આત્મહત્યાની હિંમત ન કરી શકનાર નમાલા પ્રેમીએ પ્રેમિકાને ધકેલી ટ્રેનની સામે

Published: 22nd February, 2021 12:07 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ખારની આ ઘટનામાં લગ્નની ના પાડવા બદલ યુવતીએ કરવો પડ્યો વ્યસની યુવકના રોષનો સામનો

ખાર રેલવે-સ્ટેશન પર બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીએ લગ્નનો ઇનકાર કરતાં યુવકે તેને લોકલ ટ્રેન સામે ધકેલી હતી. આ ઘટના સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી. આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજા થઈ હતી. આરોપીની રેલવે-પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘શુક્રવારે રાત્રે ખાર રેલવે-સ્ટેશનના ૩ નંબરના પ્લૅટફૉર્મ પર લગ્નની ના પાડતાં ગુસ્સે ભરાયેલા એક યુવકે ૨૧ વર્ષની યુવતીને ચાલતી ટ્રેન સામે ધકેલી હતી. મહત્ત્વની વાત એ છે કે યુવક-યુવતી એકબીજાને બે વર્ષથી ઓળખે છે. બન્ને સાથે કામ કરતાં હતાં અને તેમની વચ્ચે સારી મિત્રતા હતી. યુવતીને જાણ થઈ કે આરોપી સુમેધ જાધવ દારૂનો વ્યસની છે એટલે તે સુમેધથી દૂર રહેવા લાગી હતી. એ જોઈને સુમેધે યુવતીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે તેની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી.’

બાંદરા રેલવે પોલીસ-સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન અધિકારી ઇકબાલ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગ્યે આ યુવતી અંધેરીની ઑફિસથી ખાર પોતાના ઘરે જવા નીકળી હતી. ખાર સ્ટેશને તેની મમ્મી તેને લેવા આવી હતી. જોકે ત્યાં આરોપી સુમેધ પણ તેને મળવા આવ્યો હતો. બન્ને એક જ ઑફિસમાં કામ કરતાં હતાં અને એક સમયે એકબીજાના પ્રેમમાં પણ હતાં, પરંતુ સુમેધ વ્યસની હોવાની જાણ થતાં યુવતીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જોકે શનિવારે તેણે યુવતી સમક્ષ ફરી એક વાર લગ્નની ઑફર મૂકી હતી, પણ તેણે ઇનકાર કરતાં પહેલાં પોતે ટ્રેનની નીચે પડતું મૂકવાની ધમકી આપી હતી. સીસીટીવી ફુટેજ મુજબ તે આવતી ટ્રેનની સામે જવાની કોશિશ કરતો પણ દેખાય છે, પણ તરત જ તેણે પોતાનું માઇન્ડ ચેન્જ કરી નાખ્યું હતું. જોકે ત્યાર બાદ તેણે પેલી યુવતીને ટ્રેનની નીચે ધકેલી હતી, પણ યુવતીની મમ્મી નજીકમાં જ હોવાથી તેણે બૂમાબૂમ કરતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. અમે તેને બાર કલાકની અંદર પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. યુવતીને માથામાં ૧૨ ટાંકા આવ્યા છે અને તેનો ખાનગી હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. આરોપી અને યુવતી વેલ-એજ્યુકેટેડ હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.’ 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK