Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દેશના રાજકારણને લઈને યુવાનો શું વિચારે છે?

દેશના રાજકારણને લઈને યુવાનો શું વિચારે છે?

15 March, 2019 01:54 PM IST |
વર્ષા ચિતલિયા

દેશના રાજકારણને લઈને યુવાનો શું વિચારે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યંગ વર્લ્ડ

આખી દુનિયાની મીટ આજે ભારતના રાજકારણ તરફ મંડાયેલી છે. નજીકના ભવિષ્યમાં દેશની રાજકીય પરિસ્થિતિ શું હશે એની ચર્ચા ચોમેર થઈ રહી છે. યુવાનો પણ એમાંથી બાકાત નથી. યુવા પેઢી ઘણી આશાવાદી છે. દેશના રાજકારણને લઈને તેમનાં મંતવ્યોની ધારી અસર પડશે એવું તેઓ માને છે. પૉલિટિકલ એજન્ડાને લઈને તેઓ કેટલા આશાસ્પદ છે તેમ જ તેમના મતે આવનારી સરકારે કેવા પડકારોનો સામનો કરવો પડશે એ જાણવા તેમની સાથે વાત કરી હતી. વિશ્વના સૌથી યુવા દેશની ભાવિ તસવીરના શમણાં સજાવી રહેલા આજના યુવાનોનું આ સંદર્ભે શું કહેવું છે એ જાણીએ.



ટૂરિઝમને પ્રમોટ કરવા સારું કાર્ય થવાની આશા


મને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ મળે એ માટે સરકારી ધોરણે ઘણા સુંદર પ્રયાસો થયા છે. સરકાર પાસે કંઈ જાદુની છડી નથી કે રાતોરાત બધું થઈ જાય. દેશની ખાડે ગયેલી ઇકૉનૉમીને સ્ટેબલ કરવા પાંચ વર્ષ બહુ ઓછાં કહેવાય. મને આપણી વર્તમાન સરકાર પર સંપૂર્ણ ભરોસો છે. જોકે ગુજરાતમાં જે ઝડપથી વિકાસ થયો છે એ જોતાં દેશનાં અન્ય રાજ્યો અને મુંબઈના વિકાસની ગતિ થોડી ધીમી કહેવાય. યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિદેશના દેશો સાથે જે કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યા છે એ આશા જગાવે છે. તેમની સાથે જે રિલેશન ડેવલપ કરી શક્યા છીએ એવા પહેલાં ક્યારેય નહોતા. આજે વિશ્વના મોટા ભાગના દેશો આપણા પડખે ઊભા છે એ મોટી વાત છે. આવનારી ચૂંટણીનાં પરિણામો પણ યુવા પેઢીની ફેવરમાં હશે. હું એવિયેશન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું એટલે ટૂરિઝમને પ્રમોટ કરવા પર ભાર મૂકીશ. કોઈ પણ દેશની ઇકૉનૉમીમાં ટૂરિઝમની આવકનો ફાળો મોટો હોય છે. આ ફીલ્ડમાં રોજગારીની તકો ઊભી કરવી એ આવનારી સરકાર માટે પડકાર હશે. - પ્રણવ જોષી, સ્ટુડન્ટ

યુવા ટૅલન્ટ દેશના વિકાસ માટે વપરાશે એવો માહોલ બની રહ્યો છે


વર્તમાન સરકારની કામ કરવાની ગતિ બેશક ધીમી છે, પરંતુ આગામી વર્ષોમાં તેમની મહેનત રંગ લાવશે. દેશની યુવા ટૅલન્ટ વિદેશ સેટલ ન થાય અને એનો ઉપયોગ ભારતના વિકાસમાં થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે એ સૌથી સારી વાત છે. વિદેશ જઈ રહેલા યુવાનોની સંખ્યામાં જે રીતે ઘટાડો થયો છે એ દર્શાવે છે કે તેમની સ્કિલની અને ટૅલન્ટની વૅલ્યુ થવા લાગી છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ ઊડીને આંખે વળગે એવાં ધરખમ પરિવર્તનો થયાં છે. મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત બનાવવા સરકારના પ્રયાસો સરહાનીય છે. એમ છતાં હજી ઘણાં કામ કરવાનાં બાકી છે. મહિલાઓના વિકાસની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં ચૅલેન્જિસ ઓછી છે, પરંતુ આજે પણ ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીસાક્ષરતા અને સૅનિટેશનને લઈને સરકાર સામે અનેક પડકારો છે. વર્ષોવર્ષથી ચાલી આવતી માન્યતાઓ અને માનસિકતાને નેવે મૂકીને ભારતની પ્રજા માત્ર દેશના વિકાસ વિશે વિચારતી થશે એવો સમય આવતાં થોડો સમય તો લાગશે જ. - પ્રાચી મહેતા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

યુવાનોનાં સમણાંઓને સાકાર કરે એવી સરકાર જોઈએ

વર્તમાન સરકારનો પૉલિટિકલ એજન્ડો ખૂબ જ સુંદર છે, પણ અમારી જનરેશનની ડિમાન્ડ અને ડ્રીમને સમજી શકે એવી મજબૂત ટીમ એણે બનાવવી પડશે. ભારતમાં યુવા મતદારોની સંખ્યા વધુ છે. દેશના કહેવાતા યુવા નેતાની વય પણ પિસ્તાળીસને પાર કરી ગઈ હોય તે અમારાં સમણાંઓને કઈ રીતે પૂરાં કરશે એ પ્રશ્ન અમારી પેઢીને મૂંઝવે છે. મોદી સરકારની સ્ટાર્ટઅપ અને મેક ઇન ઇન્ડિયા સ્કીમને અમે મોસ્ટ પ્રૉમિસિંગ સ્કીમ તરીકે મૂલવીએ છીએ. એક સમયે માત્ર એજ્યુકેશનના આધારે જ યુવાનોને રોજગાર મળતો હતો. બેરોજગારને કારણે યુવાનોમાં જે અસંતોષ હતો એ ધીમે-ધીમે દૂર થઈ રહ્યો છે. સ્ટાર્ટઅપ સ્કીમ બાદ યુવા પ્રતિભાને આગળ વધવાની તક મળી છે. મેક ઇન ઇન્ડિયા પહેલથી માર્કેટમાં ક્વૉલિટી પ્રોડક્ટ્સ લૉન્ચ થઈ રહી છે. બેરોજગારી ઘટતાં ટૅક્સપેયર્સની સંખ્યા વધી છે. આવતાં પાંચ વર્ષમાં દેશની રેવન્યુ વધારવામાં યુવાનોનો ફાળો બહુ મોટો હશે. યુવા પેઢીને પ્રોત્સાહિત કરવાની દિશામાં સરકાર વધુ કામ કરશે એવી મને આશા છે. - હર્નિશ મહેતા, ફોટોગ્રાફર

આઇડિયાઝ સુપર, પણ ઇમ્પ્લિમેન્ટેશન અઘરું

ભારતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વન મૅન આર્મી જેવી છે. આટલા મોટા દેશના ભવિષ્યની બાગડોર એક વ્યક્તિના હાથમાં હોય ત્યારે પડકારો પણ પાર વગરના હોવાના જ. આપણા દેશના લોકોની સાઇકોલૉજી એવી છે કે જે ચાલે છે એ ચાલવા દો, પરંતુ યુવા પેઢીને પરિવર્તન જ જોઈએ છે. ડિજિટલ ઇન્ડિયા કન્સેપ્ટે યુવાનોનો ઉત્સાહ વધાર્યો છે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સની વાત કરીએ તો શૉર્ટ ટર્મમાં લોકોને બેનિફિટ દેખાતા નથી, જ્યારે શિક્ષિત યુવાનોને એના લૉન્ગ ટર્મ ફાયદા દેખાય છે. મોટા પાયે પરિવર્તન લાવવું અઘરું છે, પણ અશક્ય નથી. સરકાર આ દિશામાં ખૂબ મહેનત કરી રહી છે. એની પાસે આવા અનેક આઇડિયાઝ છે જે અમારી પેઢીને આકર્ષે છે. જોકે પ્રૅક્ટિકલ લાઇફમાં એને અમલમાં મૂકવા એ એક પડકાર છે. આ સિવાય સ્ત્રીસશક્તીકરણની દિશામાં તેમ જ સ્ત્રીઓની સલામતી માટે સરસ કામ થયું છે. આવનારાં વર્ષોમાં મહિલાઓની આર્થિક સ્થિતિ હજી વધુ મજબૂત બનશે. મલ્ટિનૅશનલ કંપનીઓના ઉચ્ચ હોદ્દા પર યુવતીઓની સંખ્યા વધુ જોવા મળશે એમાં કોઈ શંકા નથી. - જીનલ શાહ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

દેશના ઇકૉનૉમિક ગ્રોથની ગાડી પાટે ચડતાં યુવા પેઢી ખુશ

અત્યારે ભારતનો ઇકૉનૉમિક અને પૉલિટિકલ ગ્રોથ સાચી દિશામાં જઈ રહ્યો છે. દેશ આઝાદ થયો ત્યારથી હમણાં સુધી યુવાનો માટે કોઈએ ખાસ કંઈ કર્યું નહોતું એટલે હાલમાં જે ચેન્જિસ થઈ રહ્યા છે એને લોકો પચાવી શકતા નથી. પહેલાં યુવાનો રાજકારણ શબ્દથી જ ત્રાહિમામ્ પોકારી જતા હતા. તેમની નજરમાં રાજકારણ એટલે ભ્રષ્ટાચારથી ખદબદતું ફીલ્ડ. આજે યુવાનો પૉલિટિક્સની વાતમાં રસ લેતા થયા છે. દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવી હશે તો પરિવર્તનને સ્વીકારતાં શીખવું પડશે. અમે તો સ્વીકારી લીધું છે અને ખુશ પણ છીએ. ગાડી જે રીતે પાટે ચડી છે એ જોતાં લાગે છે કે નજીકના ભવિષ્યમાં ભારતનો ગ્રોથ જોઈને આખું વિશ્વ મોઢામાં આંગળાં નાખી જશે. આપણી કરન્સી પણ મજબૂત બનશે. એજ્યુકેશન લોન અને હોમ લોન સરળતાથી મળવા લાગતાં આજથી પાંચ-સાત વર્ષમાં તો અમારી લાઇફ સેટલ થઈ જશે. સરકાર એની રીતે કામ કરી જ રહી છે તો પણ મારી દૃષ્ટિમાં રોજગારની વધુ ને વધુ તક ઊભી કરવી એ સરકાર માટે મોટો પડકાર છે. - હીમા તન્ના, ટીચર

આ પણ વાંચો : પ્રી-સ્કૂલ દ્વારા તમે કેવી રીતે આત્મનિર્ભર બની શકો છો?

ભારતની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે

ભારત જે રીતે હરણફાળ ભરી રહ્યું છે એ જોતાં આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે. યુવા પેઢી કેન્દ્ર સરકારના નિર્ણયોને લઈને ઉત્સુક છે. તેમને દેશના નેતાઓમાં પોતાનો અવાજ સંભળાય છે. વર્તમાન સરકારે કાળાં નાણાં, કૌભાંડો અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો નિષ્ઠાવાન પ્રયાસ કર્યો છે એ જોતાં રોકાણકારો અને પ્રતિભાશાળી યુવાનો માટે આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટીના કાયદાએ લાંબા ગાળાના રોકાણકારો માટે તક ઊભી કરી આપી છે. અમારી જનરેશન કેન્દ્રમાં સકારાત્મક અને સ્થાયી સરકાર ઇચ્છે છે. દેશના એકંદર માળખામાં ૨૦૧૪ પછી જે પરિવર્તનો આવ્યાં છે એનાથી પૉલિટિક્સને લઈને જે અણગમો હતો એ દૂર થયો છે. સરકારની વ્યૂહાત્મક યોજનાઓને લઈને યુવા પેઢી આશાસ્પદ અભિગમ ધરાવે છે, પણ સમાજનો અમુક વર્ગ એવું માને છે કે આ દેશમાં કોઈ કામ વગર ઓળખાણ અને લાંચ આપ્યા વિના થતું નથી તેથી સરકાર સામે પડકારો ઘણા છે. - દર્શિલ સીતાપરા, ટેક્નિકલ સેલ્સ એન્જિનિયર

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2019 01:54 PM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK