Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાબા, બેબી અને બ્યુટી પાર્લર

બાબા, બેબી અને બ્યુટી પાર્લર

09 August, 2019 11:44 AM IST | મુંબઈ ડેસ્ક
વર્ષા ચિતલિયા - યંગ વર્લ્ડ

બાબા, બેબી અને બ્યુટી પાર્લર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યંગ વર્લ્ડ

આ વીક ખૂબ જ સ્ટ્રેસમાં ગયું. લાંબા સમયથી હું વીક-એન્ડની રાહ જોઈ રહી હતી. રવિવાર આવે એટલે જલદીથી સૅલોંમાં જઈને રિલૅક્સ થઈ જવું છે.



જો તમે એવું વિચારતા હો કે આ શબ્દો કોઈ વર્કિંગ મહિલા કે અઠવાડિયાની હાડમારી કરી થાકેલા પુરુષના હશે તો તમે થાપ ખાઓ છો. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ વાત દસ વર્ષની ટેણકી એશાએ કહી છે. આઠથી પંદર વર્ષનાં સ્કૂલમાં ભણતાં બાળકો સ્ટ્રેસ-ફ્રી થવા હવે સૅલોંની મુલાકાત લેતાં થયાં છે.


ગ્લોબલ વેલનેસ સમિટના વૈશ્વિક રિપોર્ટ અનુસાર સ્પા ઍન્ડ બ્યુટી ઇન્ડસ્ટ્રી ફૉર કિડ્સ સૌથી ઝડપથી વધી રહેલો બિઝનેસ બની ગયો છે. વિશ્વના ટૉપ ટેન હૉટેસ્ટ ટ્રેન્ડમાં એની ગણના થાય છે. ભારતમાં પણ કિડ્સ સ્પા અને બ્યુટી ટ્રીટમેન્ટે પગપેસારો કર્યો છે. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં તો ખાસ બાળકોને અટ્રૅક્ટ કરે એવાં સૅલોં ખૂલી ગયાં છે. પાર્ટી કલ્ચર, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ અને ગ્લૅમર ઇન્ડસ્ટ્રીથી પ્રભાવિત આજની મૉડર્ન મમ્મીઓ સંતાનોના બાહ્ય દેખાવને લઈને ખાસ્સી જાગૃત બની છે. પરિણામે યંગ કિડ્સમાં બ્યુટી ટ્રીટમેન્ટનો ક્રેઝ વધ્યો છે. બ્યુટી સૅલોંમાં જઈને આ બાળકો શું કરે છે એ જાણીએ.

યંગ ગર્લ્સને પૅમ્પરિંગ ગમે છે, જ્યારે બૉય્‍ઝ કલર્સને એન્જૉય કરે છે : પરિમા ઠક્કર, કિડ્સ બ્યુટી-એક્સપર્ટ


હજી ટીનેજમાં પગ પણ ન મૂક્યો હોય એવી ગર્લ્સ બ્યુટી ટ્રીટમેન્ટ લેવા આવે છે એમ જણાવતાં કાંદિવલીનાં બ્યુટી એક્સપર્ટ પરિમા ઠક્કર કહે છે, ‘બાળકોની દુનિયા એટલી બદલાઈ ગઈ છે કે વાત ન પૂછો. બ્યુટી ટ્રીટમેન્ટ માટે આવતી મમ્મી-ડૉટરની જોડી હવે નવાઈની વાત રહી નથી. મમ્મીનું જોઈને પાંચમા ધોરણમાં ભણતી છોકરીઓ મૅનિક્યૉર અને પેડિક્યૉર કરાવે છે. જોકે તેમની સ્કિન સૉફ્ટ હોય એટલે હળવા હાથે મસાજ આપવામાં આવે છે. તેમની સ્કિન પર સ્ક્રબિંગ નથી થતું અને સાધનો પણ વાપરવામાં આવતાં નથી. મૅનિક્યૉર, પેડિક્યૉર, વૅક્સિંગ, હેરમસાજ, હેરવૉશ, બ્લો ડ્રાય અને હેરસ્પા યંગ ગર્લ્સમાં કૉમન છે. મમ્મીઓ જ દીકરીને કહે કે હૉટ શૉર્ટ્સ પહેરવી હોય તો વૅક્સિંગ અને પેડિક્યૉર કરાવી આવ. મારી પાસે એવા ક્લાયન્ટ્સ છે જે ફોન કરીને જણાવી દે કે દીકરીના પૉકેટમાં પૈસા મૂક્યા છે, તમે બધું કરી આપજો.’

શરૂઆતમાં મને થતું હતું કે નાનાં બાળકોને બ્યુટી-ટ્રીટમેન્ટની શું જરૂર છે, પરંતુ કમ્પેટિટિવ વર્લ્ડમાં ટકી રહેવા બે વર્ષથી અમે આ ફીલ્ડમાં ઝંપલાવ્યું છે એમ જણાવતાં પરિમા કહે છે, ‘ક્લાયન્ટ્સને ખુશ રાખવા જુદી-જુદી ઑફરો આપતાં રહીએ પણ બાળકોની સ્કિનને હાનિ ન પહોંચે એ બાબત અમે એકદમ ક્લિયર છીએ. મધર-ડૉટરનાં કમ્બાઇન્ડ પૅકેજ ખાસ્સાં પૉપ્યુલર છે. ચિલ્ડ્રન્સ ડેના દિવસે તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ. હમણાં વળી નવો ટ્રેન્ડ શરૂ થયો છે. કેટલીક મમ્મીઓ દીકરીના બર્થ ડે માટે તેની ફ્રેન્ડ્સને હેરસ્પાની ગિફ્ટ આપવા ગ્રુપ બુકિંગ કરાવે છે. ગર્લ્સને મમ્મીની જેમ પૅમ્પરિંગ ગમે છે જ્યારે યંગ બૉય્ઝમાં હેર સ્પાઇક, હેરકલર્સ અને હેરટૅટૂનો ટ્રેન્ડ છે.’

દસ વર્ષના મુર્તઝા મુન્શીને હેડ મસાજ અને હેરકટમાં જરાય આમતેમ ન ચાલે

પ્રૉપર હેરકૅર ઇઝ મસ્ટ ફૉર સ્માર્ટ ઍન્ડ કુલ લુક.
આ શબ્દો છે દસ વર્ષના મુર્તઝાના. પપ્પા સાથે સૅલોંની નિયમિત મુલાકાત લેતા મુર્તઝાને બધા ઓળખે. સૅલોં સ્ટાફ એને કોલ્ડ ડ્રિન્ક્સ પણ ઑફર કરે. આ સંદર્ભે વાત કરતાં તેનાં મમ્મી અલિફિયા કહે છે, ‘આજે દસ વર્ષના બાળકની ગણના મૅચ્યોર્ડ ચાઇલ્ડમાં થાય છે. મૂવી અને સોશ્યલ મીડિયાનો પ્રભાવ હોવાથી તેમને દુનિયામાં શું ટ્રેન્ડ ચાલે છે એની ખબર હોય છે. ઘરમાં મમ્મી માથામાં તેલ નાખી આપે એના કરતાં બહાર હેડ મસાજ કરાવો તો રિલૅક્સ થઈ જવાય એવું તેઓ માને છે. હેડ મસાજ, હેરવૉશ, હેરકટ અને હેર સ્પાઇક માટે રેગ્યુલર સૅલોંમાં જાય છે. સ્કૂલના નિયમોને કારણે વાળ સાથે વધુ ચેડાં કરી ન શકાય, પણ વેકેશન પડે એટલે ટ્રેન્ડી હેરસ્ટાઇલથી લઈને કેટકેટલી ડિમાન્ડ ઊભી હોય. હજી આ વેકેશનમાં જ અમે મનાલી ગયાં હતાં. એ પહેલાં તેણે ફુલ હેર ટ્રીટમેન્ટ કરાવી હતી એટલું જ નહીં, મનાલીથી પાછા આવ્યા બાદ ફરીથી બધું જ કરાવ્યું. વેધર ચેન્જ થઈ જવાથી વાળમાં ડૅન્ડ્રફ થઈ ગયો છે એવી સમજણ પણ પડે. છેલ્લાં બે વર્ષથી તો બર્થ ડેના આગલા દિવસે સૅલોંમાં જઈ હીરો બની આવે.’

સ્પોર્ટ્સમાં અવ્વલ સાત વર્ષની અનાયા વસાણી રેગ્યુલર મૅનિક્યૉર અને ટો મસાજ કરાવે છે

ઍથ્લેટિક્સ, જિમ્નૅસ્ટિક્સ અને ફુટબૉલમાં અવ્વલ સાત વર્ષની અનાયાને ટો મસાજમાં ખૂબ મજા પડે છે. આ બાબતે વાત કરતાં તેનાં મમ્મી વિધિ કહે છે, ‘સ્પોર્ટ્સમાં રસ હોવાથી અનાયા આખો દિવસ ભાગદોડ કરતી હોય છે. વૉર્મ વૉટરમાં પગ બોળી, સૉફ્ટ હાથે બેબી ક્રીમથી મસાજ થાય એટલે થાક ઊતરી જાય અને સરસ મજાની ઊંઘ આવી જાય. સ્પોર્ટ્સ ઍક્ટિવિટીમાં જતાં બાળકોની સ્કિન હાર્ડ થઈ જાય. તેથી સૉફ્ટનેસ માટે મૅનિક્યૉર અને ટો મસાજ બેસ્ટ છે. એનાથી હાથ-પગ ચોખ્ખા થઈ જાય છે તેમ જ હાઇજીનની દૃષ્ટિએ પણ જરૂરી છે. સૅલોંમાં અનુભવી સ્ટાફની દેખરેખ હેઠળ નૅચરલ પ્રોડક્ટ્સ વડે ટ્રીટમેન્ટ કરાવવાથી સ્કિનને હાનિ પહોંચતી નથી. થોડા સમય પહેલાં અમે કેરળ ફરવા ગયાં હતાં ત્યારે તેણે બૉડી મસાજ પણ કરાવ્યો હતો. મમ્મી કરાવે તો હું કેમ નહીં એવું બધાં જ બાળકોનું કહેવું હોય છે. જોકે કિડ્સ પાર્લરમાં મળતા અટ્રૅક્ટિવ પૅકેજ મને માર્કેટિંગ ગિમિક લાગે છે. ઘણી મમ્મીઓ દીકરીના બર્થ ડેમાં તેની એક-એક ફ્રેન્ડ પાછળ બે હજાર રૂપિયા ખર્ચી નાખે છે એ મને પસંદ નથી અને હું અનાયાને મોકલતી પણ નથી. મારું માનવું છે કે આટલી નાની ઉંમરમાં જે ટ્રીટમેન્ટ થાય એ આપણી નજર હેઠળ જ થવી જોઈએ.’

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

લાંબા વાળને મેઇન્ટેન કરવા આઠ વર્ષની ફલક જોબનપુત્રા બ્યુટી-પાર્લરની વિઝિટ લે છે

માત્ર આઠ વર્ષની ફલક બહુ નખરાળી છે. અત્યારથી જ પાર્લરમાં જઈ તૈયાર થવાનો શોખ છે. લાંબા અને સુંદર વાળની કાળજી કઈ રીતે લેવી જોઈએ, પાર્ટીમાં કેવો મેકઅપ હોવો જોઈએ જેવી બાબતોમાં તેની ટક્કર કોઈ ન લઈ શકે. આટલી નાની ઉંમરમાં તેણે બ્યુટી વર્લ્ડમાં એન્ટ્રી લઈ લીધી છે એ સંદર્ભે વાત કરતાં ફલકનાં મમ્મી રીના કહે છે, ‘મારા વૉર્ડરોબમાં વીસ-વીસ નેઇલ-પેઇન્ટ પડી રહેતી હોય તો દીકરી ડિમાન્ડ કરવાની જ છે. નાનપણમાં આપણે ક્યારેય બ્યુટી-પાર્લરમાં જવાની કલ્પના નહોતી કરી કારણકે આપણી મમ્મીને આવા શોખ નહોતા. હવે સિનિયારો ચેન્જ થઈ ગયો છે. કરન્ટ ફ્લોમાં રહેવા મમ્મીએ જ દીકરીને બ્યુટી-પાર્લર દેખાડવું પડે છે. થોડાં સમય પહેલાં અમારા ઘરમાં લગ્નપ્રસંગ ગયો. દરેક ફંક્શનમાં નવી હેરસ્ટાઇલ અને મેકઅપ ઉપરાંત મેંદી, જેલ આર્ટ, નેઇલ આર્ટ બધું જ કરાવ્યું હતું. બીજું, આજકાલ બર્થ ડે પાર્ટી બહુ કૉમન થઈ ગઈ છે. એમાંય તમને ડિફરન્ટ લુક જોઈએ. આ ઉંમરે એની સ્કિન બહુ ડેલિકેટ હોય તેથી મેકઅપ સિવાયની સ્કિન ટ્રીટમેન્ટ માટે હજી પરમિશન આપી નથી, પરંતુ હેરકૅર માટે સૅલોંની વિઝિટ લઈએ છીએ. એના વાળ ખૂબ જ લાંબા છે અને મને ઘરે વાળ ધોવાનો કંટાળો આવે એટલે એમ થાય કે પાર્લરમાં જઈને હેરવૉશ કરાવી લઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 11:44 AM IST | મુંબઈ ડેસ્ક | વર્ષા ચિતલિયા - યંગ વર્લ્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK