Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવનમાં તમને ક્યારે અને શા માટે ટ્યુબલાઇટ થાય છે?

જીવનમાં તમને ક્યારે અને શા માટે ટ્યુબલાઇટ થાય છે?

20 February, 2020 06:15 PM IST | Mumbai Desk
Jayesh Chitalia

જીવનમાં તમને ક્યારે અને શા માટે ટ્યુબલાઇટ થાય છે?

જીવનમાં તમને ક્યારે અને શા માટે ટ્યુબલાઇટ થાય છે?


તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી સંબંધી ટ્યુબલાઇટ શબ્દનો વ્યંગાત્મક પ્રયોગ કર્યા બાદ આ શબ્દ સલમાન ખાનની સુપરફ્લૉપ ફિલ્મ ‘ટ્યુબલાઇટ’ કરતાં પણ વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. ઓછી કે મંદ બુદ્ધિવાળા કે મૂર્ખ માણસને કોઈ વાત બહુ મોડે-મોડે સમજાઈ (સમજાઈ હોવાની ખાતરી ન પણ મળે) ત્યારે એના વિશે વ્યંગમાં ટ્યુબલાઇટ શબ્દ વપરાય છે. જેમ વીજળીનું બટન ઑન કરો ત્યારે ટ્યુબલાઇટ તરત પ્રકાશમય થતી નથી, બલ્બ તરત જ પ્રકાશ આપવા માંડે છે, ટ્યુબલાઇટને થોડો સમય લાગે છે, એથી જ મોડેથી મગજને કોઈ વાત સમજાય ત્યારે તેને ટ્યુબલાઇટ થઈ કહેવાય.
આપણા સમાજમાં આવી ઘણી વ્યક્તિઓ હોય છે જેનું બીજું નામ ટ્યુબલાઇટ પાડી શકાય. કેટલાક પોતાને બુદ્ધિશાળી માનતા સુડો-સેક્યુલરિસ્ટો, પૂર્વગ્રહગ્રસ્ત લોકો, જિદ્દી અને અહંકારી લોકોને તો ટ્યુબલાઇટ શબ્દ પણ લાગુ ન પડે, કેમ કે તેઓ તો સમજવા જ તૈયાર હોતા નથી, જેથી તેમને પછીથી પણ સમજાય એવી ટ્યુબલાઇટ જેવી શક્યતા પણ રહેતી નથી.
મારા એક મિત્ર મને ઘણા સમયથી કહી રહ્યા છે કે રાહુલ ગાંધી બીજેપીની બહુ મોટી સેવા કરી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને નરેન્દ્ર મોદીની તો ભરપૂર - હદ બહારની સેવા કરી રહ્યા છે. મોદીનું કે બીજેપીનું હિત સૌથી વધુ કોઈ કરી રહ્યું હોય તો એનો યશ રાહુલબાબાને જાય છે. અલબત્ત, મારા આ મિત્રની વાત સાથે સહમત થવાનું ઘણાને સાચું લાગી શકે. અલબત્ત એમાં ક્યાંક સત્ય ખરું. આ સત્યને રાહુલબાબાએ ‘પ્રાઇમ મિનિસ્ટરને યુવાનો ડંડા મારશે’વાળા પોતાના વિધાનથી વધુ એક વાર સાબિત કરી આપ્યું છે. તેના આ વિધાનથી ઘણા લોકોની ટ્યુબલાઇટ ખૂલી ગઈ હોવાનું કહી શકાય. ખેર, આપણે અહીં મોદી કે રાહુલની યા રાજકારણની લાંબી ચર્ચા કરવી નથી, પરંતુ ટ્યુબલાઇટની વાત જરૂર કરવી છે, જે આપણા સમાજમાં સતત ફેલાયેલી હોય છે.
કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન
આપણે આપણા જીવનની અને સમાજજીવનની ટ્યુબલાઇટની સાવ સાદી વાતથી શરૂઆત કરીએ તો બાળપણ વીતી ગયા બાદ જવાનીમાં આપણને ટ્યુબલાઇટ થાય છે કે અરે મારું બચપણ કેટલું ઝડપથી વીતી ગયું. કેટલોય આનંદ માણવાનો રહી ગયો. સ્કૂલ, ટ્યુશન ક્લાસિસથી જાતજાતની હરીફાઈની દોડમાં દોડતા રહ્યા અને બાળપણ સરકી ગયું, ખબર પણ ન પડી. આવું જ જવાની માટે થાય, જ્યારે આપણે યુવાનીના સમયને ખોઈને પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા તરફ પ્રયાણ કરી જઈએ ત્યારે આપણને યુવાનીના દિવસો ક્યાં અને કઈ રીતે ગુમાવી દીધા એનો ચોક્કસ રંજ અર્થાત્ ટ્યુબલાઇટ થાય છે. પેલા જાણીતા ગીતમાં કહે છેને, ‘લડકપન ખેલ મેં ખોયા, જવાની નિંદભર સોયા, બુઢાપા દેખકર રોયા, યહી કિસ્સા પુરાના હૈ, સજન રે ઝૂઠ મત બોલો...’ છતાં વાસ્તવમાં આપણે તો આ બધું ખોયા પછી પણ બીજા સાથે તો શું, ખુદ સાથે પણ જૂઠું બોલતા રહી ખુદને અને ખુદાને પણ છેતરતા રહીએ છીએ.
બાળપણથી યુવાનીના કાળ સુધી માતા-પિતા-વડીલો કે શિક્ષકો આપણને ઘણું સમજાવતાં હોય છે, પરંતુ એ કોણ સાંભળે? કેટલું સાંભળે? અને એક કાનથી સાંભળે તો બીજા કાનથી કાઢી નાખવામાં આવતું હોય છે. પછી જ્યારે જીવનમાં આપણાં સંતાનો આપણી સાથે એ જ કરે, જે આપણે આપણાં માતા-પિતા સાથે કરતા હતા ત્યારે આપણી ભીતર પસ્તાવાની ટ્યુબલાઇટ ઝબકે છે. જૈસી કરની વૈસી ભરની. ઘણા તો માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અથવા સાવ તરછોડી જ દે છે ત્યારે તેમને એ ખબર નથી હોતી કે ‘મુઝ વીતી તુઝ વીતશે...’ આ ટ્યુબલાઇટ થાય એ પહેલાં તો જીવન સામે આખરી સમય આવી પહોંચે છે. આ તો બહુ લાંબા ગાળાની ટ્યુબલાઇટની વાતો થઈ, પરંતુ આપણા જીવનમાં નાની-નાની વાતોમાં કે વ્યવહારોમાં પણ આપણે જાગવામાં-સમજવામાં મોડું કરી નાખીએ છીએ.
જીવનવ્યવહારોમાં ટ્યુબલાઇટ
લગ્નસંબંધમાં બંધાયા બાદ પત્ની પતિ સાથે અને પતિ પત્ની સાથે જેકોઈ અયોગ્ય વ્યવહાર કરે છે એના અફસોસની ટ્યુબલાઇટ જ્યારે થાય છે ત્યારે આ સંબંધમાં ઘણી તિરાડ પડી ચૂકી હોય છે, ઘણી કડવાશ ભળી ચૂકી હોય છે. આ પછી જે ચાલતું હોય છે એ સંતાનો હોવાથી કે સમાજના ભયથી ચાલતું ગાડું હોય છે, જેમાં કોઈ પ્રકાશ કે ઉત્સવ હોતો નથી. સાચી મિત્રતા ખોયા બાદ ખોટી મિત્રતાના કડવા અનુભવને આધારે ટ્યુબલાઇટ થાય છે.
નોકરીમાં કામ-ફરજ પ્રત્યેની બેદરકારી, આળસ, કામચોરીની મનોવૃત્તિનો ખ્યાલ જ્યાં સુધી એનાં ખરાં ફળ મળતાં નથી ત્યાં સુધી આવતો નથી. એ સમજણની દાઢ આવે ત્યાં સુધીમાં વિકાસની ઘણી તકો ગુમાવી ચૂક્યા હોઈએ છીએ. ધંધામાં કાળાં કામ કરીને, ગોલમાલ કરીને ધન તો ઘણું જમા થઈ શકે છે, પણ આ અનૈતિક ધનનો ભાર બીમારી, પારિવારિક આફત-વિવાદ, બદનામી સ્વરૂપે આવે છે ત્યારે હૃદયમાં ટ્યુબલાઇટ થાય છે કે સુખ-સુવિધા ભરપૂર આવી, પણ શાંતિ ખોવાઈ ગઈ. સરસ પલંગ-ઓશીકાં, ગાદલાં, ચાદર આવી ગયાં, પણ ઊંઘ ગુમ થઈ ગઈ. મોટો બંગલો તો બની ગયો, પણ ઘર ખોવાઈ ગયું, હાઈ સોસાયટી મળી, પરંતુ વિચારો નીચે ઊતરી ગયા. સંબંધો સ્વાર્થના બની ગયા અને એમાંથી સુગંધ ખોવાઈ ગઈ.
દિશાહીન જીવન
જીવનમાં ઘણાં કામ અથવા લક્ષ્ય હાંસલ કરવાનો ચોક્કસ સમય હોય છે, એ સમય ચાલુ હોય ત્યારે ટ્યુબલાઇટ થવાનો અર્થ ખરો, પણ સમય બાદ ટ્યુબલાઇટ કેવળ યાદ કરાવતી રહે છે કે બહુ મોડું કરી નાખ્યું. વાસ્તવમાં આપણું જીવન મોટા ભાગે દિશાહીન ચાલતું રહે છે. આપણને પહેલેથી એક લાઇન દોરી આપવામાં આવે છે. પરિવારે અને સમાજે આ રેખા દોરી હોય છે, જેથી ઘેટાના ટોળાની જેમ આપણે એ દોરી મુજબ ચાલ્યા કરીએ છીએ. લક્ષ્યહીન જીવન, માત્ર પરંપરાગત જીવનના કૂવામાં તર્યા કરાય છે. કૂવાની બહાર વિશાળ સાગર છે એ ટ્યુબલાઇટ થતી નથી અને આખરે જીવન પણ સમાપ્ત થવાને આરે આવી ઊભું રહે છે. જ્યાં બસ, ‘સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યું હી તમામ હોતી હૈ’ જેવું કાનમાં સંભળાયા કરે છે.
જીવનના અંત સુધી ટ્યુબલાઇટ
કહે છેને કે માણસ રોજ સવારે નાહી-ધોઈ, તૈયાર થઈ, નાસ્તો કરીને કે જમીને ઑફિસે-કામધંધે જાય, સાંજે પાછો ઘરે ફરે, ફરી જમીને સૂઈ જાય, સવારે પુનઃ એ જ રીતે નીકળી પડે. આમ માણસ પાંચ વર્ષ જીવે કે પચીસ-પચાસ વર્ષ જીવે, શું ફરક પડે છે? જેને પોતાના હોવા વિશે, જીવન વિશે, મૃત્યુ વિશે, કુદરત-સૃષ્ટિની રચના વિશે સવાલ થતા નથી, જિજ્ઞાસા થતી નથી તેમના જીવનમાં ટ્યુબલાઇટ પણ થઈ ન ગણાય. ક્યારેક તો જીવન કઈ રીતે જીવવું એ સમજવાની આપણી ટ્યુબલાઇટ પણ જીવન પૂરું થવા આવે ત્યારે થાય છે અથવા ત્યાં સુધી પણ થતી નથી. આ ટ્યુબલાઇટનું બટન આપણી બહુ નજીક યા હાથમાં પણ હોઈ શકે છે, પરંતુ આપણે એ બટન સુધી જવાનું કષ્ટ પણ લેતા નથી કે આપણને એ દેખાતુંય નથી, જેથી અંધકારમાં યા બેભાન અવસ્થામાં જીવીને મરી પણ જઈએ છીએ. ટ્યુબલાઇટ એ માત્ર મૂર્ખનો કે બુદ્ધિહીન વ્યક્તિઓનો ઇજારો નથી. આપણા સમાજમાં કેટલીય વાતો, બાબતો અંધશ્રદ્ધા, અભિમાન, પૂર્વગ્રહોની બાબતમાં મોટા-મોટા બુદ્ધિજીવીઓની દશા પણ ટ્યુબલાઇટ જેવી યા એનાથી પણ બદતર હોય છે. જોકે ઘણાએ તો ટ્યુબલાઇટનું કનેક્શન પણ તોડી નાખ્યું હોય છે. તેઓએ પોતાના કથિત જ્ઞાન (ખરેખર અજ્ઞાનમાં) જીવવાનું રાખ્યું હોય છે, જે તેમને અંધકારરૂપી અહંકાર તરફ લઈ જાય છે અને તેમને કારણે સમાજમાં અંધકાર વધતો હોય તો પણ તેઓ પોતાના અહંકારને છોડવા તૈયાર થતા નથી. આજના સમાજના અંધકારની દિશા અને દશા બહુ મોટી કરુણતા છે. કેટલાક જાગેલા લોકો બીજાને જગાડવાના પ્રયાસ કરે છે, પરંતુ વર્ષોથી યા વર્ષો સુધી લાખો-કરોડો લોકોને ટ્યુબલાઇટ થતી જ નથી, કારણ કે સૂતા હોય તેમને જગાડવાનું ક્યારેક સંભવ બની શકે, પરંતુ જેઓ માત્ર જાગી ગયાનો દાવો યા ડોળ કરે છે તેમને કઈ રીતે જગાડી શકાય? આ મામલે પ્રત્યેક જણ પોતાની ટ્યુબલાઇટ ચકાસી લે એમાં જ સાર.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 06:15 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK