Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે ખંત અને ખુમારીથી ઊભું કરેલું ઘર જમીનદોસ્ત થઈ જાય

જ્યારે ખંત અને ખુમારીથી ઊભું કરેલું ઘર જમીનદોસ્ત થઈ જાય

03 October, 2020 07:47 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

જ્યારે ખંત અને ખુમારીથી ઊભું કરેલું ઘર જમીનદોસ્ત થઈ જાય

જ્યારે ખંત અને ખુમારીથી ઊભું કરેલું  ઘર જમીનદોસ્ત થઈ જાય


તાજેતરમાં મુંબઈથી થોડે દૂર આવેલા ભિવંડીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ૨૫થી વધુ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ પહેલાં ફોર્ટ વિસ્તારમાં આવેલી ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડતાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી છે. ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન જૂની અને જર્જરિત થઈ ગયેલી ઇમારત ધસી જવાની ઘટના છાશવારે બનતી રહે છે. આજે પણ શહેરમાં હજારો એવી ઇમારતો છે જેમાં જીવના જોખમે રહેતા લોકોને ઘર ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. મુંબઈ જેવા મોંઘા શહેરમાં માણસ પોતાનું ઘર છોડીને જાય તો ક્યાં જાય? જર્જરિત મકાનોમાં જીવના જોખમે રહેતા લોકોની હાલત શું છે? અચાનક બિલ્ડિંગ ધરાશાયી થતા ઘર અને સ્વજનને ગુમાવી દેવાની પીડા અને બીજી તરફ થકવી દેનારી શારીરિક, માનસિક અને આર્થિક યાતનાઓ સાથે જીવનને આગળ ધપાવી રહેલા કેટલાક મુંબઈગરાઓની વ્યથા શું છે એને સમજવાનો પ્રયાસ તો કરીએ

ગયા અઠવાડિયે ભિવંડીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં ૨૫ જેટલા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને અત્યાર સુધીમાં દસથી વધુ રહેવાસીઓનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલાં ફોર્ટ વિસ્તારની ઇમારતનો એક ભાગ તૂટી પડતાં ૧૧ રહેવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જુલાઈ મહિનામાં ભારે વરસાદના કારણે મુંબઈમાં ૨૪ કલાકમાં જુદા-જુદા સ્થળે ધરાશાયી થયેલી ત્રણ ઇમારતમાં સાતથી વધુ લોકોનાં મોત અને અઢાર જણ ઘાયલ થયા હતા. આ ઘટનાઓ છેલ્લા ત્રણેક મહિનામાં જ બની છે. ભૂતકાળમાં આવી તો સેંકડો ઘટનાઓ બની છે અને છાશવારે બનતી રહે છે છતાં વહીવટી તંત્ર કે નાગરિકોની આંખો ખૂલતી નથી.



મુંબઈમાં જૂની ઇમારતોની ગણતરી કરીએ તો હજારોમાં થાય છે. પડું-પડું થઈ રહેલાં મકાનોમાં બાપ-દાદાના સમયથી રહેતા રહેવાસીઓ અન્યત્ર જવા તૈયાર નથી અને મકાનમાલિકો જર્જરિત થઈ ગયેલી ઇમારતના સમારકામ માટે પૈસા ખર્ચતા નથી. પરિણામે ઇમારત ધરાશાયી થઈ જાય છે અથવા તંત્રએ કડક કાર્યવાહી સાથે ઘર ખાલી કરાવવું પડે છે. કહેવાય છે કે શહેરમાં જગ્યાના અભાવે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રસ ધરાવતા કેટલાક બિલ્ડરો અને રાજકારણીઓની મિલીભગત તેમ જ કાયદાકીય આંટીઘૂંટીના લીધે રહેવાસીઓ પોતાનું ઘર અને સ્વજનોને ગુમાવી દે છે. રહેવાસીઓના મતે બીએમસીની ભૂમિકા પણ શંકાસ્પદ છે. આ બધી માથાકૂટ અને ઝઘડાની વચ્ચે જાનહાનિ અને માલહાનિ થતી રહે છે. આ વિવાદાસ્પદ મુદ્દાઓને હાલમાં સાઇડ પર મૂકીને ઘર વગરના થઈ ગયેલા તેમ જ ગમે ત્યારે ઘર ખાલી કરવાનો આદેશ મળવાની માનસિક પીડા વચ્ચે જીવી રહેલા રહેવાસીઓની વ્યથાને વાચા આપવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે.


મકાન તોડતી વખતે રહેવાસીઓને ઇચ્છામૃત્યુની પરવાનગી આપો: રહેવાસી, ઘાટકોપર

જર્જરિત થઈ ગયેલી ઇમારત ખાલી કરાવવામાં આવે છે ત્યારે કાયદાકીય ગૂંચવણને સમજી ન શકનારા લોકલ ટેનન્ટ્સ મજબૂર બનીને સમર્પણ કરી દે છે. ૧૦૦ રૂપિયાના નોટરી પેપર પર સહી કરી પોતાનાં કાંડાં કાપીને આપી દીધા પછી ભવિષ્યમાં બનનારા પ્રોજેક્ટ પર પોતાનો અધિકાર ગુમાવી બેસે છે. છેલ્લાં બે વર્ષમાં ઘાટકોપરના ગંગાવાડી વિસ્તારમાં આવેલી કેટલીક ઇમારતોને તોડી પાડવામાં આવતાં ચાળીસ વર્ષ જૂનું ઘર ગુમાવી દેનારા એક રહેવાસી નામ ન આપવાની શરતે કહે છે, ‘૨૦૧૪માં બીએમસી દ્વારા અમને નોટિસ પાઠવવામાં આવી હતી કે ઇમારતને મરામતની આવશ્યકતા છે. એ વખતે અમે બિલ્ડિંગના સ્ટ્રક્ચરનું ઑડિટ કરાવી રિપોર્ટ મોકલ્યો હતો, પરંતુ સમયસર પ્રત્યુત્તર ન મળતાં સમારકામનું કામ ઠેલાતું ગયું. આ ગાળામાં અમારી નજીકમાં એક ઇમારત ધરાશાયી થતાં બીએમસીના અધિકારીઓ સફાળા જાગ્યા ને અમને ઘર ખાલી કરવાનો આદેશ આપી દીધો. જૂની ઇમારતો રિપેર ન થાય એ વાત સાવ ખોટી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સહિત મુંબઈમાં અનેક જૂની ઇમારતો આજે પણ અડીખમ ઊભી જ છેને! વર્ષો જૂની ઇમારતોના સમારકામની જવાબદારી લૅન્ડલૉર્ડની હોય છે. સરકાર આ બાબત હસ્તક્ષેપ કરે તો જનતાને હેરાનગતિ ભોગવવી ન પડે. સંતાનોની સ્કૂલના લીધે મારે નજીકમાં બીજું ઘર શોધવું પડ્યું છે. અત્યારે હાલત એટલી ખરાબ છે કે ઘર ચલાવવું કે ભાડું ભરવું એ સમજાતું નથી. વાઇફનાં ઘરેણાં વેચીને ભાડું ભરીએ છીએ. ફરીથી ઘર ક્યારે મળશે એની ચિંતામાં અડધી રાત સુધી ઊંઘ નથી આવતી. મારી અપીલ છે કે જૂની ઇમારત તોડતી વખતે રહેવાસીઓને ઇચ્છામૃત્યુની પરવાનગી આપી દો જેથી માનસિક હેરાનગતિમાંથી બચીઅે. આમેય અમને જીવતેજીવત તો મારી નાખો છો. અફસોસ કે ઘર ખાલી કરાવવા માટેની પાંચસો કલમો છે પણ ઘરની અંદર જવા માટેની એક પણ કલમ બનાવી નથી.’


નસીબજોગે અમારું કુટુંબ સલામત બહાર નીકળી શક્યું: વીણા શાહ, ફોર્ટ

૧૬ જુલાઈ, ૨૦૨૦ની બપોરે ચાર વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા સદી જૂના ભાનુશાલી બિલ્ડિંગનો ત્રીસ ટકા ભાગ તૂટી પડ્યો. ઇમારતના ચોથા માળે રહેતા મિતેશ શાહ અને બીજા માળે રહેતા તેમના પેરન્ટ્સ અને ભાઈના પરિવારે આ ઘટનાને નજરોનજર નિહાળી છે. ગોઝારી ઘટનાને યાદ કરતાં તેમનાં પત્ની વીણાબહેન કહે છે, ‘બપોરના સાડાત્રણની આસપાસ મારા જેઠ અને પાડોશમાં રહેતા ગુપ્તા ફૅમિલીના એક મેમ્બરને બિલ્ડિંગમાં ક્રૅક દેખાતાં સાવધાન થઈ ગયા અને બધાને તાત્કાલિક નીચે ઊતરી જવાનું કહ્યું. એ વખતે હું બહાર જ હતી. મારા હસબન્ડ અને દીકરો દર્શ ઉઘાડા પગે નીચેની તરફ દોડ્યા. બીજા માળે રહેતાં સાસુ-સસરાંને સલામત બહાર લાવ્યા એટલી વારમાં તો સ્ટેરકેસનો એરિયા ધડામ કરતો તૂટી ગયો. દાદરા તૂટી જતાં બાકીના લોકો ફસાઈ ગયા અને જોતજોતામાં આખો ભાગ જમીનદોસ્ત થઈ ગયો. અચાનક બનેલી આ ઘટનાથી અમે તો સૂન્ન થઈ ગયા. એમાં દર્શનું ધ્યાન ગયું કે અમારા બિલ્ડિંગમાં રહેતો કૂતરો અંદર ફસાઈ ગયો છે. ઍનિમલ લવર હોવાથી એને બચાવવા ફરીથી અંદર દોડી ગયો. ભારે વરસાદના કારણે વીસ કલાક ચાલેલા આ રેસ્ક્યુ ઑપરેશન દરમિયાન પાડોશીઓની બૉડી બહાર આવતી ગઈ. વિશ્વાસ નહોતો આવતો કે સવારે જેમને હરતાં-ફરતાં જોયા હતા એમાંથી ૧૧ જણ ચાલ્યા ગયા. અમારા પાડોશીની છ અને દસ વર્ષની દીકરીઓએ મમ્મીને ગુમાવી દીધી. કાટમાળમાંથી જ્યારે બૉડી બહાર લાવ્યા ત્યારે તેના હાથમાં જ્વેલરીનો ડબ્બો હતો. કદાચ જ્વેલરી લેવા પાછી ફરી એમાં મોત ભરખી ગયું હશે. જે ભાગ તૂટી ગયો હતો એના કાટમાળના ટેકા પર બાકીની ઇમારત ટકેલી હતી તેથી કોઈને સામાન કાઢવાની પરવાનગી ન મળી. પંદર દિવસ સુધી ફીલ્ડિંગ ભર્યા બાદ ડૉક્યુમેન્ટ્સ હાથ લાગ્યા. એ સિવાય કશું જ નથી મળ્યું. જોકે બધાના જીવ બચી ગયા એ જ મોટી મિલકત છે એવું માની મન મનાવી લીધું છે. વાસ્તવમાં અમારું બિલ્ડિંગ એપ્રિલમાં રિનોવેશનમાં જવાનું હતું પણ લૉકડાઉન આવી જતાં વિલંબ થયો. જૂન મહિનામાં મુંબઈમાં આવેલા વાવાઝોડામાં ઘણાના ઘરનાં પતરાં ઊડી જતાં સમારકામનું કામ જલદી શરૂ થવાનું હતું ત્યાં આ ઘટના ઘટી ગઈ. અત્યારે બધાં સગાં-સંબંધીના ઘરમાં રહે છે. મકાનમાલિકે એક વર્ષની અંદર ઇમારતનું નવેસરથી બાંધકામ કરી આપવાની બાંયધરી સાથે તાડદેવ વિસ્તારમાં ભાડાની જગ્યાની વ્યવસ્થા કરી આપી છે. ઘર પાછું મળી જવાની પૂરેપૂરી ખાતરી સાથે આવતા અઠવાડિયે અમે ભાડાના મકાનમાં ચાલ્યા જઈશું.’

હયાતીમાં ઘર બનતાં જોઈ શકીએ એવી આશા નથી: તરુ શાહ, બોરીવલી

જુલાઈ, ૨૦૧૮ના એ ગોઝારા દિવસે મુંબઈમાં સખત વરસાદ પડતો હતો. બોરીવલીના શિમ્પોલીમાં આવેલા ૩૯ વર્ષ જૂના પૉપ્યુલર ટેરેસ બિલ્ડિંગની બે વિન્ગના ૧૪ પરિવારો વરસાદ થંભી જવાની રાહ જોતા હતા ત્યાં તો ફોનની ઘંટડી રણકવા લાગી. ‘બધા જલદીથી નીચે ઊતરો, બિલ્ડિંગ પડવાનું છે’નો દેકારો સંભળાયો. વ્યથિત હૃદયે વાત કરતાં તરુ અને રસિક શાહ કહે છે, ‘ભારે વરસાદના કારણે અમારું બિલ્ડિંગ છ ઇંચ જમીનની નીચે ધસી ગયું અને એક બાજુથી નમી ગયું. દુકાનોનાં શટર પણ જમીનમાં ખૂંપી ગયાં. જીવ બચાવવા પહેરેલે કપડે બધા બહાર દોડી ગયા. પછી તો બીએમસી‍વાળા આવ્યા ને આગળની પ્રક્રિયા હાથ ધરી. વૉટર કનેક્શન, વીજળી અને ગૅસની પાઇપલાઇન બંધ કરી. એક તરફ ધોધમાર વરસાદ ને બીજી તરફ આંખોમાં અશ્રુ સાથે અમે રેસ્ક્યુ ટીમની કામગીરીને જોતા હતા. બધાને સતત ચિંતા હતી કે ઇમારત પડી ગઈ તો ઘરવખરી, ડૉક્યુમેન્ટ્સ અને કીમતી સામાનનું શું થશે? કોઈની પાસે નાહીને બદલવાનાં કપડાં પણ નહોતાં. આ સ્થિતિમાં અમે દીકરાના ઘરે પહોંચ્યા. નસીબજોગે દાદરા તૂટ્યા નહોતા એટલે વરસાદ રહી ગયા બાદ બીએમસીએ અમને વારાફરતી જઈને કીમતી સામાન લઈ આવવાની પરવાનગી આપી. ઘરવખરી તો ટોટલી છોડી દેવી પડી. લગભગ એક મહિનો બીજાના ઘરે રહ્યા બાદ બધાએ પોતાની રીતે ભાડાનું મકાન શોધી લીધું. સોસાયટીના ખર્ચે નમી ગયેલું મકાન તોડી પાડવામાં આવ્યું. આમ અચાનક ઘર ગુમાવી દેવું પડશે એવું કોઈએ વિચાર્યું નહોતું. રીડેવલપમેન્ટ માટે અમારી બિલ્ડર સાથે વાત ચાલતી હતી એમાં આ ઘટના ઘટતાં બધા હેબતાઈ ગયા. સિનિયર સિટિઝન હોવાના કારણે એરિયા છોડવાની અમારી માનસિક તૈયારી નહોતી. વર્ષોથી કરિયાણાવાળો, શાકભાજીવાળો, ઘરઘાટી ધ્યાન રાખતા હોય એમાં નવી જગ્યાએ જઈએ તો હેરાનગતિ વધે. રીડેવલપમેન્ટની વાત આગળ વધતી નથી પરિણામે ભાડું પોતાના ખિસ્સામાંથી ચૂકવવું પડે છે. જીવનભરની પૂંજી હવે પાણીમાં ગઈ એવું પ્રતીત થાય છે. બધા રહેવાસીઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. અમારી ઉંમર અને નવી ઇમારત ઊભી કરવા માટેની વાતચીતની ધીમી ગતિ જોતાં હયાતીમાં ઘર બનીને તૈયાર થઈ જશે એવી આશા છોડી દીધી છે.’

બીજાએ કરેલા ગુનાની સજા અમે ભોગવી રહ્યા છીએ: દર્શન દોશી, ઘાટકોપર

સવારનો સમય એટલે સિનિયર સિટિઝનનો દેવદર્શને જવાનો નિત્યક્રમ. ઘાટકોપરના દામોદર પાર્કમાં આવેલા સાંઈસિદ્ધિ અપાર્ટમેન્ટમાં રહેતા દર્શન રાજેશ દોશી ૨૫ જુલાઈ, ૨૦૧૭ના દિવસે મમ્મીને દેરાસરમાં મૂકવા ગયા હતા અને તેમના પપ્પા ઘરમાં આરામ ફરમાવી રહ્યા હતા. ઘરેથી બહાર નીકળ્યા પછીની દસ મિનિટમાં જ આખી ઘટના બની ગઈ એમ જણાવતાં તેઓ કહે છે, ‘દેરાસરમાંથી પાછા ફરતી વખતે પપ્પા સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે જોરથી કંઈક પડવાનો અવાજ આવ્યો. બિલ્ડિંગ પડી ગયું હશે એવું તો આપણે ધારીએ જ નહીંને! એટલી વારમાં બાજુના બિલ્ડિંગમાં રહેતા મિત્રએ ફોન કરીને કહ્યું કે જલદી ઘરે આવ, તારું બિલ્ડિંગ પડી ગયું છે. પહેલાં તો એમ જ કહ્યું કે સવારમાં આવી મજાક ન જોઈએ. ત્યાં બીજા મિત્રનો ફોન આવતાં ભયભીત થઈને ઘર તરફ દોડ્યો. જોયું તો ચાર માળનું બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગયું હતું. અમારું ઘર ઉપરના માળે હતું અને પપ્પાનો અતોપતો ન લાગતાં ખૂબ જ ગભરાઈ ગયા. રેસ્ક્યુ ટીમ ડેબ્રીમાંથી ઈજાગ્રસ્તોને અને ડેડ-બૉડીને હૉસ્પિટલમાં પહોંચાડી રહી હતી. અમે ચાર-પાંચ હૉસ્પિટલમાં ભાગદોડ કરી પણ પપ્પા ન મળ્યા. બિલ્ડિંગ પડ્યું એની એક મિનિટ પહેલાં જ તેમની સાથે ફોનમાં વાત થઈ હતી એટલે મોબાઇલ હાથમાં હોવો જોઈએ એવું ધારીને સતત ફોન લગાવતા હતા. બે માળ જેટલો કાટમાળ ખસેડ્યા બાદ ફોનની ઘંટડી વાગી એટલે રેસ્ક્યુ ટીમે સર્ચ કર્યું. ૧૪ કલાક બાદ પપ્પા હેમખેમ મળી આવ્યા, પરંતુ લોઅર બૉડી કાટમાળમાં ફસાયેલું હોવાથી બહાર કાઢવામાં સમય લાગે એમ હતું. ડાયાબિટીઝના પેશન્ટ હોવાથી ડૉક્ટરે તાત્કાલિક ખાવાનું આપ્યું. હૉસ્પિટલમાં દોઢ મહિનાની સારવાર પછી તેઓ લાકડીના ટેકે ચાલતા થયા. હાલમાં જ તેમનું ડેથ થઈ ગયું. છેલ્લે સુધી ઘરની ચિંતા અને પગની તકલીફ સાથે જીવ્યા. હકીકતમાં અમે બીજાના ગુનાની સજા ભોગવી રહ્યા છીએ. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં હૉસ્પિટલ હતી એમાં રિનોવેશનનું કામ ચાલતું હતું. આખો દિવસ ઠકઠક થતું હોવાથી રહેવાસીઓએ ઑબ્જેક્શન લીધું પણ તેઓ માનતા નહોતા. એક દિવસ કારીગરોએ બધા પિલર એકઝાટકે કાપી નાખતાં ઇમારત ધરાશાયી થઈ ગઈ. મકાનનો પાયો જ કાપી નાખો એ કેમ ચાલે? આ આખું કૌભાંડ આચરનાર અત્યારે જેલમાં છે અને અમે બધા ભાડાના મકાનમાં આવી ગયા. ઘરવખરી તો રહી જ નહીં ઉપરથી ડેબ્રીમાંથી કીમતી સામાન ચોરાઈ ગયો ને હવે ઘર મેળવવા ધક્કા ખાઈએ છીએ.’

સાત વર્ષથી તૂટેલી ઇમારતનો ઢાંચો એમનો એમ છે: જિગર મહેતા, વસઈ

એ વખતે નાલાસોપારામાં આવેલા ન્યુ કપોળનગરમાં રહેતા અને કૉલેજમાં અભ્યાસ કરતા જિગર મહેતા પોતાની રૂમમાં સ્ટડી કરી રહ્યા હતા. સાંજનો સમય અને રોડસાઇડની સોસાયટી હોવાથી રસ્તા પર અવરજવર હતી. એટલી વારમાં ધડામ કરતાં બાજુના ઘરનો સ્લૅબ પડ્યો. ૧૬ જુલાઈ, ૨૦૧૩માં બનેલી આ ઘટના પછીની ઘટમાળ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સ્લૅબનો ભાગ ત્યાંથી પસાર થઈ રહેલા બે રાહદારીના માથે પડતાં એક રાહદારી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો અને બીજાનાં આંગળાં કપાઈ ગયાં. અમે ત્રણ-ચાર મિત્રોએ તેમને ખેંચીને બહાર કાઢ્યા અને હૉસ્પિટલમાં ખસેડ્યા. રસ્તા પર પબ્લિક ભેગી થતાં નગરસેવક અને મ્યુનિસિપાલટીના માણસો દોડી આવ્યા. ન્યુ કપોળનગરમાં આવેલા ૨૮૮ ફ્લૅટમાંથી ૨૫૦ ફ્લૅટ ભરેલા હોવાથી ચારે બાજુ દેકારો મચી ગયો. અમને ઘર ખાલી કરવાની નોટિસ પહેલાં જ મળી ગઈ હતી, પરંતુ આર્થિક સંકડામણના કારણે બધા જીવના જોખમે રહેતા હતા. ઇમારતનો ભાગ ધરાશાયી થતાં જ તંત્રએ અમને તાત્કાલિક ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો. આમ રાતોરાત કંઈ પૈસા થોડી હોય કે બહાર જઈએ? જાઓ બુલડોઝર લઈ આવો ને અમારા માથે ફેરવી દો, અમારી પાસે ડિપોઝિટ અને ભાડાં ભરવાના પૈસા નથી એવું બોલતાં-બોલતાં કેટલીક મહિલાઓ રડવા લાગી. કોઈએ વાત સાંભળી નહીં ત્યારે સરકારી અધિકારીઓએ કોઈનો જીવ જશે તો અમે જવાબદાર નથી એમ જણાવી લાઇટ-પાણીનાં કનેક્શન કાપી નાખ્યાં. મોટા ભાગના પરિવારોએ લાઇટ-પાણી વગર જોખમી ઇમારતમાં પાંચ દિવસ ખેંચી કાઢ્યા. આખરે વહીવટી તંત્ર, સ્થાનિક રાજકારણીઓ, સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળોએ રહેવાસીઓ સાથે બેઠક કરી ડિપોઝિટની વ્યવસ્થા કરી આપી. જોકે પૈસાની ખેંચના કારણે ભાડાના મકાનમાં ગયા પછી પણ ચા-બિસ્કિટ ખાઈને દિવસો વિતાવ્યા. ઘર તૂટી જવાથી મારા પપ્પાને ખૂબ આઘાત લાગ્યો. ભાડું ભરવાના ટેન્શનમાં તેઓ ડિપ્રેશનમાં આવી ગયા અને પાંચ મહિનામાં જ અવસાન પામ્યા. આઘાત અને આર્થિક તંગીના કારણે બહુ ઓછા સમયમાં બીજા પાંચ-છ પાડોશીઓ મૃત્યુ પામ્યા. આ ઘટનાને આજે સાત વર્ષ વીતી ગયાં તોય ઇમારતનો ઢાંચો એમનો એમ પડ્યો છે. નથી ઇમારત બનતી કે નથી એને પૂરેપૂરી તોડવામાં આવી. સોનાની લગડી સમાન આ જમીનના ઇન્ટરનલ ઝઘડામાં અઢીસો પરિવાર રસ્તા પર આવી ગયા છે. સરકારના કાને વાત પહોંચે ને કંઈ થાય તો બાકી અમે તો આશા થોડી દીધી છે.’

મકાન તૂટશે તો સંયુક્ત કુટુંબ વિખેરાઈ જશે: હરેશ ગડા, સાંતાક્રુઝ

સાંતાક્રુઝના કલિના વિસ્તારમાં આવેલી મથુરદાસ કૉલોનીમાં કુલ છ બિલ્ડિંગ અને દસ ચાલી હતી. અંદાજે ૪૫ વર્ષ જૂની આ રહેવાસી સોસાયટીને ૨૦૧૭ના ડિસેમ્બર મહિનામાં બીએમસીએ નોટિસ પાઠવી હતી. ત્યાર બાદ એક ઇમારત તોડી પાડવામાં આવી. મકાન જર્જરિત હોવાથી ૨૫૦ ફૅમિલીમાંથી ૧૦૦ જેટલા પરિવાર ગભરાઈને બીજે રહેવા જતા રહ્યા. બાકીના રહેવાસીઓએ કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો. જોકે ડિસેમ્બર, ૨૦૧૯માં ટેક કમિટીએ ઇમારત ખાલી કરવાનો ફાઇનલ રિપોર્ટ આપી દીધો. બીએમસી કાર્યવાહી હાથ ધરે એ પહેલાં લૉકડાઉન આવી જતાં ઇમારત તોડવાનું કામ વિલંબમાં મુકાઈ ગયું. હવે ગમે ત્યારે ઘર ખાલી કરવું પડશે એવી ચિંતામાં ૧૧ જણનો બહોળો પરિવાર ધરાવતા હરેશ ગડા અને તેમના ભાઈઓની રાતની ઊંઘ ઊડી ગઈ છે. તેઓ કહે છે, ‘અમારું ત્રણ ભાઈઓનું સંયુક્ત કુટુંબ છે. મારી બહેન પુષ્પા ગાલા અને તેની ફૅમિલી પણ બાજુની વિન્ગમાં રહે છે. જો ઇમારત તોડી પાડવામાં આવશે તો બધા ઘર વગરના થઈ જઈશું એ ટેન્શનમાં છ મહિનાથી રાતના શાંતિથી સૂતા નથી. સાડાત્રણ એકરમાં ફેલાયેલા આ પ્રાઇમ લોકેશન પર ઘણાની નજર છે, પણ અમને કોઈના પર ભરોસો નથી. બિલ્ડરો ચાર-છ મહિના ભાડું આપ્યા પછી ગલ્લાંતલ્લાં કરે છે. ધંધો નથી, પૈસા નથી કહીને હાથ ઊંચા કરી દે છે. બીજી તરફ ખિસ્સામાંથી ભાડું ભરવું પરવડશે નહીં. અમારો રેડીમેડ ગાર્મેન્ટ્સનો નાનો બિઝનેસ છે. એમાં મોટા કુટુંબનું ભરણપોષણ થાય છે. આટલા મેમ્બર રહી શકે એવો ફ્લૅટ ભાડે રાખો તો મહિને પચાસથી સાઠ હજાર રૂપિયા ચૂકવવા પડે જે પ્રૅક્ટિકલી પૉસિબલ નથી. ત્રણ જુદા ફ્લૅટનાં ભાડાં અને ડિપોઝિટની વ્યવસ્થા કઈ રીતે થશે એ સમજાતું નથી. પચીસ વર્ષ સુધી એક છત નીચે રહ્યા હોવાથી અલગ રહેવાનો વારો આવશે તો મૉરલ સપોર્ટ તૂટી જશે. છેલ્લાં બે વર્ષમાં અમારી કૉલોનીમાં રહેતા અનેક સિનિયર સિટિઝન હતાશ થઈ ગયા છે. તેમના ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર વધી ગયા છે. ૫૩ વર્ષની ઉંમરે મારા માટે પણ એકલા રહેવું અઘરું છે. કોઈ પણ ઇમારતને ધ્વસ્ત કરતાં પહેલાં રહેવાસીઓની માનસિક યાતના અને આર્થિક પરિસ્થિતિનો વિચાર કરી સરકારે વિકલ્પ શોધવો જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2020 07:47 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK