જ્યારે બેગમ અખ્તરે સામે ચાલીને ખય્યામને કહ્યું કે મારા માટે તમે ગઝલ કમ્પોઝ કરો

Updated: Nov 25, 2019, 14:16 IST | rajani mehta | Mumbai Desk

વો જબ યાદ આએ : મારા મત મુજબ આજ સુધી કેવળ એક જ લોરી સુપરડુપર હિટ થઈ છે. ફિલ્મ ‘અલબેલા’ માટે સી.રામચંદ્રના સંગીતમાં લતા મંગેશકરની ‘ધીરે સે આ જા રે અંખિયન મેં, નિંદિયા આ જા રે આ જા.’

‘શગુન’ (૧૯૬૪) અને ‘મોહબ્બત ઇસકો કહતે હૈં’ (૧૯૬૫)માં ખય્યામનાં સ્વરબદ્ધ થયેલાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં. ૧૯૬૬માં ચેતન આનંદની ફિલ્મ ‘આખરી ખત’ માટે સંગીત આપવાની ખય્યામે શરૂઆતમાં આનાકાની કરી હતી. એનું શું કારણ હતું એનો ખુલાસો કરતાં ખય્યામ કહે છે, ‘ચેતન આનંદ મારી પાસે આ ફિલ્મની ઑફર લઈને આવ્યા અને કહે, મારી આ ફિલ્મ થોડી ઑફબીટ છે. એમાં કેવળ એક જ ગીત છે. એને માટે મારે તમારી જરૂર છે, કારણ કે આ લોરી (હાલરડું) ફિલ્મ માટે બહુ જરૂરી છે જેના દ્વારા પૂરી ફિલ્મની વાર્તા ઑડિયન્સ સુધી પહોંચી જશે. મેં તરત ના પાડી. મને લાગ્યું કે કેવળ એક લોરી કમ્પોઝ કરીને હું મારી કાબેલિયત પુરવાર ન કરી શકું. બીજું, એ હિટ થવાના ચાન્સિસ પણ બહુ ઓછા હોય. મારા મત મુજબ આજ સુધી કેવળ એક જ લોરી સુપરડુપર હિટ થઈ છે. ફિલ્મ ‘અલબેલા’ માટે સી.રામચંદ્રના સંગીતમાં લતા મંગેશકરની ‘ધીરે સે આ જા રે અંખિયન મેં, નિંદિયા આ જા રે આ જા.’

‘મારી ના સાંભળી ચેતન આનંદ ફિલ્મના ગીતકાર કૈફી આઝમી અને પ્રિયા રાજવંશને લઈ મારે ઘેર આવ્યા. તેમણે જગજિતને વિનંતી કરી કે મને સમજાવે. આખરે મેં હા પાડી. લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલી લોરી, ‘મેરે ચંદા, મેરે નન્હે તુઝે અપને સીને સે કૈસે લગાઉં’ રેકૉર્ડ થઈ અને ચેતન આનંદ એટલા ખુશ થઈ ગયા કે મને કહે, ફિલ્મની સ્ટોરીમાં બીજી ત્રણ-ચાર સિચુએશન ઊભી કરું છું જ્યાં ગીતો ઉમેરી શકાય. અને આમ આ ફિલ્મ માટે ‘બહારોં મેરા જીવન ભી સંવારો’ (લતા મંગેશકર), ‘ઔર કુછ દેર ઠહર, ઔર કુછ દેર ન જા’ (મોહમ્મદ રફી), ‘રુત જવાં જવાં રાત મેહરબાં છેડો કોઈ દાસ્તાં’ (ભૂપિન્દર સિંહ. આ ગીત ફિલ્મમાં તેમના પર પિક્ચરાઇઝ થયું છે) અને ‘હૈ કુછ ભી નહીં હૈ ડાર્લિંગ, તૂ ભી તૂ ભી તૂ ભી’ (મન્ના ડે અને કોરસ) રેકૉર્ડ થયાં. આ ફિલ્મ માટે પહેલી વાર ભૂપિન્દરે સોલો ગીત ગાયું હતું.’
‘એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ મહત્ત્વનું છે. અઢી કલાકની ફિલ્મ એક દોઢ-બે વર્ષના નાના બાળકની આસપાસ ફરતી રહે છે. (આ બાળકનો રોલ રમેશ બહલના પુત્ર અને સોનાલી બેન્દ્રેના પતિ બન્ટી બહલે કર્યો હતો.) આ બાળક મા કે દુધ્ધુ જેવા બેચાર શબ્દો જ બોલતો હોય છે. આના કારણે એ બાળકની સંવેદના રજૂ કરવા અને ફિલ્મને આગળ વધારવા માટે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એકદમ પાવરફુલ હોય એ જરૂરી હતું. મારા માટે આ નવી ચૅલેન્જ હતી. ચેતન આનંદ મને કહે કે આ પૂરી ફિલ્મનો દારોમદાર સંગીત પર છે. આ ફિલ્મ એક લો-બજેટ ફિલ્મ હતી એટલે મેં ચેતન આનંદને પૂછ્યું કે આ ફિલ્મના સાઉન્ડટ્રૅક માટે તેમનું બજેટ કેટલું છે?’
‘જવાબ મળ્યો, ‘એ માટે કોઈ લિમિટ નથી. ગમેતેટલો ખર્ચો થાય, મને પરવા નથી. એક હૉલીવુડની ફિલ્મ સાથે ટક્કર લઈ શકે એવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક બનવું જોઈએ. એ માટે હું કોઈ પણ બાંધછોડ નહીં કરું.’
‘આ પૂરી ફિલ્મના સંગીત માટે મને ત્રણ મહિના લાગ્યા. દૃશ્યો સાથેનું સંગીત, નાના બાળકની રઝળપાટ, માબાપની વેદના આ દરેકનો એટલો સુભગ સમન્વય થયો કે દર્શકોની આંખોમાં આંસુ આવી જતાં. એચએમવીએ જ્યારે ફિલ્મની એલ.પી. રિલીઝ કરી ત્યારે એક સાઇડ પર ફિલ્મનાં ગીતો અને બીજી સાઇડ પર બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હતા. ફિલ્મસંગીતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને ગીતો જેટલું જ મહત્ત્વ મળ્યું.’
ખય્યામની વાતો સાંભળતાં ચાલતી કલમે મને થોડી હિન્દી ફિલ્મો યાદ આવી જેમાં ગીતો નહોતાં અને આ કારણે બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે. બી. આર. ચોપડાની ‘કાનૂન’ (સલિલ ચૌધરી), સુનીલ દત્તની ‘યાદેં’, કમલ હાસનની ‘પુષ્પક’ અને એવી જ બીજી ફિલ્મો છે ‘એક રુકા હુઆ ફૈસલા’, ‘કલયુગ‘, ‘ઇકબાલ’ ‘બ્લૅક‘ આ લિસ્ટ લાંબું છે.
પ્લેબૅક સિંગર બન્યા પહેલાં ભૂપિન્દર સિંહ ફિલ્મોમાં ગિટારિસ્ટ તરીકે કામ કરતા. કિશોરકુમારના સ્ટેજ શોમાં મેં તેમને અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાને એક મ્યુઝિશ્યન તરીકે જોયા છે. અમારી સંસ્થા સંકેતમાં અમે તેમનું અભિવાદન કર્યું ત્યારે તેમની સાથે થયેલી મુલાકાતોમાં તેમના ધીરગંભીર અને સાલસ સ્વભાવનો પરિચય થયો. તેમના અવાજમાં તેમના વ્યક્તિત્વનો પડઘો પડે છે. પ્લેબૅક સિંગર તરીકે ફિલ્મનાં ગીતો અને તેમની ગઝલનાં અનેક આલબમ ખૂબ જ લોકપ્રિય થયાં છે.
ખય્યામને યાદ કરતાં તે કહે છે, ‘એ દિવસોમાં હું મુંબઈમાં નવો હતો અને ચેતન આનંદની ‘હકીકત’ માટે મેં રફીસા’બ, તલતસા’બ અને મન્નાદા સાથે એક ગીત (હો કે મજબૂર મુઝે ઉસને ભુલાયા હોગા) રેકૉર્ડ કર્યું હતું. એ દિવસોમાં મારી પાસે ખાસ કામ નહોતું. એક દિવસ મને તેમનો મેસેજ આવ્યો. હું તો માની જ ન શકું કે આટલા મોટા સંગીતકાર મને મળવા માગે છે. મને મારા દિલ્હીના દિવસો યાદ આવી ગયા જ્યારે તેમનાં ગીતો સાંભળવા તેમની ફિલ્મો હું વારંવાર જોતો. તેમના સંગીતનો જાદુ જ એવો હતો કે તેમનાં ગીતો સાંભળતાં અને સ્ટેજ શોમાં પર્ફોર્મ કરતાં હું ખૂબ જ ઇમોશનલ થઈ જતો.’
‘હું કોલાબા તેમના ફ્લૅટ પર પહોંચ્યો. ત્યાં થોડા મ્યુઝિશ્યન્સ બેઠા હતા. થોડી વારમાં ખય્યામસા’બ આવ્યા અને અમારી પહેલી મુલાકાત થઈ. જે ગીત માટે મને બોલાવ્યો હતો એ સાંભળી હું ભાવવિભોર થઈ ગયો. રિહર્સલ થયાં અને આમ ફિલ્મ ‘આખરી ખત’ માટે મારું ગીત રેકૉર્ડ થયું. ત્યાર બાદ મેં તેમના સંગીતમાં કરોગે યાદ તો હર બાત યાદ આએગી (બાઝાર), કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા (આહિસ્તા આહિસ્તા), આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં (થોડી સી બેવફાઈ) અને બીજાં ગીતો રેકૉર્ડ કર્યાં. અમારી વચ્ચે સારો તાલમેલ હતો. તે મને પ્રેમથી કાકા (પંજાબીમાં પરિવારના જુવાન છોકરાને પ્રેમથી કાકા કહેવામાં આવે છે) કહેતા. મને લાગે છે કે મારા અવાજની એક અલગ ક્વૉલિટીને ધ્યાનમાં રાખીને તે ખાસ મારા માટે આ ગીતો કમ્પોઝ કરતા હતા.’
‘તેમની શીખવાડવાની સ્ટાઇલ અલગ હતી. તેમના મ્યુઝિક રૂમમાં ભૃગુ ઋષિનો એક મોટો ફોટો હતો. ત્યાંનું વાતાવરણ ખૂબ પીસફુલ રહેતું. પહેલાં તે હાર્મોનિયમ પર ગીતનો રાગ વગાડે. પછી ધીમેથી ગાવાનું શરૂ કરે અને રિહર્સલ કરાવે. આખું ગીત કદી ન ગાય. એક-એક લાઇન તમને ગાઈને શીખવાડે. રિહર્સલ કરાવવામાં કદી થાકે નહીં. હું ત્રણ-ચાર દિવસ રિહર્સલ માટે તેમના ઘેર જતો. તે એકદમ પર્ફેક્શનિસ્ટ હતા. સિંગર કે મ્યુઝિશ્યન્સ ભૂલ કરે તો કદી ગુસ્સે ન થાય, શાંતિથી પોતાને જોઈતું હોય એ પ્રમાણે કામ કઢાવી લે. મારા હિસાબે તેમની કદર જોઈએ એટલી થઈ નથી. તે મુઠ્ઠી ઉચેરા સંગીતકાર હતા.’
‘એક મ્યુઝિશ્યન તરીકે તેમની સાથે કામ કરવાની પણ મજા આવે. તેમનાં રેકૉર્ડિંગમાં ઘણું શીખવા મળતું. મ્યુઝિક પીસ શીખવાડતી વખતે તેમના હાથની આંગળીઓ એવી રીતે ફરતી જાણે પોતે જ ગિટાર ન વગાડતા હોય. તેમને એક ટેકમાં કદી સંતોષ ન થાય. જ્યાં સુધી ૧૦૦ ટકા સંતોષ ન થાય ત્યાં સુધી ટેક લેતા જાય. ઑલ ઇન ઑલ, ત્યાર બાદ જે રેકૉર્ડિંગ ઓકે થાય એ અદ્ભુત હોય. મારે કબૂલ કરવું જોઈએ કે મારી ગાયકીની સફળતામાં તેમનું મોટું યોગદાન છે.’
કેવળ ભૂપિન્દરસિંહ નહીં, પરંતુ ખય્યામની અનોખી વર્કિંગ સ્ટાઇલથી પ્રભાવિત થનારા બીજા અનેક કલાકાર હતા. એમાંના એક હતાં બેગમ અખ્તર. તેમની બેનમૂન ગઝલગાયકીને નવો નિખાર આપવામાં સંગીતકાર ખય્યામનો મહત્ત્વનો ફાળો હતો.
તેમની સાથેની યાદોને તાજી કરતાં ખય્યામ કહે છે, ‘હું જ્યારે ફિલ્મ ‘આખરી ખત’ માટે કામ કરતો હતો એ દિવસોમાં મને એચએમવીના વી. કે. દુબેનો ફોન આવ્યો. મને કહે, બેગમ અખ્તરનો સંદેશો આવ્યો છે કે ખય્યામની કમ્પોઝ કરેલી ગઝલ ગાવાનો તેમને ક્યારે મોકો મળશે? સૌને ખબર છે કે લાંબા સમય સુધી લોકો તેમને ક્વીન ઑફ ગઝલ તરીકે માન આપતા. મોટા ભાગની ગઝલો તેમણે પોતે જ કમ્પોઝ કરી હતી. મને નવાઈ લાગી કે શા માટે તેમણે આવી રિક્વેસ્ટ કરી. મને હતું સમય જતાં આ વાત ભુલાઈ જશે. થોડા મહિના બાદ ફરી મને દુબેસા’બનો ફોન આવ્યો કે બેગમ અખ્તર મારી સામે બેઠાં છે અને પૂછે છે કે તેમના માટે ગઝલ કમ્પોઝ કરી કે નહીં?’
‘મને થયું હવે આ વાતને મારે ગંભીરતાથી લેવી પડશે. બેગમ અખ્તર જેવાં મહાન કલાકાર બીજી વાર આ રિક્વેસ્ટ કરે છે એ નાનીસૂની વાત નથી. હું તરત એચએમવીની ઑફિસે પહોંચ્યો.’
‘મેં એકદમ નિખાલસતાથી તેમને પૂછ્યું કે મારામાં એવું શું છે કે તમે મને જ આ કામ માટે લાયક ગણો છો? તેમણે કહ્યું, ‘તમે કમ્પોઝ કરેલી ગઝલની ઘણી રેકૉર્ડ્સ મેં સાંભળી છે. જે સમજદારીથી તમે શબ્દોને સંગીતના સથવારે નિભાવો છો એ કાબિલે દાદ છે. મને તમારી સ્ટાઇલ ખૂબ ગમે છે‍. મારી ઇચ્છા છે કે મારા માટે તમે ગઝલ કમ્પોઝ કરો.’
‘આવી તક કોણ જતી કરે? મેં તેમના માટે ગઝલ કમ્પોઝ કરી. રિહર્સલ માટે બેગમ સાહિબા મારે ઘેર આવતાં. એ દિવસોમાં તે લાંબી માંદગીમાંથી પસાર થયાં હતાં. આને લીધે તેમના અવાજ પર અસર થઈ હતી. એટલે રિહર્સલ દરમ્યાન મેં તેમના અવાજમાં રહેલી ખામીઓને ચલાવી લીધી. મને જે રીતનું રિહર્સલ જોઈતું હતું એ થતું નહોતું, પરંતુ એ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મને લાગે છે કે તેમને પણ આ વાતનો અહેસાસ હતો કે પોતે ધાર્યું પરિણામ આપી નથી શકતાં. અંતે એક દિવસ તે બોલ્યાં, ‘ખય્યામસા’બ, મને લાગે છે કે તમારા કમ્પોઝિશનને હું જોઈએ એવો ન્યાય આપી નથી શકતી. મારી વિનંતી છે કે તમે મારા માટે ક્વૉલિટીમાં જરાપણ કૉમ્પ્રોમાઇઝ ન કરતા. મારે તમારી સ્ટાઇલમાં અને તમે ઇચ્છો છો એ રીતે જ ગાવું છે. તમને સંતોષ ન થાય ત્યાં સુધી રિહર્સલ કરીશું.’ આમ ખૂબ મહેનત કરીને તેમણે પોતાના અવાજને મારી ધારણા મુજબ મોલ્ડ કર્યો. એક મહાન કલાકાર જ આવું કરી શકે.’
‘જે દિવસે રેકૉર્ડિંગ થયું એ સાંભળીને બેગમસાહિબા કહે, ‘૧૨ વર્ષની ઉંમરે મેં ગાવાનું શરૂ કર્યું છે પરંતુ આજના જેવી મારી ગાયકી મેં સાંભળી નથી. આજ સુધી અનેક ઠૂમરી, દાદરા, ગઝલ ગાઈ છે; પણ આજે મારો અવાજ સાંભળી મને લાગે છે કે મારા અવાજમાં નવી જુવાની, નવી તાજગી આવી ગઈ છે. આ તમે કઈ રીતે કર્યું? હું તો માની જ નથી શકતી.’ આટલું કહી તેમણે એચએમવીના ઑફિસરને બોલાવીને કહ્યું કે આજ પછી તેમના દરેક આલબમ મારા સંગીતમાં જ રેકૉર્ડ થશે. આ શબ્દો મારા માટે અણમોલ ભેટ જેવા હતા. આનાથી મોટું માન બીજું શું હોઈ શકે?’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK