પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન પરેડમાં રજૂ થયેલી ૧૭ રાજ્યોની ઝાંખીઓમાંથી ગુજરાત સરકાર દ્વારા રજૂ થયેલા ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત ટૅબ્લોની અવૉર્ડ માટે થઈ પસંદગી

નવી દિલ્હીમાં પરેડમાં રજૂ થયેલો ગુજરાતનો ટૅબ્લો.
અમદાવાદ : નવી દિલ્હીમાં ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન પરેડમાં રજૂ થયેલી ૧૭ રાજ્યોની ઝાંખીઓમાંથી ગુજરાત સરકાર દ્વારા રજૂ થયેલા ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત ટૅબ્લોનો પીપલ્સ ચૉઇસ અવૉર્ડ કૅટેગરીમાં પ્રથમ નંબર આવ્યો છે.
પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની ઝાંખી દર્શાવતો ટૅબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઈ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌપ્રથમ ૨૪ કલાક સોલર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, સોલર રૂફટૉપથી ઊર્જાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ, કૅનલ રૂફટૉપથી ઊર્જા ઉત્પાદનથી રાજ્યમાં થયેલી ઊર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છના ભાતીગળ પહેરવેશ, ભૂંગા, સફેદ રણ, માટીનાં કલાત્મક લીંપણ, ઊંટ તેમ જ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમા રાસ-ગરબાની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ટૅબ્લોએ પરેડમાં ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નવી દિલ્હીમાં ૩૧ જાન્યુઆરીએ આયોજિત અવૉર્ડ સમારોહમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન અજય ભટ્ટે ગુજરાતના માહિતી પ્રસારણ સચિવ અને મુખ્ય પ્રધાનના સચિવ અવંકિતા સિંહ અને માહિતી નિયામક આર. કે. મહેતાને અવૉર્ડ એનાયત કર્યો હતો. આ ટૅબ્લોની પ્રસ્તુતિમાં નાયબ માહિતી નિયામક પંકજ મોદી અને સંજય કચોટનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.
નવી દિલ્હીમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન અજય ભટ્ટના હસ્તે ગુજરાતના ટૅબ્લોને મળેલો અવૉર્ડ સ્વીકારતા ગુજરાતના અધિકારીઓ.