Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપણે આપણી જ કિંમત નથી કરતા, શું એ આપણી સૌથી મોટી ભૂલ છે

આપણે આપણી જ કિંમત નથી કરતા, શું એ આપણી સૌથી મોટી ભૂલ છે

08 November, 2019 02:12 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આપણે આપણી જ કિંમત નથી કરતા, શું એ આપણી સૌથી મોટી ભૂલ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાત-વાતમાં ઉતારી પાડનારા, નીચું દેખાડવાની કોશિશ કરનારા અને એ માટે સતત મથતા રહેતા, મચેલા રહેતા અઢળક લોકો તમને ભટકાશે અને અહીંથી જ ભૂલની શરૂઆત થાય છે. કોઈ આપણને ઉતારી પાડે એટલે આપણે એ વાતને સહજ રીતે સ્વીકારી લઈએ છીએ. સહજ રીતે અને મને-કમને સહર્ષ રીતે પણ. આવું થવાનું કારણ પણ છે. એકમાત્ર કારણ, આપણે આપણી જ કિંમત નથી કરતા.

તમે તમારી જ કિંમત નહીં કરો તો કેમ ચાલશે? તમારા યોગ્ય દામ બીજું કોઈ લગાડવાનું નથી. તમારી વૅલ્યુ, તમારી કિંમત અને તમારું મહત્ત્વ પ્રસ્થાપિત કરવાનું કામ બીજું કોઈ કરી શકવાનું નથી. આ કામ તમારે જ કરવું પડશે. તમારે તમારી કિંમત કરવી પડશે અને શ્રેષ્ઠ દામ પણ તમારે જ લગાવવા પડશે. આગળની વાત કરતાં પહેલાં એક નાનકડો કિસ્સો કહેવો છે. સ્ટીવ જૉબ્સની આત્મકથામાં આ કિસ્સો નોંધાયેલો છે એ તમારી જાણ ખાતર.



ઍપલના સ્થાપક સ્ટીવ જૉબ્સે નેક્સ્ટ ઇન્કૉર્પોરેશન નામની કંપનીની સ્થાપના કરી. આ કંપની પહેલાં તે ઍપલ ઑલરેડી શરૂ કરી ચૂક્યો હતો, પણ પછી ઍપલમાં ઝઘડો થતાં તેણે પોતે જ શરૂ કરેલી કંપની છોડી દીધી અને નેક્સ્ટ ઇન્કૉર્પોરેશન નામની નવી કંપનીની શરૂઆત કરી. સ્ટીવ ભારોભાર ખર્ચાળ હતો. ટૅલન્ટ ભાગ્યે જ મળતી હોય છે એટલે જ્યારે પણ તમારા નસીબમાં ટૅલન્ટ આવે ત્યારે એને જાળવી રાખવાનું કામ કરજો. સ્ટીવ જૉબ્સનો આ સિદ્ધાંત હતો અને આ સિદ્ધાંત આજની તારીખે પણ એટલો જ સાચો છે. સ્ટીવ જૉબ્સની એક ખાસિયત જાણવા જેવી છે. તે સૅલેરી અને પૅકેજ આપવામાં હંમેશાં શ્રેષ્ઠ રહેતો. મૂળ વાત પર આવીએ.


વાત ચાલે છે નેક્સ્ટ ઇન્કૉર્પોરેશનની અને નેક્સ્ટ ઇન્કૉર્પોરેશને પહેલું કમ્પ્યુટર બનાવ્યું ત્યારે સ્ટીવ જૉબ્સે એક માર્કેટિંગ કંપની સાથે મીટિંગ કરી. એ મીટિંગમાં તેણે આ કમ્પ્યુટરની બસો ડૉલર કિંમત કહી જે માર્કેટમાં ચાલતા કમ્પ્યુટર કરતાં લગભગ પંદર ટકા જેવી વધારે હતી. પાર્ટીએ સ્વાભાવિક રીતે જ પ્રશ્ન કર્યો કે ભાવ આટલો કેમ વધારે ત્યારે સ્ટીવ જૉબ્સે જવાબ આપ્યોઃ આ મારી કિંમત છે, કમ્પ્યુટર તો ૮૦ ડૉલરની પડતરનું છે, પણ ૧૨૦ ડૉલર મારી પ્રાઇસ છે. પાર્ટીને નવાઈ લાગી એટલે સ્ટીવ જૉબ્સે કહ્યું કે હું મારી કિંમત બરાબર નહીં માંડું તો બીજું કોણ કરશે મારી કિંમત? મારી કિંમત જો હું સારી અને યોગ્ય નહીં મૂકું તો મને તો ખબર જ છે, તમે એ નથી કરવાના.

કિંમત કરવી પડશે, કિંમત આંકવી પડશે. તમારી કિંમત કોઈ નથી કરવાનું, તમારી કિંમત તમારે જ કરવાની છે અને એ પહેલાં તમારે તમારી કિંમત સમજવાની પણ છે. જો તમે તમારી કિંમત નહીં સમજો તો કોઈ ત્રાહિત પાસે એવો સમય નથી કે તે તમારા માટે એટલો સમય ફાળવે. ના, નથી માંડવાની કોઈ એવી કિંમત અને કોઈ એવું કરવા નવરાશ પણ નથી ધરાવતું. તમારી કિંમત તમારે કરવાની છે અને એ કરતાં પહેલાં તમારી કિંમતને તમારે સમજવાની છે. જો તમે ગૃહિણી હો તો પણ તમારે તમારી કિંમત, તમારું મૂલ્ય સમજવાનું છે અને જો તમે જૉબ કરતા હો તો પણ તમારું મૂલ્ય, તમારી કિંમત તમારે સમજવાની છે. બાળકો આવીને ટપારી જાય તો એ ક્યારેય ચાલવાનું નથી. ઘરમાં રહેવું, આખો દિવસ ઘર સાચવવું અને દરેકની જરૂરિયાતો પૂરી કરવી એ જરા પણ નાનું કામ નથી અને ધારો કે તેમને એ કામ નાનું લાગતું હોય તો એક દિવસ પકડીને તેમને બેસાડી દેજો ઘરમાં. કહેજો તેમને એક અઠવાડિયું જે તમે કરો છો એ બધું કામ ઘરમાં કરીને દેખાડે. મા તો ઠીક, નાનીમા યાદ આવી જશે અને મોટીબા પણ આંખ સામે તરવરવા માંડશે પણ એક મિનિટ, આ વાત તેમને જેટલી લાગુ પડે છે એટલી જ તમને પણ લાગુ પડે છે.


જૉબ પણ સરળ નથી. એક દિવસ અજાણી દુનિયાના એ નરાધમો વચ્ચે જઈને રહેવું અને દરેક ક્ષણે જાતને પુરવાર કરવાની. જો તમારે પણ એ કરવાનું આવે તો તમને સાક્ષાત દુર્ગા અને જગદંબા યાદ આવી જશે. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ કે જાતની કિંમત કરશો તો જ તમને અન્યની કિંમત પણ સમજાશે. જો માત્ર તમારું જ મૂલ્ય આંક્યા કરશો તો ‘અહં બ્રહ્માસ્મિ’નો ભાવ મનમાં જન્મશે અને એ જ ભાવ સાથે આજે અડધોઅડધ લોકો જીવી રહ્યા છે. હસબન્ડને એવું લાગે છે કે વાઇફ તો ઘરમાં એમ જ બેઠી હોય છે અને મા એવું ધારે છે કે બાળકોને બહાર કશું કામ હોતું નથી, એ તો ઍરકિન્ડશન્ડ ઑફિસમાં બેસીને કુશાંદે જીવન જીવી રહ્યાં છે. બાળકો નવી જ દુનિયામાં રચ્યાંપચ્યાં રહે છે. તે એવું ધારે છે કે જગત આખામાં સૌથી વધારે પરેશાની તેમના પક્ષે છે. જો પરેશાની હોય તો પણ કિંમત સમજવી પડશે. તમારું મૂલ્ય તમે નહીં કરો તો બીજું કોઈ નથી કરવાનું. તમારી કિંમત તમે નહીં માંડો તો બીજું કોઈ એવી તકેદારી રાખવાનું નથી. દરરોજ સવારે અરીસા સામે જોઈને જાતને સ્ટીવ જૉબ્સે કહેલું વાક્ય કહેજો.

આ પણ વાંચો : હેલ્લારો : આ ફિલ્મને હું 7 સ્ટાર આપું છું

‘હું મારી કિંમત બરાબર નહીં માંડું તો બીજું કોણ કરશે મારી કિંમત? મારી કિંમત જો હું સારી અને યોગ્ય નહીં મૂકું તો મને તો ખબર જ છે, તમે એ નથી કરવાના.’

આ સંવાદને જીવનમાં ઉતારવાની તાતી જરૂર છે.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 02:12 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK