કોસ્ટગાર્ડે પીછો કર્યો એટલે પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ડ્રગ્સ નાખીને ભાગી ગઈઃ મધદરિયે જઈને ATS અને કોસ્ટગાર્ડે પાર પાડ્યું ઑપરેશન : તામિલનાડુ જવાનું હતું ડ્રગ્સ
ગુજરાતના દરિયામાંથી મળ્યો ૧૮૦૦ કરોડ રૂપિયાનો ૩૧૧ કિલો ડ્રગ્સનો જથ્થો
પાકિસ્તાનના ડ્રગ્સ-સ્મગલર ફિદા દ્વારા ભારતમાં મોકલવામાં આવેલું ૧૮૦૦ કરોડ રૂપિયાનું ૩૧૧ કિલો ડ્રગ્સ ગુજરાત ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યું હતું. પોરબંદરથી અંદાજે ૧૯૦ કિલોમીટર દૂર દરિયામાં કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટનો પીછો કરતાં એ બોટ ભારતીય જળસીમામાં ડ્રગ્સ નાખીને નાસી ગઈ હતી. ૧૨ એપ્રિલની મધરાતે મધદરિયે જઈને ATS અને કોસ્ટગાર્ડે ઑપરેશન પાર પાડ્યું હતું અને એવી માહિતી આપી હતી કે આ ડ્રગ્સનો જથ્થો તામિલનાડુ જવાનો હતો.
ગુજરાત ATSના વડા સુનીલ જોશીએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. પટેલને બાતમી મળી હતી કે પાકિસ્તાનના ફિદા નામના ડ્રગ્સ-માફિયાનો આશરે ૪૦૦ કિલો ગેરકાયદે માદક પદાર્થનો જથ્થો પસની બંદરેથી પાકિસ્તાનની ફિશિંગ બોટમાં ભરીને ૧૨ એપ્રિલની રાતથી ૧૩ એપ્રિલના સવારે ચાર વાગ્યા દરમ્યાન પોરબંદર પાસે ઇન્ટરનૅશનલ મૅરિટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) નજીક ભારતીય જળસીમામાં આવનારો છે અને ચૅનલ નંબર ૪૮ પર પોતાની કૉલ સાઇન ‘રમીઝ’ના નામથી તામિલનાડુ બાજુની કોઈ બોટને ‘સાદિક’ના નામે બોલાવી એને અપાનારો છે અને એ માદક પદાર્થનો જથ્થો તામિલનાડુ લઈ જવાનો છે. આ બાતમીના આધારે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને ઑપરેશનની તૈયારી કરી હતી અને ભારતની જળસીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વૉચમાં હતા. આ દરમ્યાન IMBL નજીક બાતમીવાળી બોટ દેખાતાં એને કોસ્ટગાર્ડની શિપ દ્વારા પકડવા જતાં આ બોટ પર રહેલા ઇસમોએ બ્લુ રંગનાં ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધાં હતાં અને ઝડપથી IMBL તરફ જવા લાગ્યા હતા. કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટનો પીછો કર્યો હતો, પરંતુ પાકિસ્તાની બોટ IMBL ઓળંગી પાકિસ્તાન તરફ નાસી ગઈ હતી.’
ADVERTISEMENT
પાકિસ્તાની બોટમાંથી દરિયામાં ફેંકી દેવાયેલાં ડ્રમ્સને બહાર કાઢવામાં આવ્યાં હતા. એમાં તપાસ કરતાં કુલ ૩૧૧ પૅકેટમાં આશરે ૩૧૧ કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો કે જેની આંતરરાષ્ટ્રીય બજારકિંમત ૧૮૦૦ કરોડ રૂપિયા થાય છે.

