Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમારું બાળક પણ આવું બધું કરે છે?

શું તમારું બાળક પણ આવું બધું કરે છે?

16 August, 2019 11:44 AM IST | મુંબઈ ડેસ્ક
રુચિતા શાહ - યંગ વર્લ્ડ

શું તમારું બાળક પણ આવું બધું કરે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યંગ વર્લ્ડ

૧૦ વર્ષનો આકાશ જ્યારે પણ પોતાનું ધાર્યું ન થાય ત્યારે સીધો તેરી-મેરી પર ઊતરી જાય છે. ક્યારેક તેનાં મમ્મી-પપ્પામાંથી કોઈ પણ તેને વઢે કે તેની સાથે સહેજ કડકાઈથી વાત કરે તો તે રડવા લાગે અને સીધી સુસાઇડ કરી લેવાની ધમકી આપે. સ્કૂલમાં તેની સાથે ભણતા છોકરાઓ તેનાથી આગળ ન વધી જાય એના માટે ક્યારેક તે તેમને ખબર ન હોય એ રીતે તેમની બૅગમાંથી બુક લઈ લે, એના પેજ ફાડી નાખે. તેના આ પ્રકારના બિહેવિયરને કારણે તેના પેરન્ટ્સ અત્યંત પરેશાન હતા. એની પાછળનાં કારણો જાણવા માટે તેઓ કાઉન્સેલર પાસે આવ્યા. ધૈર્ય સાથે વાત કરતાં-કરતાં કાઉન્સેલરને ખબર પડી કે તે અત્યારે જે કંઈ કરે છે એ બધું તેણે મમ્મી-પપ્પાને કરતાં જોયાં છે. પપ્પા જ્યારે પણ મમ્મી પર ગુસ્સે થતા કે તેમની વચ્ચે ફાઇટ થતી તો મમ્મી મરવાની ધમકી આપતી અને પપ્પા શાંત પડી જતા. મમ્મી દાદાગીરી કરે એટલે પપ્પા માની જાય છે. ચાઇલ્ડ કાઉન્સેલિંગ કરતાં-કરતાં તેમને કપલ કાઉન્સેલિંગ કરવાનો વારો આવ્યો. બાળકનાં નેગેટિવ ઇમોશન્સ અને મિસબિહેવિયર પાછળનાં રૂટ શોધવામાં આવ્યાં તો જવાબદાર તેનાં જ મા-બાપ નીકળ્યાં. 



એક ઑનલાઇન વેબસાઇટ પર એક સાઇકિયાટ્રિસ્ટે પોતાની પાસે આવેલો એક કેસ-સ્ટડી રજૂ કર્યો છે. બાળકના જીન્સ માટે જેમ મા-બાપ જવાબદાર છે એમ બાળકની વર્તણૂક માટે પણ પેરન્ટ્સનો વ્યવહાર જવાબદાર છે. આ સંદર્ભે સાઇકોલૉજિસ્ટ એમ. સી. મીરચંદાની કહે છે, ‘બાળક માટે તેનાં મા-બાપ સૌથી મોટા રોલમૉડલ હોય છે. પેરન્ટ્સ જે કહે એના કરતાં પણ પેરન્ટ્સ જે કરે એ બાળકના માઇન્ડમાં વધુ મજબૂત રીતે સ્ટોર થતું હોય છે. પેરન્ટ્સ જો સતત ઝઘડતા હોય તો બાળકનો સ્વભાવ પણ ઝઘડાળુ બનશે. મા-બાપ જો જિદ્દી હશે તો બાળક પણ જિદ્દી બનશે. એવું નથી કે દરેક વર્તન પેરન્ટ્સ તેના બાળક સાથે કરે તો જ તેને બાળક રેસિપ્રોકેટ કરે છે. ઘણીબધી વખત એવું પણ થતું હોય છે કે બીજા સાથેના તમારા બિહેવિયરને પણ બાળક ઑબ્ઝર્વ કરે છે અને પછી મમ્મી-પપ્પા આમ કરે છે તો હું પણ કરીશ એવી માનસિકતા તેનામાં ડેવલપ થાય છે. કેટલીક વાર અજાણતાં પણ તેઓ પોતાના પેરન્ટ્સની જેમ વર્તન કરવા માંડે છે. તેમની બોલચાલ, રીઍક્શન, એક્સપ્રેશન મોટા ભાગે તેમનાં મમ્મી-પપ્પા જેવાં હોય છે. એટલે જ પેરન્ટ્સે રિસ્પૉન્સિબલ બિહેવ કરવું બહુ જરૂરી છે.’
તો શું કરવું?
વધુપડતી ટીકા નહીં : તમારા બાળકના કે બીજા કોઈ બાળકના પર્ફોર્મન્સ પર તમારું રીઍક્શન બાળક માટે બહુ મૅટર કરે છે. માત્ર બાળકને લઈને ઈવન તમારી ડે ટુ ડે લાઇફમાં પણ વિવિધ પરિસ્થિતિમાં તમારું વલણ વધુપડતું ટીકાખોર અથવા જજમેન્ટલ હોય એ તમારા બાળકને ડરપોક બનાવી દેશે. ક્યારેક પોતાની જાતને એક્સપ્રેસ કરતાં પણ બાળક અચકાશે. એને બદલે તમારા બાળકની ઉપલબ્ધિ પર તેની તારીફ કરતાં શીખો. તેના માટેનો ઉમળકો પ્રગટ કરો. એનાથી તમારા બાળકના મનમાં તમારા માટે તેમ જ જીવનની બીજી બધી બાબતો માટેનું મૂલ્ય વધશે.
મારો રાજ્જા બેટા કહીને પ્રશંસામાં મંડી ન પડો : જેમ બાળકને ક્રિટિસાઇઝ કરીને તેને અન્ડરએસ્ટિમેટ કરવું જોખમી છે એમ વધુપડતી અને બિનજરૂરી પ્રશંસા કરીને તેને ચણાના ઝાડ પર ચડાવવાની પણ જરૂર નથી. કદાચ પ્રત્યક્ષ રીતે આને ભૂલ નહીં કહેવાય, પરંતુ યાદ રાખો કે બાળકને પ્રેમ કરવો અને બાળકની પૂજા કરવી એ બન્ને વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. મોટા ભાગે જે પેરન્ટ્સ પોતાના બાળકને ઓછો સમય આપી શકે છે તે પેરન્ટ્સ હંમેશાં પોતાના બાળકની નાની અમથી અચીવમેન્ટની પણ વાહવાહી કરવામાં રચ્યાપચ્યા હોય છે. બાળકને પ્રોત્સાહન આપવા માટે આ સારી બાબત છે; પરંતુ એનો અતિરેક તમારા બાળકને એવું ફીલ કરાવશે કે તે બધા કરતાં ચડિયાતો છે, તે પર્ફેક્ટ છે જે તેના માટે ખોટી બાબત છે. એટલે આવા સમયે પેરન્ટ્સે બાળકોની મહેનતને બિરદાવવી જોઈએ સાથે તેણે ક્યાં સુધરો કરવાની જરૂર છે એ તરફ પણ ધ્યાન દોરવું જોઈએ. સાથે જ તેની સાથે ભણતા તેના ફ્રેન્ડ્સની પણ મુક્ત મને તારીફ કરવી જોઈએ. બીજાની તારીફ કરતાં અને પોતાની સામે થઈ રહેલી બીજાની તારીફ પચાવતાં તમારા બાળકને શીખવો. એવી પરિસ્થિતિઓની વાત બાળક સાથે શૅર કરો જ્યારે તમે પોતે મિસ્ટેક કરી હોય અને પછી એમાંથી ઇમ્પ્રૂવમેન્ટ પણ લાવ્યા હો. એનાથી તમારું બાળક ઇમ્પર્ફેક્શનને પણ સમજવાના પ્રયત્ન કરશે.
‘તારા કઝિનને જો, ક્યાં પહોંચ્યો’ જેવી ભાષા નહીં જ : તમે તમારા બાળકને સરખો પ્રેમ કરો છો એવું હંમેશાં કહેતા રહો છો એટલે જ બાળકને ક્યારેક કોઈ અજાણ્યું પૂછે કે મમ્મા તને વધુ પ્રેમ કરે કે ડૅડી? ત્યારે બાળકનો જવાબ હોય છે બન્ને. એ જ રીતે તમારાં બે બાળકો વચ્ચે પણ આ સમાનતા રાખો. ‘ભાઈ જો કેટલો ડાહ્યો છે, તારો ફ્રેન્ડ ક્રિશ જો જરાય મસ્તી નથી કરતો’ જેવી તુલનાઓ પણ નહીં કરો. સારી કે ખરાબ તુલના કરવાનું બાળક સામે ટાળો. એનાથી બાળકમાં એક તો રાઇવલરી અને ઈર્ષ્યાનો ભાવ પેદા થશે, બીજું તેને પણ એ સમજ પડી જશે કે તેને પણ બેમાંથી એકની તુલના કરવાનો પાવર છે. અને એટલે જ બીજાને કંઈક મળ્યું છે, તેના ફ્રેન્ડ પાસે છે એટલે પોતાને પણ એ વસ્તુ જોઈએ છે એવી તુલનાત્મક ડિમાન્ડ તે કરશે. દેખાદેખીનો અવગુણ પણ બાળકમાં તમારી આ તુલનાને કારણે જન્મે છે. બીજી એક મહત્ત્વની વાત એ કે માત્ર બાળકની જ નહીં, બાળક સામે તમે તમારી પર્સનલ મૅટરમાં પણ કોઈની સાથે તુલના કરતા હો તો એની અસર પણ તેના પર જ થશે.
કોઈની સામે ઉતારી ન પાડો : તમે તમારા વડીલો માટે અપશબ્દો બોલતા હો, તમે તમારા પાડોશીની પીઠ પાછળ નિંદાકૂથલી કરતા હો તો શું તમે એમ માનો છો કે તમારા બાળકનું એ બાબત તરફ ધ્યાન નથી? બાળક પાસે માત્ર તમે અને તમે જ રોલમૉડલ તરીકે છો એટલે તમે જે પણ કરો છો એ સારું હોય કે ખરાબ, બાળક એ અમલમાં મૂકશે. અને એ ક્યારેક તમારી સામે પણ ખોટી રીતે અમલમાં મુકાઈ જશે અને ત્યારે તમે અફસોસ પણ નહીં કરી શકો, કારણ કે એ તમે જ તેને પરોક્ષ રીતે શીખવ્યું હશે. તમે જો તમારી સાસુ સાથે કે તમે જો તમારાથી મોટી ઉંમરના પાડોશી સાથે આદરયુક્ત વ્યવહાર નહીં કરતા હો અથવા તો તેમની પીઠ પાછળ પણ બાળકના દેખતા અપશબ્દો બોલતા હશો તો યાદ રાખજો કે તમારું બાળક એ કરશે અને કરશે જ. જો તમે ઇચ્છો છો કે તમારું બાળક તમારો રિસ્પેક્ટ કરે સાથે બહાર જેટલા પણ તેનાથી મોટી ઉંમરના લોકો હોય તેમનો પણ આદર કરે તો સૌથી પહેલાં તમારે એ કરવું પડશે. તમારા શબ્દોમાં, તમારા વ્યવહારમાં વડીલો પ્રત્યેનો આદર રાખો અને સાથે જ બાળકને પણ એનું મહત્ત્વ શીખવો.


આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

યાદ રહે કે...
તમારા સારા અને ખરાબ બન્ને બિહેવિયરને બાળક ઑબ્ઝર્વ પણ કરે છે અને એને જીવનમાં ઉતારે પણ છે. એટલે જ કેટલીક વાર તમે નોટિસ કર્યું હશે કે મોટા ભાગે પેરન્ટ્સ જેમાં પાવરફુલ હોય છે એમાં જ બાળક પણ પાવરફુલ હોય છે. જે ડર પેરન્ટ્સમાં હોય છે ધીમે રહીને બાળક પણ એ ડર ડેવલપ કરે છે. એટલા માટે જ હેલ્ધી કમ્યુનિકેશન, રિસ્પેક્ટ, પરિવાર માટે સમય કાઢવો, પ્રશંસા કરવી જેવી સામાન્ય બાબતો તમારા વ્યવહારમાં હશે અને તમારાં બાળકો એ જોતાં હશે તો એ જ રીતે જીવતાં શીખશે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2019 11:44 AM IST | મુંબઈ ડેસ્ક | રુચિતા શાહ - યંગ વર્લ્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK