પત્નીએ પ્રેમી પાસે કરાવ્યું પતિનું ખૂન

Published: 23rd November, 2011 09:22 IST

ટેલરનું કામ કરતા એક ૩૦ વર્ષના યુવાનની આઠ વખત ચાકુના ઘા મારી હત્યા કરનાર આરોપીની શાહુનગર પોલીસે  ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ટેલરની હત્યા કરનારા કેટરિંગ કૉન્ટ્રૅક્ટર સાથે ટેલરની પત્નીના સંબંધો હતા.

 

ટેલરની હત્યા કરતાં પહેલાં કૉન્ટ્રૅક્ટરે થાણેમાં ટેલર સાથે ચિકન બિરયાની ખાધી હતી. દરમ્યાન તેની પત્નીએ પોતાનો પતિ ગુમ થયો હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. સેન્ટ્રલ તથા વેસ્ટર્ન રેલવેલાઇનને જોડતા માટુંગા બ્રિજ નજીક પોલીસને માહિમ બસડેપો વિસ્તારમાં રહેતા ઉસ્માન શાહઝાદા કુરેશીની લાશ મળી હતી. દાદર વિભાગના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ મધુકર સંખેએ કહ્યું હતું કે લાશની ઓળખવિધિ બાદ તેમણે આ કેસ ઉકેલવાની કામગીરી શરૂ કરી હતી. પાડોશી પાસેથી મળેલી માહિતી મુજબ ઉસ્માનની પત્ની ઉજમા એક કેટરિંગ કંપનીમાં કામ કરતી હતી. જોકે ઉજમાએ આ વાતનો ઇનકાર કર્યો હતો. ઉજમાએ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હોવાથી તેના ફોનનંબરની તપાસ કરતાં ખબર પડી હતી કે રવિવારે રાત્રે એક નંબર પર ઉજમાએ ઘણા કૉલ કર્યા હતા. આ નંબર દહિસરમાં રહેતા એક ૩૦ વર્ષના કેટરિંગ કૉન્ટ્રૅક્ટર સુરેશ ઉર્ફે સૂરમણિ લાલકિશન હાટલેનો હતો. પૂછપરછ કરતાં પોલીસને ખબર પડી કે સૂરમણિ તથા ઉજમા વચ્ચે સંબધો હતા એથી બન્નેએ મળી ઉસ્માનની હત્યા કરવાની યોજના ઘડી હતી.

ગુજરાતમાં બે દિવસ માટે કેટરિંગનું કામ હોવાથી ઉજમાએ પોતાના ચાર વર્ષના દીકરા અમનને મુંબ્રા મૂકી આવવા ઉસ્માનને જણાવ્યું હતું. જ્યારે તે માટુંગા પરત ફરી રહ્યો હતો ત્યારે સૂરમણિ તથા તેનો મિત્ર રવિ મિશ્રા પણ એ જ ટ્રેનના ડબ્બામાં હતા. મિશ્રા તથા સૂરમણિએ ઉસ્માનને બિરયાની ખાવા માટે  થાણે ઊતરવા વિનંતી કરી હતી તેમ જ પાછા ફરતી વખતે બ્રિજ પર ઉસ્માનને ચાકુના આઠ ઘા મારી હત્યા કરી તેઓ ભાગી છૂટ્યા હતા તેમ જ ઉજમાને કામ પૂર્ણ થયાની જાણ પણ કરી હતી. પોલીસે ઉજમા, સૂરમણિ તથા મિશ્રાની ધરપકડ કરી હતી. તેમને આજે ર્કોટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK