Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લંગોટ ઇઝ બૅક

લંગોટ ઇઝ બૅક

19 July, 2019 01:00 PM IST |
યંગ વર્લ્ડ : પ્રતિમા પંડ્યા

લંગોટ ઇઝ બૅક

લંગોટ ઇઝ બૅક

લંગોટ ઇઝ બૅક


થોડાક સમય પહેલા એક અનોખી ઘટનાએ આકાર લીધો. યુ.એસ.એ., ઇંગ્લૅન્ડ,  કૅનેડા,  ઑસ્ટ્રેલિયા, ફિનલૅન્ડ, જપાન જેવા ૨૭૪ દેશોની સેંકડો માતાઓએ સવારના દસના ટકોરે ‘ગ્રેટ ક્લોથ ડાયપર ચેન્જ ચૅલેન્જ’માં ભાગ લીધો. આ બધી જ માતાઓએ બાળકોને કપડાંનાં ડાયપર પહેરાવ્યાં! પર્યાવરણ તરફની જાગૃતિ આવવાથી પ્રદૂષણ વધારતા ડાયપરને બદલે દુનિયાના લોકો હવે કપડાન‌ી લંગોટ તરફ વળી ચૂક્યા છે. લંગોટ-બાળોતિયાં તો આપણી સંસ્કૃતિનો હિસ્સો હતાં, જોકે આપણે જ દેખાદેખીમાં એનાથી વિમુખ થઈ ગયા હતાં.

‘લંગોટ’ શબ્દથી કદાચ આજની પેઢી પરિચિત નહીં હોય એટલે ચાલો એની સમજણથી જ લેખની શરૂઆત કરીએ. ત્રિકોણાકાર, સફેદ, ચોખ્ખું, ધોયેલું વસ્ત્ર જે નાના બાળકની કમર પર ગાંઠ બાંધીને પહેરાવવામાં આવે એને લંગોટ કહેવાય. એક બીજો શબ્દ બાળોતિયું પણ છે જે બાળક સૂતું હોય ત્યાં ભીનું થાય તો બદલવા વપરાય છે. મોટા ભાગની આધુનિક માતા ‘લંગોટ કે બાળોતિયા’ શબ્દથી પરિચિત નથી, કારણ તેમને માટે ‘ડાયપર’નો આવિષ્કાર થઈ ચૂક્યો છે. ૧૯૭૦ દાયકા સુધીની માતાઓ કપડાના લંગોટનો વપરાશ કરતી હતી, પણ ડાયપર આવ્યા પછી ૨૪ કલાક ઘરમાં હાજર હોય એવી માતાઓ પણ સરળતાનું કારણ ધરી ડિસ્પોઝેબલ ડાયપર પોતાના નવજાત શિશુ માટે વાપરવા માંડી.



થોડાક સમય પહેલા એક અનોખી ઘટનાએ આકાર લીધો. યુ.એસ.એ., ઇંગ્લૅન્ડ,  કૅનેડા,  ઑસ્ટ્રેલિયા, ફિનલૅન્ડ, જપાન જેવા ૨૭૪ દેશોની સેંકડો માતાઓએ સવારના દસના ટકોરે ‘ગ્રેટ ક્લોથ ડાયપર ચેન્જ ચૅલેન્જ’માં ભાગ લીધો. આ બધી જ માતાઓએ બાળકોને કપડાંનાં ડાયપર પહેરાવ્યાં! ૧૯૭૦થી ૧૯૯૦ દરમિયાન જેની પૉપ્યુલારિટી ખૂબ વધી ગઈ, જેનો વપરાશ ખૂબ વધી ગયો એવાં ડિસ્પોઝેબલ ડાયપર્સ ટનબંધ કચરાનો વધારો કરે છે અને પૉલિથિનની જેમ ૫૦૦ વર્ષ સુધી ડીકમ્પોઝ થતાં નથી.


રેગ્યુલર ડાયપર્સ નાના બાળકનાં અંગો પર ક્યારેક ચકામાં કરી દે છે અને ત્વચાને આળી બનાવે છે. આ બધાં ડિસ્પોઝેબલ ડાયપર્સનો ડુંગર જેવો ઢગ દરેક દેશને સતાવે છે. લાખો જેટલાં ડાયપર્સ દરિયાને પ્રદૂષિત કરે છે, નાળાંને ચોકઅપ કરે છે અને વાઇલ્ડ લાઇફને પણ નુકસાન પહોંચાડે છે.

લંગોટ-બાળોતિયાં તો આપણી સંસ્કૃતિનો હિસ્સો હતાં, પણ છેલ્લાં ચાલીસ વર્ષોમાં તો ગંગામૈયામાં ઘણાં નીર વહી ગયાં! આપણી જ સંસ્કૃતિ તરફ પાછા વળવા માટે આપણે પશ્ચિમના દેશો તરફ નજર લંબાવવી પડે છે. પર્યાવરણ તરફની જાગૃતતા આ દેશોમાં વર્ષોથી આવી છે અને કપડાનાં ડાયપર તરફ તેઓ વળી ચૂક્યા છે. ભારતમાં આ વિચારધારાનાં પગરણ હવે થઈ રહ્યાં છે. દેર આએ દુરસ્ત આએ જેવો ઘાટ છે! છતાં આ બદલાવ આવકારદાયક છે!


બાળક સાથેનું બૉન્ડિંગ વધારે લંગોટ

દોઢ વર્ષના સંતાનનાં માતા નીલમ પટેલ કૉમર્સનાં ગ્રૅજ્યુએટ છે. તેઓ કહે છે, ‘મારા પ્રથમ સંતાન માટે અમે ભાગ્યે જ ડાયપર વાપરતાં. નાના બાબા માટે પણ અમે કપડાંના લંગોટનો જ વપરાશ કરીએ છીએ. ડાયપરથી બાળકને રૅશિસ થવાની સંભાવના વધી જાય છે. ડાયપરમાં ભીનાશ શોષાય એ વાત સાચી, પણ થોડી ભીનાશ તો રહી જ જાય અને એ ચામડી પર રીઍક્શન કરે છે. જેમને બાળકના લંગોટ વારંવાર બદલવાનો કંટાળો આવતો હોય કે સમય ન હોય તે ડાયપર વધુ પ્ર‌િફર કરે છે. જો માતા પાસે સમય હોય તો કપડાંના લંગોટ જેવું બીજું કંઈ નથી. વળી ડાયપર ગમે ત્યાં ફેંકાય એટલે પર્યાવરણની દૃષ્ટિએ એ નુકસાનકારક છે. બાળકને માતા લંગોટ પહેરાવે ત્યારે માતા તેને અવારનવાર હાથમાં લે છે, તેને સ્પર્શે છે. બાળક માતાના આ વહાલભર્યા સ્પર્શને ઓળખે છે એટલે માતા અને બાળક વચ્ચે સારું બૉન્ડિંગ થાય છે. પિતા પણ જો લંગોટ કે બાળોતિયું બદલતો હોય તો બાળક પિતાને પણ ઓળખતું થાય છે. થોડા-થોડા સમયના અંતરે બાળકને બાથરૂમમાં  ઊભું રાખવાથી પણ તેને ખ્યાલ આવે છે કે તેણે હવે પેશાબ કરી લેવાનો છે. ડાયપર સતત પહેરાવી રાખવાથી બાળકમાં આ સમજનો વિકાસ ઝડપથી નથી થતો. છએક મહિના અગાઉ એક સર્વેનો અભ્યાસ કર્યો હતો એમાં જણાવ્યું હતું કે ડાયપર પહેરેલાં બાળકોને ચાલવાનું શીખતાં ખાસ્સો સમય લાગે છે, કારણ કે ચાલતી વખતે ડાયપર કમ્ફર્ટેબલ નથી જ્યારે લંગોટનું કપડું પાતળું હોવાથી ‌તેને ચાલવામાં સરળતા રહે છે.’

સ્કિન માટે સારી

બીજી એક યુવાન માતા શીતલ રંગવાલા પોતાનો અનુભવ જણાવે છે, ‘મારો પાર્થ નાનો હતો ત્યારે ડાયપરથી તેને સ્ક‌િન પર રૅશિસ થતાં હતાં ત્યારે મારાં સાસુજીએ મને સલાહ આપી હતી કે ચોખ્ખા કપડાના લંગોટ પાર્થને પહેરાવીએ. જોઈએ તો એની અંદર પાતળા મુલાયમ કપડાની ગડી મૂકીએ જેથી તેને તકલીફ ન થાય. અમારા જમાનામાં આવાં ડાયપર નહોતાં તો અમે લંગોટ પહેરાવીને બાળકોને મોટાં કર્યાં જ છેને! હું પણ એ જ વિચારધારાની કે આપણે ઘરે હોઈએ તો બાળકને ડાયપર ન જ પહેરાવવાં જોઈએ. બાળકની ચામડી માટે ડાયપર કરતાં લંગોટ વધારે સારા! મારા પાડોશની એક માતા પોતાના બાળકને આખી રાત ડાયપર પહેરાવી રાખતી. એ બાળકની ચામડીને પણ તકલીફ થતી. એને પણ મેં સમજાવી કે બાળકને કૉટન કપડાના લંગોટ પહેરાવ. હું નોકરી કરું એટલે રાત્રે થાકને લીધે ઊંઘ આવી જાય એટલે રાતે બે-બે કલાકનાં અલાર્મ મૂકીને સૂઈ જતી જેથી રાતે બાળકને પીપી કે છીછી તો નથી થયાંને એ ચેક કરી શકું અને બાળક ગંદકીમાં વધુ સમય ન રહે. બાળકને એ રીતે રાત્રે લંગોટ બદલવાથી આપણને પણ બાળક માટે વહાલ ઊપજે. દિવસે મારાં સાસુજી પણ તેનું એ રીતે જ ધ્યાન રાખતાં. સમયસર અને જરૂર હોય ત્યારે તેના લંગોટ બદલવાનું તેમણે ક્યારેય ટાળ્યું નથી.’

આ બધી ચર્ચા પછી હવે એવું લાગે છે કે સમય એક વર્તુળ પૂરું કરી રહ્યો છે અને નવયુવાન માતા-પિતા ડાયપરનો વપરાશ ખાસ સંજોગોમાં જ કરીને ફરી ત્રિકોણાકાર કૉટનના લંગોટ તરફ પાછાં ફરી રહ્યાં છે.

ડાયટના ફાયદા કરતા નુકસાન વધું ઃ જનરલ પ્રૅક્ટિશનર ડૉ. વર્ષા પટેલ

ડાયપરની વાત કરીએ તો એનાં સારાં અને નરસાં બેય પાસાં છે. જેમ સિક્કાને પણ બે બાજુ હોય છે. માતા બાળકને ડાયપર પહેરાવે તો તે એમ વિચારે કે ત્રણથી પાંચ કલાક હું છુટ્ટી! માતા ટ્રેનમાં બાળક સાથે હોય અને બાળક છીછી-પીપી કરે તો તેને મૂંઝવણભરી સ્થિતિમાં ન મુકાવું પડે આટલો જ એનો ફાયદો. કોઈની પાસે પણ બાળકને મૂક્યું હોય તો તે સચવાઈ જાય. બસ, અહીં ડાયપરની સારાઈનું પૂર્ણવિરામ. હવે નરસાઈ જોઈએ તો આર્થિક રીતે એ વધારાનો બોજ છે. બીજું ડિસ્પોઝ કરવાની કે એનો નિકાલ કરવાની મોટી માથાકૂટ છે. એ આપણી સોસાયટી માટે જવાબદારી છે અને વાતાવરણના સંતુલનને ખોરવી નાખે છે. બાળકને ડાયપરથી રૅશિસ થાય તો માતા બાળકને  લઈને અમારી પાસે નથી આવતી. તે પાઉડરથી એનો ઉપાય કરે છે. પાઉડરથી રૅશ ન મટે એટલે તે અમારી પાસે આવે. ત્યાં સુધીમાં બાળકની સાથળ લાલ થઈ ગઈ હોય, જેની માતાને સમજણ ન પડે.

આ પણ વાંચો : તેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાયે

ડાયટથી યુરિન ઇન્ફેક્શન થઈ શકે ઃ પ્રશાંત ગાંધી, પીડિયાટ્ર‌િશ્યન

કેટલાંક બાળકોને ડાયપરથી ચામડી તતડી જાય છે. ડાયપર સારી કંપનીનાં ન હોય તો એ બાળકની કોમળ ચામડીને નુકસાન પહોંચાડે છે. ઘણી વાર જાણીતી કંપનીનાં ડાયપર્સમાં પણ ઇશ્યુ થતા હોય છે. સમયના અભાવમાં જીવતાં આજનાં યુવાન માતા-પિતા બાળકને ડાયપર પહેરાવ્યા પછી યોગ્ય સમયે ધ્યાન ન આપે તો યુરિન ઇન્ફેક્શન અને રૅશિસ થવાના ચાન્સ વધી જાય છે. આજની બહુ ઓછી માતા લંગોટ તરફ વળી છે. પણ ફક્ત કૉટનના કપડાથી બન્યાં હોય એવાં રીયુઝેબલ ડાયપર્સ બન્યાં છે એવાં ડાયપર્સ કેટલીક માતા બાળક માટે વાપરે છે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 01:00 PM IST | | યંગ વર્લ્ડ : પ્રતિમા પંડ્યા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK