સજા સત્વરે થાય તો જ એનો હેતુ સરે

Published: Dec 10, 2019, 12:19 IST | Taru Kajaria | Mumbai

માનવ અધિકારની રક્ષાનો ઝંડો લઈને ફરનારાઓને પીડિતા કે તેના સ્વજનોના અધિકારો વિશે કેમ વિચાર નથી આવતો?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હમણાં થોડા દિવસો કેટલાંક અંગત કામોમાં એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે અખબાર, ટીવી કે ઇવન મોબાઇલ પર પણ સમાચાર ભાગ્યે જ જોયા કે સાંભળ્યા હશે. પરંતુ આ વ્યસ્તતા વચ્ચેય કેટલીક ભયંકર દુર્ઘટનાઓ કાન અને આંખ સુધી પહોંચી. એમાંય હૈદરાબાદની ડૉક્ટર યુવતીને મદદ કરવાને બહાને ચાર શખસોએ તેના પર આચરેલી અમાનવીય ક્રૂરતા, બળાત્કાર અને તેની હત્યા. અગાઉ બળાત્કાર માટે કુખ્યાત થયેલા ઉન્નાવમાં બળાત્કારનો શિકાર બનેલી વધુ એક યુવતી સાથે થયેલા ભયંકર અત્યાચારની વાત પણ એવી જ ખળભળાવે દે એવી છે. એ પીડિતા અદાલતમાં જઈ રહી હતી ત્યારે તેને બાળી મૂકવાનો પ્રયાસ થયો અને તે હવે મૃત્યુ પામી છે. આ બન્ને ઘટનાઓએ તો સમગ્ર અસ્તિત્વમાં એક આગ ભભૂકાવી દીધી. હચમચી જવાયું.

અગાઉ જે યુવતી પર બળાત્કાર થયેલો એમાં પણ આરોપીઓને જામીન મળી ગયા હતા. અને તેમણે પીડિતાને તેમ જ તેના સ્વજનોને મારી નાખવાની ધમકી આપી હતી. આવી દરેક ઘટના વખતે જરાક પણ અક્કલ ધરાવતી વ્યક્તિ હોય તેને અચૂક સવાલ થાય કે બળાત્કાર જેવા ગંભીર ગુના કરનારને જામીન પર છોડવા જ શા માટે જોઈએ? તેઓ પીડિતા કે તેના સ્વજનોને બાળી નાખે કે મારી નાખે એની રાહ જોવા માટે? તેમના એ પગલાથી ડરીને ભવિષ્યમાં કોઈ પીડિતા પોતાના પર અત્યાચાર કે બળાત્કાર કરનાર સામે આંગળી ન ચીંધે એ માટે? ફરિયાદ કરવાનું ભૂલી જાય એ માટે? ખરેખર લોકોને ઘણી વાર વિચાર આવી જાય છે કે ભયંકર છે આપણા દેશની કાનૂન વ્યવસ્થા.

હમણાં વૉટ્સઍપ પર એક વિડિયો ક્લિપ આવેલી. દુબઈમાં પાંચ વરસની બાળકી પર બળાત્કાર કરનાર એક શખ્સને જાહેરમાં ગોળીએ દેવાયો અને તેનું લોહીથી લથબથ શબ ઢસડીને એક લાકડી પર લટકાવાયું. લોકોએ એ ઘટનાનો જશન મનાવ્યો. આ ક્લિપ જોઈને લાખો ભારતીયોએ કમેન્ટ કરી કે શીખો શીખો, બળાત્કારીઓ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ. અને હમણાં સમાચાર આવ્યા છે કે હૈદરાબાદની ડૉક્ટરના ચાર હત્યારાઓ પોલીસ સાથેની ઝપાઝપીમાં માર્યા ગયા. આ સાંભળીને દેશભરમાં વ્યાપેલા આક્રોશને કળ વળી છે. લોકો તેલંગણા રાજ્યના પોલીસદળને બિરદાવે છે. મરનારની બહેન અને તેના પિતાએ પણ સંતોષ વ્યક્ત કરી પોલીસનો આભાર માન્યો છે. પરંતુ કેટલાક ઍક્ટિવિસ્ટો અને ચોખલિયાઓ કહે છે કે પોલીસે આમ કાયદો હાથમાં ન લેવાય. સહજ છે માનવ અધિકારોના પુરસ્કર્તાઓને આ વાત નહીં ગમે, પરંતુ આ માનવ અધિકારની રક્ષાનો ઝંડો લઈને ફરનારા આ લોકોને અત્યાચારીઓની હિંસાનો શિકાર બનેલી પીડિતા કે તેના સ્વજનોના અધિકારો વિશે કેમ ક્યારેય વિચાર નથી આવતો?

આ લખું છું ત્યાં એક મિત્રે મોકલેલી હિન્દી કવિતા પર નજર ગઈ. સ્વર્ગસ્થ વડા પ્રધાન અને કવિ અટલ બિહારી વાજપેયીજીએ દ્રૌપદીની પીડાને પ્રતીક બનાવી વર્તમાનમાં પણ સ્ત્રી પર થઈ રહેલા અત્યાચારો પર કટાક્ષ કર્યો છે:

ઊઠો, દ્રૌપદી વસ્ત્ર સંભાલો,

અબ ગોવિન્દ ન આએંગે

કબ તક આસ લગાઓગી તુમ

બિકે હુએ અખબારોં સે!

કૈસી રક્ષા માંગ રહી હો

દુ:શાસન દરવારોં સે!...

છોડો મહેંદી, ભુજા સંભાલો,

ખુદ હી અપના ચીર બચા લો

આજની સ્ત્રી મેંદી છોડીને પોતાની સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવતી થઈ છે. ઉન્નાવમાં પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ ખુદ એ સ્ત્રીએ જ કરી હતી. એ અંગે જ તે અદાલતમાં જઈ રહી હતી. તેમ છતાં તેની સાથે આટલો ભયંકર દુર્વ્યવહાર કરવામાં આવ્યો. ગુનેગારોની આટલી હિમ્મત કઈ રીતે થઈ હશે એ સમજવા માટે કંઈ બહુ બધી માહિતી કે બુદ્ધિની જરૂર નથી. સત્તાસ્થાનો સાથે સાઠગાંઠ ધરાવનાર અથવા તો સત્તા, સરકાર અને કાનૂન વ્યવસ્થાને ઘોળીને પી  જનાર દાધારંગાઓ જ આવી હેવાનિયત કરતાં અચકાય નહીં. હમણાં જ સમાચાર આવ્યા છે કે તાજેતરની ઉન્નાવની ઘટનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓ પકડાઈ ગયા છે. એ લોકો સાથે પણ હૈદરાબાદના ગુનેગારો સાથે થયો એવો વ્યવહાર થશે?

કાશ!

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK