ૧ રૂબલ, ૧ દિરહામ, ૧ બાથ એમ માત્ર ૧ના ડિનોમિનેશનની ચલણી નોટો એકઠી કરવાના શોખ વિશે વાત કરતાં ફૈસલ દૂધવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પિતા નઝીર દૂધવાલાને ઍન્ટિક વસ્તુઓ કલેક્ટ કરવાનો શોખ હતો. કોવિડ દરમ્યાન ઘરની બહાર નીકળી શકાતું નહોતું એ સમયે પપ્પાનો ઍન્ટિક વસ્તુઓનો સંગ્રહ જોયો હતો અને મને એમાં રસ પડ્યો. મને એ સમયે વિચાર આવ્યો હતો કે ૧ રૂપિયાની ચલણી નોટ હવે રૅર થતી જાય છે. ડિજિટલ પેમેન્ટનું ચલણ વધતું જઈ રહ્યું છે. આપણે ત્યાં કોઈ પણ બાબતની શરૂઆત એકથી શરૂ થાય છે. એટલે મને થયું કે હું જુદા-જુદા દેશોની ૧ અંકવાળી ચલણી નોટો એકઠી કરું. મેં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને મારી સાથે અભ્યાસ કરતા મારા ઘણા મિત્રો જુદા-જુદા દેશોમાં રહે છે તેમની સાથે વાત કરીને ૧ ડિનોમિનેશનની નોટ મગાવતો હતો. એ ઉપરાંત એક્ઝિબિશન થતાં હોય છે એમાંથી પણ આવી ચલણી નોટો કલેક્ટ કરી છે. અત્યાર સુધી મેં ૮૦ દેશોની ૧૩૦ ચલણી નોટો ભેગી કરી છે.’
ADVERTISEMENT
ફૈસલ દૂધવાલાએ કહ્યું હતું કે ‘ભારતમાં જુદા-જુદા સમયે અલગ-અલગ રીતે ૧ રૂપિયાની નોટ બહાર પડી છે એવી જ રીતે વિદેશોમાં પણ વિદેશી કરન્સીની ૧ ડિનોમિનેશનવાળી જુદી-જુદી ચલણી નોટો બહાર પડી છે. એમાં ચાઇનાની ૧ યુઆનની જુદી-જુદી ૪ નોટો, સાઉદી અરેબિયાની ૩ તેમ જ ઓમાનની જુદી-જુદી ૩ નોટો છે.’
