Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કહતે હૈં ઐસે બીમાર કા હાલ અચ્છા હોતા હૈ: સમજીએ તો પીડા પથદર્શક બની શકે!

કહતે હૈં ઐસે બીમાર કા હાલ અચ્છા હોતા હૈ: સમજીએ તો પીડા પથદર્શક બની શકે!

03 December, 2020 04:34 PM IST | Mumbai
Jayesh Chitalia

કહતે હૈં ઐસે બીમાર કા હાલ અચ્છા હોતા હૈ: સમજીએ તો પીડા પથદર્શક બની શકે!

કહતે હૈં ઐસે બીમાર કા હાલ અચ્છા હોતા હૈ: સમજીએ તો પીડા પથદર્શક બની શકે!


આમ તો માંદગી આપણને નિરાશા-હતાશા અને ઉદાસીમાં લઈ જતી હોય છે, પરંતુ માંદગીના સમયમાં જાત સાથે વાત કરવાનો એક અનેરો અવસર પણ મળે છે. જો આ વાત સમજણપૂર્વક થઈ શકે તો માંદગી પીડાને બદલે પથદર્શક બની શકે અને હજી ઊંડા ઊતરીએ તો પરમાનંદ તરફની યાત્રા બની શકે. હાલમાં તો ઘણા સમયથી સર્વત્ર કોરોનાને કારણે માંદગીના કપરા દિવસો ચાલી રહ્યા છે. બીમારી ન હોય તો પણ જાતને ચકાસવાનો આને અવસર બનાવી શકાય...

સામાન્ય રીતે આપણી આજુબાજુ ઘણા લોકો હોવા છતાં અને સતત આપણી પાસે કોઈની અવરજવર રહેવા છતાં આપણે ક્યારેક પોતાને એકલા લાગવા માંડીએ છીએ, શું તમે એનો વિચાર ક્યારેય કર્યો છે ખરો? જો તમે કોઈ લાંબી બીમારીમાંથી પસાર થયા હશો તો આવી એકલતા જરૂર ફીલ કરી હશે. ભલે તમારી આસપાસ લોકો રહેતા હોય અથવા આવ-જા કરતા હોય, પરંતુ વાસ્તવમાં ભીતરથી તમે પોતાને એકલા લાગવા માંડો છો અને તમારી પોતાની જાત સાથે વાતો વધી જાય છે. બીજાઓ સાથે ભલે વાત થાય કે ન થાય, પરંતુ જાત સાથે સતત વાત થયા કરે છે. વાસ્તવમાં બીમારી એ જાતને મળવા માટેનો કે જાત સાથેની અંગત મુલાકાતનો સમયગાળો છે. એટલે જ બીમારી ઘણી વાર આવે એ સારું પણ હોય છે. અલબત્ત, ગંભીર બીમારી આવે કે ભયંકર પીડાદાયક બીમારી આવે એવી ઇચ્છા આપણે ન રાખીએ એ સહજ છે, પણ આવે તોય આપણે એનો સામનો કરવા, એમાંથી શીખ મેળવવા ઉત્સુક અને પૉઝિટિવ રહેવું જોઈએ. ખરેખર તો નાની-મોટી બીમારી અને એની એકલતા આવતી રહે તો કદાચ જીવનને, જગતને અને જાતને સમજવાનો અવસર મળે છે. ક્યારેક બીમારીમાં આપણને એટલીબધી નબળાઈ આવી જાય છે અથવા આપણું કૉન્ફિડન્સ-લેવલ એટલું નીચે આવી જાય છે કે ક્યાંક મૃત્યુની નજીક પહોંચી ગયાનો હલકો-ભારે અહેસાસ પણ થઈ જાય તો નવાઈ નહીં. જોકે આ બાબત જ આપણા જીવનમાં નવી રાહ, નવી વિચારધારા સર્જી શકે છે. એક દિવસ અહીંથી જવાનું પાક્કું છે એ બોધ આત્મબોધ બની જાય તો જીવન પરિવર્તિત-રૂપાંતરિત થઈ શકે.



કોરોનાની કરુણતા વધુ કારમી


છેલ્લા ૮-૯ મહિનાથી આપણે કોરોના વાઇરસ સર્જિત બીમારીનો સામનો કરી રહ્યા છીએ. એમાં તો આપણે ખરેખર સાવ એકલા પડી જઈએ એવી પરિસ્થિતિ સર્જાય છે. કોઈ સ્વજન કે પ્રિયજન પણ પાસે આવતાં ગભરાય છે. આવી કારમી–નિષ્ઠુર બીમારીનો પણ આપણે અનુભવ લઈ રહ્યા છીએ. આ સમયમાં આપણે એમાંથી પસાર થયા હોઈશું કે આપણાં પરિવારજનો, મિત્રો-સગાંસંબંધીઓમાં પણ આવી બીમારી જોઈ જ હશે અને સંભવતઃ મૃત્યુ પણ જોયાં હશે. પણ જ્યાં સુધી આપણા પર ન વીતે ત્યાં સુધી આપણને એની સાચી સમજ મળતી નથી. જો આપણે બીમાર થયા હોઈએ તો પણ જેવા સારા-સાજા થઈ જઈએ કે આપણે બધું ભૂલી જઈને પાછા એ જ આપણી જૂની માનસિકતામાં ખોવાઈ જઈએ છીએ. બીમારી વખતે મળેલો બોધ ભૂલી જઈએ છીએ, માંદગી વખતે જાત સાથે કે ઈશ્વર સાથે કરેલી વાતો પણ વીસરી જઈએ છીએ. કોરોનાના વર્તમાન માહોલમાં આપણને આવા અનેક કિસ્સા જોવા મળશે.

પીડા જીવનનું મૂલ્ય સમજાવે છે


 જ્યારે આ સત્ય હકીકતને સમજવી અત્યંત જરૂરી છે અને એ સમજાય તો બીમારી પીડા જેવી ઓછી લાગશે અને પથદર્શક જેવી વધુ લાગશે. જીવનમાં કોઈ પણ માનવી ક્યારેય  પીડામાંથી  પસાર થયો ન હોય એવું બનતું નથી. પીડા જ ખરેખર જીવનનું મૂલ્ય સમજાવે છે, અર્થ સમજાવે છે, ‘જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહો શામ, જો જીવન સે હાર માનતા ઉસકી હો ગઈ છુટ્ટી...’ મનોજકુમાર અભિનીત ‘શોર’ ફિલ્મના આ ગીતની પંક્તિ જીવન વિશે ઘણુંબધું કહી જાય છે. ક્યારેક આપણને  દરેક માણસમાં એક બીજો એવો માણસ દેખાય છે, જે ક્યાંક એકલો છે. ઘણી વાર વાચક-દોસ્તો પણ ફોન કરીને પોતાના આવા અહેસાસનો પરિચય આપતા હોય છે અને વધુ વિચારવા-લખવા માટે પ્રેરણારૂપ બની જતા હોય છે.

જીવન-મૃત્યુ એ પીડા નથી

મોટા ભાગે મૃત્યુને પીડા ગણવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં જીવન જ પીડા સમાન કહેવાય છે. પીડા વિના જીવન હોઈ જ ન શકે. ‘મધર ઇન્ડિયા’નું ગીત કહે છે,  ‘દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા...’ પણ આવું શા માટે? અલબત્ત, જીવન પીડા છે એવી વાત ક્યારેય કરવી જોઈએ નહીં, જેથી પહેલાં એ સ્પષ્ટતા કરી દઈએ કે જીવનની પીડાને સમજીએ તો એ પૉઝિટિવ બાબત છે. પીડા વિના જીવનની મજા કંઈ નથી. પીડાને સમજી લઈએ તો એ દર્દને બદલે દવા પણ બની શકે છે. એથી આ પીડાની વાતને નેગેટિવ દૃષ્ટિ કે ભાવથી જોશો નહીં અને હા, યાદ કરો, પીડા કોને નથી હોતી? વેદનામાંથી વેદ જન્મે છે એમ પીડામાંથી જ પરમાત્મા જન્મે છે.

વાસ્તવમાં જીવન કે મૃત્યુ કોઈ પીડા નથી, બલકે એક યાત્રા છે અને એ સમજાઈ જાય તો જીવન સુંદર લાગવા માંડે. ઘણી વાર આપણને કોઈ સમજતું નથી, આપણી લાગણીઓને કોઈ સમજતું નથી એવું છાનું દર્દ પણ સતાવતું હોય છે, જે આપણી અપેક્ષાઓના આધારે સર્જાયું હોય છે. આપણા ‘હું’માંથી અને મારા-તારામાંથી જ બધી પીડા શરૂ થાય છે છતાં વર્ષોથી આપણે એને છોડી શક્યા નથી કે છોડી શકતા નથી. અરે, આપણે એવો વિચાર પણ કરી શકતા નથી.

દુનિયા મેં કિતના ગમ હૈ...

આપણી વાતને, આપણી ભાષાને કોઈ ન સમજે તો આપણે મૌન થઈ જવાનું હોય છે, અન્યથા લોકો દ્વારા આપણા શબ્દોના અર્થ બદલાઈ જાય છે. જીવનની રાહમાં માત્ર અને માત્ર આગળ જ રસ્તો જતો હોય છે, રસ્તો બદલીએ તોય જવાનું તો કેવળ આગળ જ હોય છે. આપણી આજુબાજુ એવા અનેક લોકો મળશે જેમની પીડા આપણા કરતાં ઘણી વધુ હશે, પરંતુ તેઓ ચૂપચાપ ફરિયાદ વિના જીવતા હશે. આ જોઈ એવો વિચાર પણ કરી શકાય કે ‘દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ; લોગોં કા ગમ દેખા તો મૈં અપના ગમ ભૂલ ગયા...’ વાસ્તવમાં બીજાનાં સુખ જોઈ આપણે તેમના કરતાં કેટલા દુખી છીએ એવું વિચારી લઈએ છીએ, પણ બીજાનાં દુઃખ જોઈ આપણે તેના કરતાં કેટલા સુખી છીએ એવું આશ્વાસન પણ લઈ શકતા નથી. ક્યાં જોવું અને જોયા બાદ શું સમજવું એ આપણા હાથની વાત છે.

પીડા આપણને સંખ્યાબંધ ભેટ આપે છે!

વાસ્તવમાં પીડા કે બીમારી કોઈ પણ પ્રકારની હોય, શારીરિક કે માનસિક, એ આપણને મનથી નબળા તો પાડે જ છે, બહુ ઓછા લોકો હોય છે જેઓ એમાં પૂરેપૂરી હિંમત જાળવીને એની સામે લડી શકે છે. જોકે મૃત્યુની યાદ અપાવતી કે અહેસાસ કરાવતી બીમારી આવે ત્યારે ભલભલા માટે વાત જરા જુદી બની જાય છે. બાય ધ વે, અહીં કહેવાનો આશય એ છે કે પીડા માણસને ભીતરથી-અંતરથી શુદ્ધ થવામાં પણ ઉપયોગી થાય  છે. તમે માર્ક કરજો કે જજ્યારે કોઈ બીમારી કે પીડા હોય ત્યારે આપણું ધ્યાન મહત્તમ એ તરફ જ રહે છે. આપણે મોટા ભાગે શાંત, નમ્ર બનતા જઈએ છીએ. આપણે બીજાની નિંદા કરવામાંથી દૂર રહેવા માંડીએ છીએ. આપણી ભીતર દયાભાવ અને કરુણાભાવ વધે છે અને સાવ ન હોય તો નવા જન્મે છે. આપણા અહંકારમાં ઓટ યા મંદી આવી જાય છે. આપણી અંદરથી લોભ-લાલસા પણ ઘટે છે. આપણી ભીતર સ્વજનો-મિત્રો-સંબંધીઓ સહિત અપરિચિતો તરફ પણ લાગણી જાગે છે. આપણને તેમની પાસેથી પણ લાગણીની અપેક્ષા વધે છે, જે આપણને સ્વજનોની હૂંફના મહત્ત્વનો અહેસાસ કરાવે છે. આપણને બીજાનું ભલું, સારું, પરમાર્થનું કાર્ય કરવાનું મન થાય છે. આવી તો કેટલીય સકારાત્મક બાબત પીડામાંથી જન્મતી હોય છે અને વિવેકથી એને સમજવાનો પ્રયાસ કરીએ તો જીવનમાં એ પીડા જ આપણી પથદર્શક બની શકે એમ હોય છે. 

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2020 04:34 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK