Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હું તારી સાથે છું ને!

હું તારી સાથે છું ને!

12 July, 2020 07:25 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

હું તારી સાથે છું ને!

હું તારી સાથે છું ને!


દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી એટલે કે અષાઢ સુદ અગિયારસથી કારતક સુદ અગિયારસ સુધીના સમયગાળાને આપણે વિશેષ પ્રકારના ચાતુર્માસ તરીકે ઓળખીએ છીએ. આ સમયગાળામાં તહેવારો, પર્વો, ઉત્સવો આ બધું મોટા પ્રમાણમાં છે. વ્રત, તપ, ઉપવાસ, પૂજા-અર્ચના આ બધાનો પણ આ ચાતુર્માસમાં ભારે મોટો મહિમા છે. એમાંય જો આ ચાતુર્માસમાં અધિક માસ આવે તો આ બધું બેવડાઈ જાય. સારો વરસાદ થયો હોય, નદીનાળાં છલકાયાં હોય, વાડી-ખેતરો લીલાંછમ્મ હોય અને પશુઓ લીલું ઘાસ ખાઈને તૃપ્ત થતાં હોય એવો આ ગાળો મન મૂકીને માણવા જેવો છે, પણ શરત એટલી જ કે તમે બાળક કે કિશોર અવસ્થામાં હો અને તમારું રહેઠાણ શહેર ન હોય. આટલું હોય તો પછી આ ગાળો લીલાલહેર!

આ ગાળામાં જ્યારે અમે જીવતા હતા ત્યારે વ્રત-વરતોલા આવો શબ્દ અવારનવાર સાંભળવામાં આવતો. આમાં વ્રત શબ્દ તો ત્યારેય સમજી શકાયો હતો, પણ વરતોલા શબ્દ આજેય સમજી શકાયો નથી. એવરત-જીવરત, જયા અને વિજયા આ ચાર દેવીઓનાં વ્રત સ્ત્રીઓ કરે. મોળાકાતના જુવારાનો ઉત્સવ કુંવારી કન્યાઓ માણે. જૈનોના પર્યુષણ પણ આ જ દિવસોમાં હોય, અઠ્ઠાઈ, માસખમણ અને એવુંબધું.



નાનપણમાં આ દિવસો દરમ્યાન શ્રાવણ મહિનો મને બહુ ગમતો. શ્રાવણ મહિનામાં ભોળા શંભુને રીઝવવા સોમવાર કે અમાવસ્યાએ અચૂક ચુરમાના લાડુ બને. આ સોમવાર કે આ અમાવસ્યાની અમે ઉત્કંઠાથી પ્રતીક્ષા કરીએ. સોળ સોમવારનું વ્રત ત્યારે ભારે લોકપ્રિય હતું. સંતોષીમાતા, વૈભવલક્ષ્મીમા કે દશામા ત્યારે હજી પ્રગટ્યાં નહોતાં. નાના-મોટા સૌ સોળ સોમવારનું વ્રત ભારે શ્રદ્ધાપૂર્વક કરતા. આ સહુમાં ‘હું’નો પણ સમાવેશ થઈ જાય.


સોળ સોમવારના આ વ્રતમાં શિવજીના પૂજન-અર્ચન, બીલીપત્રો, આરતી એવું બધું તો થાય જ પણ એમાં ખાસ કરીને પાંચ પાનના એકાદ બીલીપત્રને વૃક્ષ પરથી શોધી કાઢવા ભારે મથામણ થતી. પાંચ પાનના બીલીપત્રથી શિવજી વધુ પ્રસન્ન થાય એવું ખાતરીપૂર્વક માનતા,

સોળ સોમવારનું વ્રત કરનારે શિવજીની એક વાર્તા કોઈને કહેવી પડતી અથવા વાંચવી પડતી. રાંધણ છઠ અને શીતળા સાતમ જેવા પર્વો પણ આ દિવસોમાં જ હોય. આ પર્વો સાથેય વાર્તાઓ સંકળાયેલી હોય. એવરત-જીવરતનાં વ્રતો સાથે પણ માતાજીનો મહિમા ગાતી વાર્તાઓ કહેવી કે સાંભળવી ફરજિયાત. એના વિના વ્રત અધૂરું ગણાય.


કેટલીક વાર એવું બનતું કે વ્રત કરનારને આવી મહિમાવંતી વાર્તા જે દર વખતે એકની એક જ હોય માટે શ્રોતા સાંપડે નહીં. જો વાર્તા કહેવાય નહીં તો વ્રતધારી ભોજન કરી શકે નહીં. ઉપવાસનું ફરાળ સુધ્ધાં નહીં. આનો એક હાથવગો ઉપાય એ દિવસોમાં પ્રચલિત હતો. ઘરના પૂજાના સ્થાનકે અથવા ફળિયાના તુલસી-ક્યારા પાસે ઘીનો દીવો પ્રગટાવીને વ્રતધારી આ વાર્તા કાં તો કહી દે અથવા વાંચી લે. ઘીના દીવાની સાક્ષીએ જે કામ થયું એ બારોબાર વ્રતના ઉપાસ્ય દેવ કે દેવીને સીધેસીધું પહોંચી જાય.

ખબર નહીં પણ કોણ જાણે કેમ, ઘીના દીવાનો પ્રકાશ ત્યારે ભારે સુરક્ષાની લાગણી પેદા કરી શકતો. ઘીના દીવાનો પ્રકાશ જ્યાં સુધી પહોંચતો હોય ત્યાં સુધીના વિસ્તારમાં શોરબકોર ન થાય, ગાળગલોચ ન બોલાય, વાંધાવચકા પણ ન થાય અને ક્યારેક તો એવુંય લાગતું કે ઘીના દીવાની જ્યોત જ્યારે નજરે પડતી હોય ત્યારે કોઈ કુવિચાર પણ ન આવે. આવું કેમ થતું એની જાણ નથી. કદાચ કોઈક વડીલ પાસેથી સાંભળ્યું હશે. એ જે હોય તે પણ એ જડબેસલાક ઊતરી ગયેલું. ઘીનો દીવો જો વ્રતધારીનાં હોમહવન, પૂજાપાઠ કે ઉપવાસને એના ઉપાસ્ય દેવ સુધી પહોંચાડી શકતી હોય તો એ જ્યોત ભારે શક્તિશાળી હોવી જોઈએ એ વિશે સહેજ પણ કુશંકા નહોતી.

દિવાળીના દિવસોમાં જે કોડિયા પ્રગટતા એમાં આડી વાટ રહેતી અને એમાં તેલ પુરાતું, ઘી નહીં. તેલના આ કોડિયાની વાટના પ્રકાશમાં ઘીના દીવાના વાટની પ્રકાશ જેવી માનસિકતા ક્યારેય આવતી નહીં. ક્યારેક મીણબત્તી પણ પ્રગટતી પણ મીણબત્તીની વાટમાં પણ ઘીના દીવાની વાટ જેવી અંતરિયાળ પ્રસન્નતા પ્રગટે જ નહીં. ઘીનો દીવો પોતીકો લાગે, બીજું બધું પારકું.

ઘીના દીવામાં ઊભી વાટ મૂકવામાં આવતી, પણ આડી વાટનોય એક મહિમા હતો. આડી વાટનો દીવો પાણિયારે મૂકવામાં આવતો. આ દીવા માટે ચમચાના મોઢાના આકારનું એક ખાસ પાત્ર રહેતું. આ પાત્રમાં આડી વાટ સારી રીતે ગોઠવાઈ શકતી. આડી વાટનો દીવો પિતૃઓની વંદના કરવા માટે અથવા તો કુળદેવીના પારે કરવામાં આવતો. માતાજીની વાટ આડી હોય એવું ત્યારે માનતા. આડી વાટનો આ દીવો પાણિયારે પ્રગટતો અને ઊભી વાટનો દીવો પૂજાસ્થાનકે સવાર અને સાંજ બે વાર કરવામાં આવતો. સાંજે જે દીવો પ્રગટતો એને સાંધ્યદીપ કહેતા. સાંધ્યદીપ શબ્દને સંધ્યા સાથે સંબંધ છે. સંધ્યા શબ્દનું પ્રભવસ્થાન સંધિ છે. દિવસ સમાપ્ત થાય અને રાત્રિનો ઉદય થાય. પ્રકાશ પૂરો થાય અને અંધકાર આગળ વધે. હજી પ્રકાશ પૂરેપૂરો ઓઝપાયો ન હોય અને અંધકારના ઓળા પૂરેપૂરા ઊતર્યા ન હોય એ ક્ષણે સાંધ્યદીપ પ્રગટાવીને પ્રકાશ રેલવાનું કામ ભારે પવિત્ર ગણાયું છે. આ ક્ષણ જીવનની શ્વાસોચ્છ્વાસની ક્ષણ જેવી અત્યંત સૂક્ષ્મ અને એથીય અદકેરી રહસ્યમયી હોય છે. આપણે ફેફ્સાંમાં ભરેલા શ્વાસને ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ અને પછી બહારના પ્રાણવાયુને અંદર લઈએ એ બે ક્રિયાની વચ્ચે જે સૂક્ષ્માતિસૂક્ષ્મ સમયનો અંશ રહેલો છે એ સંધિ છે. પ્રકાશ અને અંધકારની આવી સંધિ જ સાંધ્યદીપ છે.

દીવો ઊભી વાટનો હોય કે આડી વાટનો, મીણબત્તી હોય કે કોડિયું હોય, ઈંધણ સળગાવવા માટે પેટાવેલી દીવાસળી હોય કે પછી બીજી કોઈ રીતે પ્રકાશ રેલાવતી જ્યોત જગાવી હોય, એ બધાને ક્યારેય ફૂંક મારીને ન ઓલવાય. એને ઓલવવું પણ ન કહેવાય. દીવાને ઓલવાય નહીં પણ રામ કરાય. એને રામ કરવા માટે ફૂંક ન મરાય, પણ જમણા હાથનો પંજો એની પાસે હલાવીને નાનકડા પંખાની જેમ વાટને રામ કરાય. પ્રકાશ પાથરતા આ અગ્નિના સૂક્ષ્મ સ્વરૂપની આમન્યા રાખવાની વાત છે. જે પ્રકાશ પાથરે છે એને ઓલવાય નહીં. વહેવારિક જરૂરિયાત હોય તો એ પ્રકાશને ઘડીક રામ કરાય. ‘મેઘદૂત’માં કવિ કુલગુરુ કાલિદાસે અલકાનગરીની જે શયનકક્ષોની વાત આલેખી છે એમાં निविबंधो शिथिल भवतो જેવી ક્ષણે પ્રિયા મુઠ્ઠીમાં ગુલાલ લઈને પલંગ પાસે રહેલા દીવાની જ્યોત પર છાંટે છે એવો ઉલ્લેખ છે. ગુલાલથી હાથ ખરડાય છે, દીપકની આસપાસ બધું રેલાય છે. સૂતાં-સૂતાં જ એ ફૂંક મારી શકી હોત અને એમ છતાં એ એમ નથી કરતી. દીવાને ફૂંક મરાય નહીં એ સાંસ્કૃતિક લક્ષણ કામની પ્રચંડ પળે પણ યક્ષિણી શી રીતે ભૂલે? એ તો લોહીના કણેકણમાં સહજતાથી વ્યાપેલું હોય.

ચાતુર્માસના આ ગાળામાં વર્ષાઋતુ પૂરબહારમાં હોય. નાગદેવતા અચાનક ક્યાંક ને ક્યાંક દર્શન દે એનીય કોઈ નવાઈ નહીં. ગામમાં એકબે જણ નાગદેવતાને પકડી લેવામાં ભારે કુશળ. જે ઘરમાં નાગદેવ દર્શન દે કે તરત જ એને પકડવા માટે તેમને બોલાવે. નાગદેવતાને અમે સાપ કે નાગ એવું કશું જ ન કહેતા. અમારા માટે એનો પર્યાયવાચી શબ્દ એરુ હતો. જે ઘરમાં એરુ દેખાય એ ઘરવાળા બહાર ઓટલે આવીને ઘીનો દીવો કરે. એરુનાં દર્શન જે ઘરમાં થાય એ ઘરમાં પિતૃનો વાસ હોય એવું કહેવાય. પિતૃ તેમના વંશજોને આશીર્વાદ આપવા આવ્યા છે એમ માનીને પેલા ઘીના દીવાની સાક્ષીએ સૌ તેમને પ્રણામ કરે. આમાં જે વહુઆરુઓ હોય તેઓ લાજ કાઢીને માથું જમીનસરસું લગાડે. એરુ પકડાઈ જાય એ પછી એક ગાળિયામાં એને બાંધીને બે જણ એ દોરીના જુદા જ-દા છેડા પકડીને એને પાદરે છોડી આવે. એને મારી નાખવાની તો કોઈ કલ્પના સુધ્ધાં ન કરે. એરુ કરડવાથી એક-બે કમોત આ ચતુર્માસ દરમ્યાન થાય પણ ખરાં. જોકે એને એરુ કરડ્યો એમ ન કહેવાય, એરુ આભડી ગયો એમ કહેવાય.

દીવાની એક વિશેષ મહત્તા પણ અહીં યાદ આવી જાય છે. ઘરમાં કે આસપાસમાં કંઈ પણ ચિંતાજનક બને કે તરત જ ડોસીશાસ્ત્રના સ્વયંસિદ્ધાંત મુજબ બા, કાકી, ભાભુ કે દાદીમા કોઈ પણ તાબડતોબ એક માનતા લઈ લે. આ માનતા બહુ હળવી હોય. માનતામાં એટલું જ બોલાય, ‘હે કુળદેવી માતાજી’ અથવા તો કોઈ વાર જાજડિયા હનુમાનજી કે ભોળાનાથ શંભુને વીનવવામાં આવે. જો આટલું થશે કે આટલું-આટલું નહીં થાય તો તમારા પારે પાંચ દીવા ધર્યા પછી જ હું પાણીનું ટીપું લઈશ. મોટા ભાગે તો વાત સાવ નજીવી હોય એટલે તાબડતોબ પતી જાય અને માનતા લેનાર પાંચ દીવા કરીને માથું નમાવ્યા પછી પાણી પીએ. આમાંય કુળદેવી માતા હાજરાહાજૂર છે કે પછી હનુમાનજીનું શરણ લીધું એટલે કામ પત્યું એવી ગળા સુધીની શ્રદ્ધા હોય.

આ  દીવો ત્યારે ગામમાં વસતા સૌકોઈ જીવતા જણ કરતાં બે મુઠ્ઠી ઊંચો હતો. આ દીવાની દોસ્તી ઘણાં વર્ષોથી છૂટી ગઈ છે, પણ જ્યારે એને સંભારું છું ત્યારે ઘોર અંધકાર વચ્ચેય ઝળાહળા પ્રકાશનાં દર્શન થાય છે. માત્ર દર્શન જ નહીં, કોઈક ગેબી અવાજ પણ ત્યારે સંભળાય છે, ‘મૂંઝાય છે શા માટે? હું તારી સાથે છુંને!’

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2020 07:25 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK