Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તું ફસાયો છો એટલે તને મદદ કરીશ

તું ફસાયો છો એટલે તને મદદ કરીશ

16 June, 2020 06:20 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

તું ફસાયો છો એટલે તને મદદ કરીશ

સંગીતનો સુવર્ણકાળ: અજિત મરચન્ટનું મ્યુઝિક એ સ્તર પર અદ્ભુત રહેતું કે એને સાંભળનારો રીતસર એ સમય કે યુગમાં પહોંચી જાય. અજિત મરચન્ટ સાથે આ ફોટોમાં કવિ પ્રદીપજી છે. બે મહાનુભાવો એક ફોટોમાં હોય એવી આ અદ્ભુત તસવીર છે

સંગીતનો સુવર્ણકાળ: અજિત મરચન્ટનું મ્યુઝિક એ સ્તર પર અદ્ભુત રહેતું કે એને સાંભળનારો રીતસર એ સમય કે યુગમાં પહોંચી જાય. અજિત મરચન્ટ સાથે આ ફોટોમાં કવિ પ્રદીપજી છે. બે મહાનુભાવો એક ફોટોમાં હોય એવી આ અદ્ભુત તસવીર છે


કાસ્ટિંગ નક્કી થઈ ગયું, પણ એ સિવાય પણ હજી ઘણાં કામો એવાં હતાં જે અમારે કરવાનાં હતાં તો એ કામની સાથોસાથ અમારે અમારાં કામ પણ પાર પાડવાનાં હતાં. શફીભાઈ શૂટિંગમાં વ્યસ્ત હતા તો મારું નાટક ‘ફતેચંદનું ફુલેકું’ ઓપન થઈને ફ્લૉપ થઈ ગયું હતું, પણ લાઇનઅપ થયા હોય એવા પાંચ-સાત શો મારે કરવાના હતા તો સાથોસાથ શફીભાઈનું કામ પણ જોતા રહેવાનું હતું. મુંબઈમાં શફીભાઈનું શૂટિંગ હોય ત્યારે હું બપોર સુધીમાં કામ પતાવીને તેમના શૂટિંગ પર પહોંચી જાઉં અને ત્યાં નાટકની ચર્ચાઓ કરવાની તક ઝડપી લઉં. શફીભાઈએ નાટક ડિરેક્ટ કરવાનું હતું એટલે એ સમયે પણ તેમણે ખાસ્સો એવો સમય કાઢવાનો હતો એટલે મોટા ભાગનાં શૂટિંગ ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે પૂરાં કરવાના પ્રયત્ન કરતા હતા. આ જ સમયગાળામાં શફીભાઈને એક ફિલ્મ મળી, નામ એનું ‘પ્રતિબંધ’.

ફિલ્મ તેલુગુના સુપરસ્ટાર ચિરંજીવીના હોમ-પ્રોડક્શનમાં બનતી હતી. ચિરંજીવીના બનેવી અલુ અરવિંદ એના પ્રોડ્યુસર. ફિલ્મમાં શફીભાઈનો બહુ સરસ રોલ હતો. આ ફિલ્મના ડાયલૉગ્સ અનીશ બઝમીએ લખ્યા હતા. અનીશની કરીઅરની આ શરૂઆત એવું કહી શકાય. મને પાક્કું યાદ છે કે પામગ્રોવ હોટેલમાં ફિલ્મના પ્રી-પ્રોડક્શનના કામ માટે રૂમ બુક કરવામાં આવી હતી. પ્રોડ્યુસર હૈદરાબાદના અને મુંબઈમાં એનું બધું લાઇઝન વર્ક મુકેશ ઉદ્દેશી સંભાળે. મુકેશભાઈ અલુ અરવિંદના અંગત વ્યક્તિ એવું કહું તો પણ ચાલે. મને પાક્કું યાદ છે કે હું શફીભાઈના પૈસા અને બીજી બધી વાતની ચર્ચા કરવા માટે હોટેલની રૂમ પર ગયો હતો અને એ સમયે ત્યાં અનીશ બઝમી નીચે જમીન પર બેસીને ઓરિજિનલ તેલુગુમાં બનેલી ‘પ્રતિબંધ’ જોઈ રહ્યો હતો. પેલી જૂના સમયમાં આવતી એ વીએચએસ કૅસેટ પર. એની બાજુમાં દુભાષિયો બેઠો હતો જે તેલુગુમાં બોલાતા ડાયલૉગ હિન્દીમાં અનીશને સમજાવતો જાય અને અનીશ એ સાંભળીને પછી પોતાની રીતે ડાયલૉગ લખતો જાય. આ વાત તમને કહેવાનું કારણ એ જ કે હું અને શફીભાઈ પણ એ સમયે સતત ‘આઇ રિટાયર હોતેય’ના ગુજરાતીકરણમાં શું-શું ધ્યાન રાખવું એની ચર્ચા કરતા રહેતા. કઈ વાત માત્ર મરાઠીઓને આકર્ષે અને કઈ વાત હોય તો ગુજરાતીઓને વધારે સ્પર્શે એવી ચર્ચા અમારા બન્ને વચ્ચે સતત થયા કરતી. જ્યારે પણ સમય મળે અને જ્યાં પણ સમય મળે ત્યાં અમારી આ વાત ચાલુ રહેતી. જોકે એ પણ એટલું જ સાચું કે શફીભાઈ પાસે સમય બહુ ઓછો હતો, તેઓ સતત પોતાના કામમાં



વ્યસ્ત હતા.


આ જ ગાળામાં શફીભાઈને ‘પ્રતિબંધ’ના શૂટિંગ માટે મદ્રાસ જવાનું થયું, મુકેશ ઉદેશીએ મને સામેથી કહ્યું કે સંજયભાઈ, તમે પણ આવો. તમને ફ્લાઇટની ટિકિટ મોકલું, તમે બે દિવસ રહો ત્યાં, મજા આવશે.

ભાવતું’તું ને વૈદ્યે કીધું.


આ જ જોઈતું હતું મને. શફીભાઈ સાથે મને નવરાશથી એકલા રહેવા મળે અને હું તેમની સાથે અમારા નાટકની જરૂરી ચર્ચાઓ કરું. મેં હા પાડી દીધી અને હું એ ટિકિટ પર મદ્રાસ ગયો. શફીભાઈએ કહ્યું કે તું અલગ રૂમ મત લેના. મેરે સાથ હી રહના, મેરે કમરે મેં.

શફીભાઈની રૂમ મદ્રાસની તાજ કોરોમન્ડલ હોટેલમાં બુક થઈ હતી. હું જિંદગીમાં પહેલી વાર ફાઇવસ્ટાર હોટેલમાં રહ્યો. મને હજી યાદ છે કે હું નાહવા માટે બાથરૂમમાં ગયો તો ટબમાં શાવર-કર્ટન અંદર રાખવાને બદલે બહાર રાખ્યાં અને આખો બાથરૂમ ભીનો થઈ ગયો ત્યારે શફીભાઈએ મને કહ્યું કે હંમેશાં કર્ટન ટબની અંદર રાખવાનો. આવી નાનીનાની શીખથી જ હું ઘડાતો ગયો. અહીં મેં પહેલી વાર ચિરંજીવીને, તેના રુઆબને અને સ્ટારપાવરને જોયો. મિત્રો, આપણી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સ્ટાર માટે અટ્રૅક્શન હોય છે, પણ સાઉથમાં સ્ટારને ભગવાન જ માનવામાં આવે છે. માનવામાં ન આવે એવું ગાંડપણ હોય. આજે પણ છે. જો કોઈ મોટા સ્ટારની ફિલ્મ રિલીઝ થવાની હોય તો સ્ટેટ ગવર્નમેન્ટ કાયદેસર રજા ડિક્લેર કરે. આવું ભૂતકાળમાં તો અનેક વખત બન્યું છે. તમને એક વખતની વાત કહું. રજનીકાંતની એક ફિલ્મ રિલીઝ થવાની હતી અને એ દિવસોમાં સ્ટેટ ગવર્નમેન્ટના પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ હતી. સરકારે એ એક્ઝામની ડેટ પાછળ કરવી પડી, કારણ એટલું જ કે સરકારને પણ ખબર હતી કે લોકો પહેલા દિવસે ફિલ્મ જોવા જવાની લાયમાં એક્ઝામ આપવા નહીં આવે.

ઍનીવે, આપણી વાત પર પાછા આવીએ.

એક દિવસ અમે એમ જ બેઠાં-બેઠાં ‘બા રિટાયર થાય છે’ની વાત કરતા હતા અને એ વાતમાં શફીભાઈને આઇડિયા આવ્યો કે આપણે નાટકમાં જૈન ફૅમિલી બતાવીએ તો કેમ?

મને પણ શફીભાઈનો આ આઇડિયા ગમ્યો. 

‘જૈન ફૅમિલી હશે તો નાટકમાં એક અલગ જ કલર આવશે.’

મેં જવાબ આપ્યો અને એની સાથોસાથ થોડાં ઉદાહરણ પણ આપ્યાં. શફીભાઈએ વાત પકડી લીધી અને અમે વાત કરી રાઇટર અરવિંદ જોષીને. અરવિંદભાઈને પણ વાત ગમી ગઈ અને એ રીતે નાટકમાં પદ્‍મારાણીનું ફૅમિલી જૈન બન્યું, પણ મને કહેવા દો કે શફીભાઈ અને અરવિંદભાઈએ નાટકમાં આ વાત ક્યાંય હૅમર થાય એવી રીતે દર્શાવી નથી. આ જ એ લોકોની ગ્રેટનેસ હતી. ખૂબ જ સૂક્ષ્મ રીતે એવું બતાવવામાં આવ્યું કે જૈન ફૅમિલીની આ વાત છે. કોઈ પણ જાતનું વધારે જૈન-જૈન કર્યા વિના ફક્ત મહાવીર સ્વામીનો એક ફોટો હૉલમાં રાખ્યો અને એસ્ટૅબ્લિશ કરી દીધું. નાના દીકરાની જે વહુ છે તેને નાટકમાં નાગર દેખાડી, આ પણ શફીભાઈનો આઇડિયા હતો કે નાની વહુ નાગરાણી હોય અને એના ડાયલૉગમાં ‘હે હાટકેશ્વર’ એકબે વાર આવે. મોટા દીકરાની વહુ જૈન પરિવારમાંથી જ હતી, બા તેને ડાયલૉગમાં કહે છે કે તારી સાસુ કાંદા ખાય? જવાબમાં મોટી વહુ કહે કે બા આપણે તો જૈન છીએ.

આવા ડાયલૉગથી હ્યુમરને વણી લેવામાં આવ્યું હતું તો સાથોસાથ ઇન્ફર્મેશનને પણ અન્ડરલાઇન કરી દેવામાં આવી હતી. જૈન લોકો સાથે નાટક ખૂબ જ કનેક્ટ થયું. નાટકના ક્લાઇમૅક્સમાં દીકરી જ્યારે ઘરે સુવાવડ માટે બા પાસે આવે છે ત્યારે તેને લેબર-પેઇન ઊપડે છે. એ વખતે જૈન સ્તવન રાખવાનો વિચાર આવ્યો. સંગીતકાર અજિત મર્ચન્ટે એને અનુમોદન આપ્યું. આગળ વધતાં પહેલાં એક વાત કહી દઉં તમને. નાટકમાં અજિત મર્ચન્ટ મ્યુઝિક આપવાના નહોતા. અમે રાજેશ મહેતાને ફાઇનલ કર્યા હતા, પણ સાવ અંતિમ તબક્કામાં અમારે અજિતભાઈ પાસે ભાગવું પડ્યું. શું બન્યું હતું એની વાત આગળ કરીએ પણ અત્યારે વાત કન્ટિન્યુ કરીએ જૈન સ્તવનની.

એ જૈન સ્તવનની ખૂબ જ અદ્ભુત ઇમ્પૅક્ટ આવી. જૈનોમાં જ નહીં, પણ જૈન સિવાયની કમ્યુનિટીના લોકોનો પણ અદ્ભુત રિસ્પૉન્સ મળતો હતો. આવી નાનીનાની વાતો નાટકોમાં બહુ મોટી ઇમ્પૅક્ટ ઊભી કરતી હોય છે અને એટલે જ નાટકમાં એને સ્થાન મળતું હોય છે.

નાટક શરૂ કરતાં પહેલાં સેટ ડિઝાઇન તૈયાર કરવી ખૂબ જરૂરી હોય છે. જો ડિઝાઇન તૈયાર હોય તો જ તમે એના આધારે નાટક સેટ કરી શકો. સુભાષ આસર ખૂબ જ સારો સેટ-ડિઝાઇનર અને મારો જૂનો મિત્ર પણ ખરો. સુભાષને મેં વાત કરી અને તેણે ખૂબ જ અદ્ભુત સેટ બનાવ્યો. ગુજરાતીઓનાં જે ટિપિકલ ઘર હોય એને હૂબહૂ સ્ટેજ પર ઊભું કરી દીધું હતું. સેટની ઇમ્પૅક્ટ બહુ સરસ રહી. કર્ટન ખૂલતાંની સાથે જ લોકોને સેટ ગમી જતો. એવું જ લાગતું કે તેઓ પોતાની બાના ઘરે આવ્યા છે અને બાના ઘરમાં બધી ઘટનાઓ ઘટી રહી છે. સેટનું કામ સુભાષે સંભાળ્યું તો મારા મિત્ર મનહર ગઢિયાને પબ્લિસિટીની જવાબદારી સોંપવામાં આવી. મનહર ગઢિયા સાથે પણ મારી બહુ જૂની મિત્રતા. મિત્રોને જ અમુક કામ સોંપી દેવાથી ફાયદો એ થયો કે મારે કોઈને તાત્કાલિક પૈસા આપવાના ન આવ્યા. જો સામે નવો પ્રોડ્યુસર હોય તો બધા જ ડિપાર્ટમેન્ટવાળા ઍડ્વાન્સ પૈસા માગે અને પછી જ કામ શરૂ કરે, પણ મારી દોસ્તી અને શાખ એવી હતી કે પૈસા માગ્યા વિના જ બધાએ કામ ચાલુ કરી દીધું. હવે વાત આવી મ્યુઝિકની. રાજેશ મહેતાને અમે સંગીતની કામગીરી આપી, પણ તેમના મ્યુઝિકમાં શફીભાઈને જામ્યું નહીં. એમાં રાજેશ મહેતાનો વાંક નહોતો, જોનરની તકલીફ હતી. રાજેશ મહેતા થ્રિલર નાટકોમાં મ્યુઝિક આપવા માટે જાણીતા હતા, પણ સોશ્યલ નાટકમાં તેમની એવી હથોટી નહોતી. ફસાયા પછી અમે મ્યુઝિક માટે છેલ્લી ઘડીએ અજિત મર્ચન્ટ પાસે આવ્યા. અજિત મર્ચન્ટ એકદમ સ્વમાની અને જિદ્દી સ્વભાવના માણસ, પણ તેમની સાથે હું ‘ચિત્કાર’માં કામ કરી ચૂક્યો હતો એટલે એ સંબંધના દાવે તેમણે મને કહ્યું કે સંજય, તું ફસાયો છે એટલે હું તને મદદ કરીશ.

અજિતભાઈએ કેવી રીતે મદદ કરી એની વાતો અને રિહર્સલ્સની વાતો કરીશું આવતા મંગળવારે, ત્યાં સુધી, અગાઉ કહ્યું હતું એમ અનલૉક-1.0નો લાભ લેજો, ગેરલાભ નહીં.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2020 06:20 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK