Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાયે

તેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાયે

19 July, 2019 12:29 PM IST |
જેડી કૉ​​​લિંગ - જમનાદાસ મજીઠિયા

તેરી દો ટકિયાં દી નૌકરી તે મેરા લાખોં કા સાવન જાયે

વરસાદ

વરસાદ


વરસાદની મોસમ આવે અને વાતાવરણ બદલાઈ જાય, બધી રીતે. આ વરસાદની મોસમ દરમ્યાન તમે ઘણાના સ્વભાવ નક્કી કરી શકો કે એ મોજીલા એટલે મસ્તમૌલા જેવા છે કે પછી ચીડિયા અને કચકચિયા સ્વભાવના. ઘણાને વરસાદની મોસમમાં અઢળક મજા દેખાય, આવા લોકો વરસાદી માહોલમાં દરેક પ્રકારની મજા માણે. વરસાદ આવવાનો શરૂ થાય કે તરત જ તેમના ચહેરા પર આનંદ આવી જાય. ચહેરા પર આનંદ અને આંખોમાં ચમક પણ. એકદમ ખુશ થઈ જાય અને ગરમાગરમ ચા અને ભજિયાં કે પછી એવું જ બીજું કંઈ ચટપટું ખાવાનો વિચાર મનમાં લઈ આવીને એનો તરત જ અમલ પણ કરે. કેટલાકનો આનંદ તો છેક છાંટો-પાણી સુધી પણ પહોંચે તો કેટલાક વરસાદ આવતાં જ આ કેટલાક લોકોનું મોઢું સોગિયું થઈ જાય. વરસાદમાં ભીંજાવાની વાત તો દૂર, વરસાદ આવતો હોય ત્યારે ઘરની બહાર પણ ન નીકળે. વરસાદ આવતો હોય એ દરમ્યાન કેટલાક ચિડાયેલા જ રહ્યા કરે. દરેક વાતમાં ખોટ કાઢ્યા કરે અને વાતે-વાતે હવે તો આમ થશે અને તેમ થશે કર્યા કરે. વરસાદ ચાલુ થાય કે તરત જ દવા ભેગી કરવા માંડે. દવાથી યાદ આવ્યું ડૉક્ટર્સ. વરસાદની મોસમ ડૉક્ટર, હૉસ્પિટલ અને મેડિકલ સ્ટોરની સીઝન કહેવાય. તેમનો ધંધો તો ધમધોકાર ચાલે આ મોસમમાં. 

ગીતો ગણગણાવતા હોય આ મોસમમાં અને આ મોસમ છે જ એવી કે ગીતો ગણગણવાનું થાય, થાય અને થાય જ અને આ પાછું વારસાગત છે. વારસાગત એટલે અહીં કોઈએ ફૅમિલીવાળું વારસાગત નથી લાવવાનું, પણ બૉલીવુડને યાદ કરવાનું છે. બૉલીવુડે જ આપણને શીખવ્યું છે કે વરસાદની આ મોસમ પ્રેમની, રોમૅન્સની મોસમ છે. આ શોધ સિનેસર્જકોએ કેવી રીતે કરી એ તો રામ જાણે, પણ હા, તેમની વાત જરા પણ ખોટી નથી. આપણે વર્ષોથી હૉલીવુડની ફિલ્મોમાંથી ઘણુંબધું કાઢી લઈએ છીએ, પણ વરસાદનાં ગીતોની વાત આવે એટલે આપણે એકદમ મેડ ઇન ઇન્ડિયા થઈ જઈએ. વરસાદી ગીતો તો આપણી ટિપિકલ સ્ટૅમ્પવાળાં જ હોય. તમે યાદ કરો કે હૉલીવુડમાં વરસાદનાં ગીતો જવલ્લે દેખાશે, પણ બૉલીવુડમાં તો આવાં ગીતોનો વરસાદ ડિટ્ટો આપણા મુંબઈના વરસાદ જેવો દેખાશે, અનારાધાર અને બેસુમાર.



૧૯પપનું વર્ષ અને રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘શ્રી ૪૨૦’માં નર્ગિસ સાથેનું જે ગીત છે એ આજે પણ વરસતા વરસાદ વચ્ચે મનમાં રોમૅન્સ ભરી દે છે.


‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ...’

આમ જુઓ તો આ ગીતને વરસાદ સાથે સીધું કાંઈ લાગતુંવળગતું નથી. એમાં વાત પણ પ્રેમ થયા પછીના ડરની છે, છતાં એક છત્રી નીચે રાજ કપૂર અને નર્ગિસ સાથે રહીને ગીત ગાય છે અને એવું વાતાવરણ ઊભું કરે છે કે આપણા રોમેરોમમાં રોમૅન્સ ભરી મૂકે. છત્રી અહીં સિમ્બૉલિક રીતે મૂકવામાં આવી હશે એવું મારું માનવું છે. દુનિયાથી છુપાઈને બહારની બાજુએ પાણી આપણા પર ન ટપકે એટલે બન્ને થોડા અંદરની બાજુએ ચાલે અને વરસાદના ખુશનુમા વાતાવરણમાં વહેતો હતો સ્પર્શ. અમુક ગીતો રોમૅન્સને ચાર ડગલાં પાછળ મૂકી દે છે. આ ગીતો શૃંગાર રસથી ભરપૂર અને કામુકપણે રજૂ થાય છે. હિરોઇનને ભીંજાતી દેખાડીને દર્શકોને પણ મર્યાદામાં રાખીને એવી રીતે મર્યાદા ઓગળી જાય કે દર્શકો શૃંગાર રસ માણી શકે અને સેન્સર બોર્ડ પણ કાતરને હાથ ન અડાડી શકે. સેન્સર બોર્ડ કિસિંગ-સીનને યુએ સર્ટિફિકેટ આપે છે, પણ વરસાદમાં ખૂબ પલળીને હીરો-હિરોઈન વચ્ચેના નાહવાના સીનને યુએ ન આપે. વરસાદમાં ભીંજાવું એ આમ તો નાહવાનું જ કામ થયુંને. આવાં ગીતોમાં પણ પાછા એના શબ્દો પ્રેરક હોય છે. દાખલા સાથે વાત કરવી હોય તો અત્યારે યાદ આવે છે અનિલ કપૂર અને શ્રીદેવીની ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’નું ગીત ‘કાટે નહીં કટતી યે દિન, યે રાત...’ અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટીલનું ‘નમક હલાલ’નું ગીત પણ યાદ હશે તમને. ‘આજ રપટ જાએ તો હમેં ન ઉઠાઈયો...’


આવાં અનેક ગીતો અને એની કોરિયોગ્રાફી પ્રેરક હોય છે.

આવું બધું શા માટે થતું હોય છે એનાં ઘણાં કારણ છે. વાર્તાની ડિમાન્ડ હોય કે નહીં એ જુદી જ વાત છે, પણ પહેલાંના જમાનામાં દર્શકોને ફિલ્મ સુધી ખેંચી લાવવા અને આકર્ષવા આવા જુમલાઓનો ઉપયોગ થતો. દર્શકો પણ પાછા કાચી માટીના નહોતા. ગીત આવે કે તરત જ સિગારેટ પીવા કે બાથરૂમનો બ્રેક લેવા સિનેમા-હૉલમાંથી બહાર નીકળી જતા અને ગીત પૂરું થાય એ પહેલાં પાછા પણ આવી જતા. તેમને ગીતોમાં રસ જ ન હોય, તેમને તો માત્ર ફિલ્મની વાર્તા અને હીરોની મારામારીમાં જ રસ હોય એટલે જ સ્ત્રીપ્રધાન ફિલ્મ પહેલાં ખાસ બનતી નહોતી. ગીત સમયે પીપી કરવા કે સિગારેટ પીવા બહાર નીકળી જતા આવા દર્શકોને દિગ્દર્શક જકડી રાખવા માટે બીજી બધી રીતે પ્રયત્નો કરતા. એમાં વરસાદ સાચે જ બહુ મદદરૂપ બન્યો છે. થ્રિલર ફિલ્મ હોય તો એમાં કાર ફુલ સ્પીડમાં જતી હોય અને ધોધમાર વરસાદ વચ્ચે કારનાં વાઇપર ચાલુ હોય. મોટા કાળા રેઇનકોટ પહેરીને એક ભેદી શખસ ગાડીને રોકે અને થ્રિલમાં ઉમેરો થાય. યાદ કરો ફિલ્મોની ફાઇટ સીક્વન્સ, જેમાં વરસતો વરસાદ અલગ જ માહોલ ઊભો કરી દે, ખૂબ બધી છત્રીમાં વિલન પાછળ ભાગતો હીરો, ડ્રામૅટિક સિચુએશનમાં એક નિઃસહાય અને નિરાધાર પરિવાર છત્રી વિના વરસાદમાં ભાગતો અને આશરો લેવા ટળવળતો કે પછી રસ્તા પર કોઈ અજાણ્યાની મદદ માગતો હોય એવા અનેક સીન તમને યાદ આવશે, પણ એ બધામાં જો સૌથી મજેદાર કંઈ હોય તો એ માત્ર ને માત્ર વરસાદનાં ગીતો. ભીંજાયેલી હિરોઇન માટે જ નહીં, પણ એને રજૂ કરવાની જે રીત હોય છે એને માટે પણ. ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ જેવી કૉમેડી ફિલ્મમાં પણ વરસાદ સાથેનું એક ગીત હતું, ‘એક લડકી ભીગીભાગી સી...’ આ ગીત એક મિસ્ટ્રી ઊભી કરે છે અને મારું ઑલટાઇમ ફેવરિટ સૉન્ગ. ફિલ્મ ‘રોટી, કપડા ઔર મકાન’ ગીતના શબ્દો છે ‘હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી’ જી હા, ઝીનત અમાન માટે તો ખરું જ અને એ બાકીના બધા ઍસ્પેક્ટ્સ સાથે પણ અને એટલું તો રિસ્પેક્ટ આપવું જ પડે આપણે ઝીનત અમાનને. ટીનેજર હતો અને તેમનું આ ગીત પહેલી વાર સાંભળ્યું. સાંભળ્યું ને ગીતના પ્રેમમાં પડી ગયો. મને આ ગીત બહુ ગમતું, પણ જુદી રીતે. પેલી વિનોદ ખન્ના અને ફિરોઝ ખાનવાળી ‘કુરબાની’ ફિલ્મનાં ગીતોની જેમ બિલકુલ નહીં.

જોકે મેં પહેલાં જ લખ્યું છે કે વરસાદ માણસનો સ્વભાવ દર્શાવે છે એટલે વાત તો અત્યારે ઈમાનદારીથી જ કરવી પડે. તમને એમ લાગતું હોય કે વરસાદમાં ભીંજાતી ઝીનત અમાન ખાલી મને જ ગમતી હતી તો એવું નથી, તમારા ઘરવાળાને પણ પૂછી લેજો. ઝઘડો કરીને નહીં, પણ પ્રેમથી પૂછજો. મજાક છે આ એટલે આપણે ફરી આવી જઈએ આપણા મૂળ મુદ્દા પર, ‘રોટી, કપડા ઔર મકાન’ના એ ગીતનો ભાવાર્થ ઊંડો છે...

‘હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી.

મુઝે પલપલ યે તરસાયે, તેરી દો ટકિયાં દી નૌકરી તે

મેરા લાખોં કા સાવન જાએ.’

પુરુષને માંડ નોકરી મળી છે અને એ પણ આખા દેશમાં અનએપ્લૉયમેન્ટ પીક પર છે ત્યારે જૉબ લાગી છે. એના પર આખા પરિવારને નિભાવવાની જવાબદારી છે અને એ જ સમયે વરસાદ આવે છે. આ વરસાદને જોઈને ગર્લફ્રેન્ડ કહે છે કે તારી નોકરીને કારણે મારો લાખો-કરોડોના મૂલ્યનો વરસાદ હાથમાંથી સરકી રહ્યો છે. પ્રેમનું પાગલપણું એ આનું નામ અને એ જરા પણ ખોટું નથી. આ લાખો કે કરોડોનો વરસાદ નથી, પણ અમૂલ્ય છે.

આ પણ વાંચો : પૉલ્યુશન, પર્યાવરણઃજાતે કબર ખોદવાનો આ રસ્તો સર્વોત્તમ છે અને હાથવગો પણ

મારી આ વાત સાથે તમે પણ સહમત થશો, જો તમને અત્યારે ‘લગાન’નો વરસાદ યાદ આવે તો. ફિલ્મમાં ગીત વરસાદનું છે, પણ વરસાદ આવે નહીં અને ગીતના શબ્દો તથા એ સમયનું વાતાવરણ તમને પ્રતીતિ કરાવે છે કે વરસાદ વગરનું જીવન મુશ્કેલ જ નહીં, અશક્ય છે. વરસાદનો અને પાણીનો આદર કરવો, અનાદર નહીં. દરેક રીતે અને દરેક અવસ્થામાં પાણીનો સ્વાદ માણવો અને એને વેડફવું નહીં.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 12:29 PM IST | | જેડી કૉ​​​લિંગ - જમનાદાસ મજીઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK