સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેનારા પચીસ હજાર લોકો લેશે અંગદાન માટે શપથ
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં ૩૫ અનાથ સહિત પિતાવિહોણી ૭૫ દીકરીનાં સમૂહલગ્નનું આયોજન સવાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ૨૪ ડિસેમ્બરે સુરતના પી.પી. સવાણી પરિવાર વધુ એક વખત પિતાવિહોણી દીકરીઓનાં રંગેચંગે લગ્ન કરાવશે. આ પ્રસંગના ભાગરૂપે આજે મહેંદી સેરેમનીનું સેલિબ્રેશન કરાશે. વિશેષ વાત એ બની રહેશે કે આ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેનારા ૨૫,૦૦૦ લોકો અંગદાન માટે શપથ લેશે.
પિતાની છત્રછાયા ગુમાવી દેનાર દીકરીઓ માટે પી.પી. સવાણી પરિવાર છેલ્લા એક દાયકા કરતાં વધુ વર્ષથી સમૂહલગ્ન યોજે છે અને લગ્ન પછી સવાણી પરિવારના મહેશ સવાણી પિતા તરીકેની જવાબદારી પણ નિભાવે છે. આ વર્ષે ૨૪ ડિસેમ્બરે રવિવારે સુરતના અબ્રામામાં આવેલી પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલમાં પિતાવિહોણી ૭૫ દીકરીનાં લગ્ન યોજાશે, જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યો, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. માવતર નામથી આયોજિત આ લગ્નોત્સવ વિશે મહેશ સવાણીએ કહ્યું હતું કે ‘આ લગ્નમાં ૭૫ પૈકી ૩૫ દીકરી એવી છે કે જે અનાથ છે, જેનાં માતા-પિતા કે ભાઈ પણ નથી. ૨૫ દીકરી એવી છે કે જેમની મોટી બહેનનાં લગ્ન પણ અમારા પરિવાર દ્વારા અગાઉ કરાવ્યાં હતાં. બે દીકરી દિવ્યાંગ છે. આ દીકરીઓનાં લગ્ન પછી હરવાફરવા માટે મનાલી અને સુરતથી દીવની ક્રૂઝ ટૂર પર મોકવામાં આવશે.’
ADVERTISEMENT
તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘આ લગ્ન પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મંડપમાં હાજર રહેનારા ૨૫,૦૦૦થી વધુ લોકોને એકસાથે ઑર્ગન ડોનેશનના શપથ લેવડાવવામાં આવશે. મહાનુભાવોનું સ્વાગત ઑર્ગન ડોનેશનના સંદેશાથી કરવામાં આવશે.’
