Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું ટી10નો સમાવેશ થશે ઑલિમ્પિકમાં?

શું ટી10નો સમાવેશ થશે ઑલિમ્પિકમાં?

24 January, 2021 04:39 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શું ટી10નો સમાવેશ થશે ઑલિમ્પિકમાં?

શું ટી10નો સમાવેશ થશે ઑલિમ્પિકમાં?


અગાઉ પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સાથે મળીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે ઑલિમ્પિક ઑથોરિટીને ક્રિકેટના ટી10 ફૉર્મેટને ઑલિમ્પિકમાં સમાવવા માટે રજૂઆત કરી હતી, પણ એ સમયે ફૉર્મેટ સાવ નવું હોવાને લીધે વાતમાં વજન આવ્યું નહીં, પણ હવે જ્યારે ટી10 પૉપ્યુલર બની રહી છે અને ઇન્ટરનૅશનલ પ્લેયર્સ પણ ટી10ના હિમાયતી થયા છે ત્યારે ચાન્સ વધ્યા છે કે ઑલિમ્પિક ઑથોરિટી ટી10ના ફૉર્મેટને વૈશ્વિક રમતો વચ્ચે સ્થાન આપે

ટોક્યોમાં ગયા વર્ષે રમાનારી ઑલિમ્પિકમાં કુલ ૪૬ ગેમ્સનો સમાવેશ થવાનો હતો, જેમાં પાંચ ગેમ્સનો પહેલી વાર સમાવેશ થતો હતો. વૉટર સર્ફિંગ, સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, કરાટે અને બેઝબૉલ પહેલી વાર ઑલિમ્પિકમાં રમાવાની હતી, પણ હવે આવતાં વર્ષોમાં આ ગેમ્સમાં વધુ એકનો ઉમેરો થાય એની શક્યતા નકારી શકાતી નથી. હવે જેનો ઉમેરો થાય એવી ભારોભાર શક્યતા છે એ ગેમ છે ક્રિકેટ અને ક્રિકેટનું ટી10 ફૉર્મેટ. એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની આગેવાનીમાં ઑલિમ્પિક ઑથોરિટીને ઑલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ કરવામાં આવે એને માટે રજૂઆત કરી હતી. ત્રણ દિવસ લાંબી આ રજૂઆતમાં માત્ર ક્રિકેટની જ વાતો નહીં, પણ ક્રિકેટ સાથે જોડાવા માટે વધી રહેલા દેશોની વાતો પણ થઈ હતી અને સાથોસાથ ક્રિકેટની ગેમને લીધે ઇકૉનૉમીમાં પણ કયા સ્તરે ઉમેરો થઈ રહ્યો છે એની રજૂઆત પણ કરવામાં આવી હતી. એ સમયે પણ ટી10 ફૉર્મેટના સમાવેશ માટે જ વાત કરવામાં આવી હતી. એ રજૂઆતમાં સામેલ એવા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું હતું કે ઑલિમ્પિક ગેમ્સના દિવસો વધતા હોવાથી પ્રૅક્ટિકલી ક્રિકેટનો સમાવેશ કરવો વાજબી નહીં લાગતાં એ પ્રસ્તાવને પડતો મૂકવામાં આવ્યો હતો, પણ રેવન્યુ અને ગેમની પૉપ્યુલરિટી જોઈને ટી10ને હવે ઑલિમ્પિકમાં દાખલ કરવું જોઈએ એવું લાગે છે.



ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના જ ભૂતપૂર્વ સેક્રેટરી સ્વ. જયવંત લેલે પોતાના તડફડ સ્ટેટમેન્ટ માટે હંમેશાં ચર્ચામાં રહ્યા હતા. ઑલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે એ સમયે લેલે સાથે વાત કરવામાં આવી ત્યારે જયવંત લેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઑલિમ્પિક ઑથોરિટીએ હવે સમજવું જોઈશે કે પૉપ્યુલર ગેમનો સમાવેશ નહીં કરીને તેઓ ઑલિમ્પિક સાથે અન્યાય કરે છે. અમેરિકા અને કૅનેડા જેવા દેશો પણ પોતાની ક્રિકેટ-ટીમ તૈયાર કરતી હોય એવા સમયે ઑલિમ્પિકમાં ક્રિકેટ આવે એ હવે અનિવાર્ય છે. જયવંત લેલેએ તો ત્યાં સુધી સ્ટેટમેન્ટ કરી દીધું હતું કે એશિયામાં ઑલિમ્પિકને પૉપ્યુલર કરવા માટે પણ ક્રિકેટનો એમાં સમાવેશ કરવાની જરૂર છે.


ઑલિમ્પિક ઑથોરિટીએ ટી10ના ફૉર્મેટ સાથે ગણતરી માંડી હતી જેમાં જવાબ મળ્યો હતો કે જો ઑલિમ્પિકમાં ટી20ને દાખલ કરવામાં આવે અને ૨૦થી વધુ દેશો પાર્ટિસિપેટ કરે તો ઑલિમ્પિક પોતાના મૂળભૂત કાર્યક્રમ કરતાં કાં તો ૬૦ દિવસ વધારે લાંબી ચાલે અને કાં તો ઇવેન્ટ શેડ્યુલ ૨૦ ટકા જેટલું વધારે સ્પ્રેડ કરવું પડે, જેને માટે ઑલિમ્પિક પ્લાન કરનારું યજમાન દેશ કદાચ તૈયાર ન થાય, પણ આ આખી વાત હતી ટી20 ફૉર્મેટ સાથેની અને આગળ કહ્યું એમ, એ સમયે ટી10 ફૉર્મેટ પૉપ્યુલર નહોતું

એટલે એના પર વધારે ચર્ચા થઈ નહીં અને વાત પડી ભાંગી.


ફૉર્મેટ અને પૉપ્યુલરિટી

ટી10 ફૉર્મેટ પૉપ્યુલર કરવાનો જશ ક્યાંક ને ક્યાંક ‘મિડ-ડે’ પણ લઈ શકે છે અને એનું કારણ પણ છે. ‘મિડ-ડે’એ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફૉર્મેટ ટી10નો જાદુ છેક ૨૦૦૮માં જાણી મુંબઈની જુદી-જુદી જ્ઞાતિઓને એક પ્લૅટફૉર્મ પર લાવવા ટી10 ફૉર્મેટમાં સીઝન બૉલ ટુર્નામેન્ટ શરૂ કરી અને સુપરહિટ રિસ્પૉન્સ મેળવ્યો. આજે ‘મિડ-ડે’ની આ ટી10 ફોર્મેટને મુંબઈના ગુજરાતીઓના વર્લ્ડ કપ તરીકે જોવામાં આવે છે. અગાઉ ક્યાંય કોઈને ટી10નો વિચાર નહોતો આવ્યો અને એટલે જ ‘મિડ-ડે’ આ ફૉર્મેટમાં ભીષ્મપિતામહ બનીને અડીખમ ઊભું રહ્યું. ગયા વર્ષે રમાયેલી ૧૩મી સીઝન કોરોનાકાળને કારણે અધૂરી રહેલી. માત્ર ‘મિડ-ડે’ કપ જ નહીં, જગતભરની ઇવેન્ટ કોરોનાકાળને કારણે અધૂરી રહેલી. જોકે મિડ-ડેની ટુર્નામેન્ટ બ્રેક પછી ફરી રમાઈ રહી છે. ટોક્યોમાં રમાનારી ઑલિમ્પિક ૨૦૨૦ના જુલાઈની ૨૧મી તારીખથી શરૂ થવાની હતી અને ઑગસ્ટની ૮મી તારીખે એની પૂર્ણાહુતિ હતી, પણ લૉકડાઉન વચ્ચે ઇવેન્ટ મે મહિનામાં જ રદ કરી દેવામાં આવી તો જગતભરને આકર્ષનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પણ પોસ્ટપોન કરવામાં આવી હતી. ટી10 ફૉર્મેટને પૉપ્યુલર કરવાનો જશ ‘મિડ-ડે’ને જાય છે તો એવી જ રીતે આ ફૉર્મેટને સેલિબ્રિટી સુધી પહોંચાડવાનો જશ અબુધાબીને જાય છે. અબુ ધાબી ટી10 લીગની શરૂઆત ૨૦૧૭માં થઈ, જેમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ પ્લેયર પણ જોડાયા. ટી10 લીગની ચોથી સીઝન આ મહિનાની ૨૮ જાન્યુઆરીથી શરૂ થશે અને ૬ ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચ રમાશે ત્યારે માત્ર ૧૦ દિવસમાં કુલ ૨૯ મૅચ રમાઈ ચૂકી હશે. ૮ ટીમ, ૨૯ મૅચ અને ૧૦ દિવસ. નૅચરલી, ફૉર્મેટ જો આવું જ રાખવામાં આવે અને સ્ટેડિયમ પણ વધારવામાં આવે તો હવે ક્રિકેટનું આ ફૉર્મેટ એવું તૈયાર થઈ ગયું છે જેને ઑલિમ્પિકમાં સમાવિષ્ટ કરી શકાય.

એક જ માગણી

અબુ ધાબી ટી10 લીગમાં દરેક ટીમને એક આઇકૉનિક પ્લેયર રાખવાની છૂટ છે, જેના આધારે આઠેઆઠ ટીમે એકેક ઇન્ટરનૅશનલ પ્લેયર સાઇન કર્યો છે. આ ઇન્ટરનૅશનલ પ્લેયરમાં રવીન્દ્ર જાડેજાથી માંડીને ચેતેશ્વર પુજારાને પણ ઑફર આવી હતી, પણ ઇન્ડિયન ક્રિકેટનું ટાઇમટેબલ ઑલરેડી તૈયાર હોવાથી ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો એક પણ પ્લેયર જોડાઈ નહોતો શક્યો. જોકે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલ, ડ્વેઇન બ્રાવો, સુનીલ નારાયણ, આન્ડ્રે રસેલ, પાકિસ્તાનના માસ્ટર બ્લાસ્ટર શાહિદ અફ્રિદી, શોહેબ મલિક, શ્રીલંકન પ્લેયર ઇસરુ ઉધાના અને થિસેરા પરેરા અબુ ધાબી ટી10 લીગમાં રમવાના છે. ટીમ અબુ ધાબીના આઇકૉનિક પ્લેયર ક્રિસ ગેઇલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં દાખલ થઈ રહેલા ટી10 ફૉર્મેટ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ એક એવું ફૉર્મેટ છે જેને ઑલિમ્પિક્સમાં દાખલ કરી શકાય. હું કહીશ કે ટી10 ફૉર્મેટ એક એવું ફૉર્મેટ છે જે બહુ વધારે પૉપ્યુલર થઈ શકે એમ છે અને જે દેશો ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નથી ધરાવતા એને પણ એમાં મજા આવી શકે છે. ટી10 ઓછો સમય લેતું મોટું પ્લૅટફૉર્મ હોવાથી બની શકે કે અમેરિકા અને યુરોપના નાના દેશો પણ એમાં સામેલ થાય અને અમેરિકામાં જેમ બેઝ બૉલની ઇન્ટર સ્ટેટ ટુર્નામેન્ટ થાય છે એવી રીતે ટી10ની ટુર્નામેન્ટ પણ થાય.’

ક્રિસ ગેઇલની વાત સાથે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્લેયર પાર્થિવ પટેલ પણ સહમત થાય છે. પાર્થિવ કહે છે, ‘મોટા ભાગના લોકોને એવું લાગે છે કે અમેરિકામાં ક્રિકેટ પૉપ્યુલર નથી, પણ એવું નથી. અમેરિકામાં ક્રિકેટ ખાસ્સું પૉપ્યુલર છે, પણ ટાઇમની મારામારીને લીધે અમેરિકન આટલો લાંબો સમય સ્ટેડિયમમાં બેસવા રાજી નથી થતા, જેને લીધે એવું લાગે છે કે ક્રિકેટ ત્યાં જોવાતું નથી, પણ ના, એવું બિલુકલ નથી.’

ક્રિસ ગેઇલની વાત કન્ટિન્યુ કરીએ. ક્રિસ કહે છે, ‘આ એક એવું ફૉર્મેટ છે જે ઓછામાં ઓછો સમય લે છે. ટી10ની એક મૅચ ફુટબૉલની એક મૅચ બરાબર ગણી શકાય. તમે ત્રણથી ચાર કલાકમાં આરામથી ઘરે પહોંચી જાઓ. આજે બધાને આ ફૉર્મેટમાં એટલે જ રસ પડે છે. લાઇફ ફાસ્ટ થઈ ગઈ છે ત્યારે ગેમ પણ ફાસ્ટ જ હોવી જોઈએ.’

પાકિસ્તાનના પ્લેયર શાહિદ આફ્રિદીએ અબુ ધાબીમાં યોજાયેલી ટી10 લીગની પ્રેસ-કૉન્ફરન્સમાં જ કહ્યું હતું કે ‘ક્રિકેટ પ્રત્યે જો કોઈએ ભેદભાવ ન રાખવો હોય તો એને હવે ઑલિમ્પિકમાં પણ સમાવી લેવું જોઈએ. ઑલિમ્પિક ઑથોરિટી જો ક્રિકેટના આ ફૉર્મેટને પણ ઑલિમ્પિકમાં દાખલ ન કરે તો માનવું કે ઑલિમ્પિક સાથે જોડાયેલાઓ ક્રિકેટની પૉપ્યુલરિટી સહન કરી શકતા નથી અને એટલે આવો ભેદભાવ રાખે છે.’

મૅજિકલ છે ટી10

હા, સાચે જ. ‘મિડ-ડે’ ટુર્નામેન્ટ રમનારાઓ તો આ વાત હસતા મોઢે વર્ષોથી સ્વીકારે છે, પણ હવે આ ફૉર્મેટમાં રહેલા મૅજિકને ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટાર પણ ખુશીખુશી સ્વીકારે છે. વેસ્ટ ઇન્ડીઝ ટીમ તરફથી રમતા કૅરિબિયન પ્લેયર ડ્વેઇન બ્રાવોનો પણ એમાં સમાવેશ થાય છે અને શોહેબ મલિક પણ રાજી થઈને આ વાત કહે છે. પહેલાં વાત કરીએ બ્રાવોની. બ્રાવો કહે છે, ‘પંદર વર્ષ પહેલાં કોઈને ટી20નું અટ્રૅક્શન નહોતું, પણ આજે જુઓ તમે. ટી10 તો એનાથી પણ આગળ છે. એ મૅજિકલ પુરવાર થવાનું છે. બે કલાકમાં ગેમ પૂરી અને એ પણ પૂરા એન્ટરટેઇનમેન્ટ સાથે. હું તો કહીશ કે એન્ટરટેઇનમેન્ટ અને થ્રિલિંગ જો કોઈ ફૉર્મેટ હોય તો એ ફક્ત ટી10 ફૉર્મેટ છે. આ ફૉર્મેટ ઑલિમ્પિકને એવા દેશોમાં પૉપ્યુલર કરી જશે જે દેશમાં ઑલિમ્પિકના ફૅન્સ નથી.’

બ્રાવોની જેમ જ શોહેબ મલિક પણ કહે છે, ‘ટી10 ફૉર્મેટમાં એવા લોકો પણ સેટ થઈ જાય છે જેને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નથી. આ ફૉર્મેટનો સૌથી મોટો બેનિફિટ એ છે કે એમાં પ્લેયરની કરીઅર પણ લાંબી ચાલી શકે છે અને એમાં એક્સાઇટમેન્ટનું લેવલ અત્યંત હાઈ છે, પણ હા, બોલર-ફ્રેન્ડ્લી નથી અને બોલર-ફ્રેન્ડ્લી નથી એટલે જ એમાં એક્સાઇટમેન્ટ-લેવલ ખૂબ વધારે છે.’

ટી10ના ફૉર્મેટ સાથે વધુ એક વખત ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ હવે ઑલિમ્પિક ઑથોરિટી સામે નવું પ્રેઝન્ટેશન મૂકવાની છે. જોકે એ પ્રેઝન્ટેશન અપ્રૂવ થાય તો પણ ૨૦૨૦ની પોસ્ટપોન થયેલી ઑલિમ્પિકમાં તો ટી10 ક્રિકેટનો સમાવેશ નહીં જ થાય, પણ હા, એ પછીની ઑલિમ્પિક માટે ક્રિકેટ કાઉન્સિલ આશાવાદી ચોક્કસ બની શકશે.

શું કહે છે મિડ-ડે કપના સ્ટાર્સ?

અલ્પેશ રામજિયાણી (કચ્છી કડવા પાટીદાર)

ક્રિસ ગેઇલ અને બ્રાવો સાથે હું ૧૦૦ ટકા સહમત છું. ફૉર્મેટ જેટલું નાનું હોય એટલી જ એ જોવાની વધુ મજા આવે. જો મૅચ ઓછામાં ઓછા સમયમાં પૂરી થાય તો એ વધુ લોકોને પણ આકર્ષશે. દરેક ક્ષેત્રની જેમ ક્રિકેટમાં રિવૉલ્યુશન આવ્યું છે. ટેસ્ટમૅચ પછી વન-ડે અને એ પછી ટી20. પણ હવેનો ટાઇમા ટી10નો છે. આ હું એમ જ નથી કહેતો.

આઠેક વર્ષ પહેલાં મેં ‘મિડ-ડે કપ’માં જ આ ફૉર્મેટ રમવાની શરૂઆત કરી અને આજે પણ રમું છું. ટી10 મૅચ કોઈ પણ ઘડીએ પલટાઈ શકે અને છેલ્લા બૉલ સુધી એની ઉત્સુકતા અકબંધ રહે છે.

હિતેશ ભાયાણી (સૌરાષ્ટ્ર લેઉવા પટેલ)

ટી20 ફાસ્ટ ગેમ છે અને ટી10 મૅચ હજી વધુ ફાસ્ટ કરે એમ છે. ટી10ને ઑલિમ્પિકમાં સમાવવી જ જોઈએ, એનાથી એક્સાઇમેન્ટમાં ખૂબ વધારો થશે. ટેસ્ટ ક્રિકેટ હવે દરેક ખેલાડીઓ માટેની ગેમ નથી રહી. પાંચ-પાંચ દિવસ સુધી મેદાનમાં રમવું એ આજના ખેલાડીઓ માટે આસાન નથી. ટેસ્ટ ક્રિકેટ માટે તમારામાં અલગ પ્રકારના ટેમ્પરામેન્ટની જરૂર પડે છે અને ખૂબ અઘરું છે. ટી20 ક્રિકેટના નાના ફૉર્મેટને લીધે વધુ પૉપ્યુલર થઈને યુવા ખેલાડીઓને પણ તેમની ટૅલન્ટ બતાવવાનો મોકો મળ્યો. ટી10ને લીધે હજી વધુ લોકો અને દેશો, ક્રિકેટની આ ક્રાન્તિમાં જોડાશે અને ક્રિકેટ દુનિયાભારમાં પહોંચી શકશે.

‘મિડ-ડે કપ’નું ટી10નું ફૉર્મેટ અને એના જે હટકે નિયમો છે એને લીધે છેલ્લા બૉલ સુધી રોમાંચ જળવાઈ રહે છે. આ ફૉર્મેટમાં કોઈ ટીમ નાની કે મોટી નથી, કોઈ પણ સમયે બાજી પલટાઈ શકે છે.

હર્ષુલ નંદુ (વાગડ વીસા ઓસવાળ જૈન)

હું ક્રિસ ગેઇલ સાથે સહમત નથી. જો ઑલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવું હોય તો બેસ્ટ વન-ડે ફૉર્મેટ જ છે. ક્રિકેટ એ ટીમ-ગેમ છે અને વન-ડે ક્રિકેટમાં એ તમને બરાબર દેખાય છે. દરેકેદરેક ખેલાડીએ પોતાનો રોલ બરાબર ભજવવો પડે. ૫૦ ઓવરના ફૉર્મેટમાં ખેલાડીઓના ટેમ્પરામેન્ટ કે પૅશન્સની ખરી કસોટી થાય. જ્યારે ટી20 કે ટી10 એકાદ-બે ખેલાડી આધારિત ગેમ છે અને એ મૅચનું પરિણામ નક્કી

કરતા હોય છે. ટેસ્ટ કે વન-ડે રિયલ ક્રિકેટ છે, જ્યારે ટી20 કે ટી10 એ ફૅન્સી ક્રિકેટ છે.

હું છેલ્લાં આઠેક વર્ષથી ‘મિડ-ડે કપ’માં રમું છું. અમુક હદે ટુર્નામેન્ટના હટકે નિયમો સાથે હું સહમત નથી, પણ એને લીધે મૅચ વધુ રોમાંચક બને છે એટલે નૅચરલી મારો વિરોધ પણ એની સામે નથી.

જિતેશ પુરબિયા (ચરોતર રૂખી)

ગેઇલ અને બ્રાવો સાથે સહમત છું. ટી10ને ઑલિમ્પિકમાં સામેલ કરવું જોઈએ.  હું તો કહીશ કે ટી10 ભવિષ્યમાં નહીં, અત્યારે આવી જ ગયું છે. આ ફૉર્મેટ ખૂબ મનોરંજક અને પ્રેશરવાળું છે. આ ટૂંકા ફૉર્મેટમાં બૅટ્સમૅન, બોલર કે કૅપ્ટને ઑન ધ સ્પૉટ અને ખૂબ જ ફાસ્ટ નિર્ણય લેવાનો હોય છે. આમાં ભૂલ માટે અવકાશ નથી, જે ટીમ ઝડપથી સાચા નિર્ણય લઈ શકી એ જ આખરે વિજેતા થાય છે. આમાં સેકન્ડ ચાન્સ મળતો નથી. ટેસ્ટ કે વન-ડેમાં તમને ભૂલ સુધારવાનો ચાન્સ મળી શકે છે, પણ આમાં એવું નથી. જોકે આ ફૉર્મેટમાં સતત રમવાથી ખેલાડીઓ પ્રેશર મૅનેજમેન્ટ બરાબર શીખી જાય છે અને ખૂબ જ જલદી મૅચ્યોર થઈ જાય છે અને તેમની ટૅલન્ટ પણ ઝડપથી ખીલતી જોવા મળી રહી છે.

હું છેલ્લાં ૧૩ વર્ષથી ‘મિડ-ડે કપ’ રમું છું અને એ મારી ફેવરિટ ટુર્નામેન્ટ છે. કોઈ પણ ટીમ ગમે તે સમયે બાજી પલટાવી શકે છે. હવે કૉમ્પિટિશન પણ ખૂબ વધી ગઈ છે.

રવિ પરમાર (અડાઆઠમ દરજી)

ક્રિકેટના બ્રૅન્ડિંગ માટે ટી10 બેસ્ટ છે અને એને લીધે ક્રિકેટ વધુ લોકો સુધી પહોંચશે અને વધુ દેશોમાં ફેલાશે. અંગત રીતે મને લાગે છે કે ટી10 ક્રિકેટ એ કૉર્પોરેટ ફૉર્મેટ છે અને જેની પાસે વધુ સમય નથી એ લોકો માટે બેસ્ટ છે. બીજું હું માનું છું કે યુવાનોએ ટી૧૦ પર વધુ ફોકસ ન કરવું  જોઈએ. તેમણે ૫૦ ઓવરના ફૉર્મેટમાં જ ઘડાવું જોઈએ. ૩૫ પ્લસના ખેલાડીઓ આ ફૉર્મેટને વધુ પ્રાધાન્ય આપે તો એ યોગ્ય છે. હું આઠેક સીઝનથી ‘મિડ-ડે કપ’માં રમું છું. મૅક્સિમમ લોકોને ઇન્વૉલ્વ કરવાના પર્પઝથી આ ફૉર્મેટ મને બેસ્ટ લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2021 04:39 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK