આશા છે સ્વચ્છ, પારદર્શક અને જનતાના હિતકારી નેતૃત્વની

વિપુલ વૈદ્ય | Mar 03, 2019, 14:56 IST

રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વના વર્ષ ૨૦૧૯માં દેશ કઈ તરફ આગળ વધશે એ નક્કી થવાનું છે ત્યારે લોકોને ખરા અર્થમાં જનસેવક હોય એવા નેતૃત્વની આશા છે, પરંતુ આની પસંદગી વખતે જનતા સામે સૌથી મોટો પડકાર એ છે કે કોની વાતો સાચી માનવી અને કોના પર ભરોસો મૂકવો?

આશા છે સ્વચ્છ, પારદર્શક અને જનતાના હિતકારી નેતૃત્વની
પ્રતીકાત્મક તસવીર

રાજ-કાજ

રાજકારણની દૃષ્ટિએ ૨૦૧૯નું વર્ષ ઘણીબધી આશાઓ લઈને આવ્યું છે. આશા છે સ્વચ્છ, પારદર્શક અને જનતાના હિતકારી નેતૃત્વની, પરંતુ એની સામે જનતા સામે સૌથી મોટો પડકાર એ છે કે કોની વાત પર વિશ્વાસ મૂકવો. આ વર્ષમાં લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની મહત્વની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓ ભારતના ભવિષ્યના ઘડતરમાં મહત્વની પુરવાર થવાની છે, કેમ કે આ ચૂંટણીનાં પરિણામો દેશના ભવિષ્યની દિશા-દોરી નક્કી કરશે. વાસ્તવમાં આ ચૂંટણીઓ બધા પક્ષો માટે અત્યંત મહત્વની છે, કેમ કે જે રીતે ૨૦૧૪માં એક લહેર આવીને બધું વાતાવરણ પલટાઈ ગયું એïવું કશું જ આ ચૂંટણી વખતે નહીં હોય. જનતા કોઈ લહેરમાં તણાઈને નહીં પણ પોતાની વિવેક અને સૂઝબૂઝથી પસંદ કરશે અને એટલે જ આ ચૂંટણીઓમાં ભારતના સુજ્ઞ મતદારો દેશની દિશા-દોરી કોના હાથમાં સોંપવા માગે છે એ સુનિશ્ચિત થશે.

સત્તાધારી પક્ષોને અત્યારે એવી આશા છે કે અમે વિકાસનાં ઘણાં કામો કર્યા છે અને એના આધારે અમારો વિજય નિશ્ચિત છે, પરંતુ બીજી તરફ તેમની સામે પડકાર છે મહાગઠબંધનનો. કૉન્ગ્રેસે દેશના બધા જ વિપક્ષોને એક મંચ પર લાવવા માટેની કવાયત હાથ ધરી છે, જેથી BJPને પછડાટ આપી શકાય. જનતાને રાજકારણીઓ પાસેથી આશા છે કે સ્વચ્છ, પારદર્શક અને જનતાનાં હિતકારી કામ કરનારા લોકોને સત્તા મળે; પરંતુ તેમની સામે મોટો પડકાર છે આવા નેતાઓની પસંદગીનો. કયા નેતાના શબ્દોનો ભરોસો કરવો કે કોની વાત સાચી માનવી એ નક્કી કરવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે.

દેશને અત્યારે જ્યાં છે ત્યાંથી આગળ લઈ જવાની દિશા જનતાને દેખાડવામાં જે સફળ થશે તેનો જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજય થશે. ભારતના મતદારો વિશે અનેક વખત ઘણુંબધું લખાઈ ગયું છે, પરંતુ ભારતની જનતાની અને ખાસ કરીને ગ્રામીણ ભારતના મતદારોની કોઠાસૂઝની આખી દુનિયાના રાજકીય વિશ્લેષકોએ અનેક વખત પ્રશંસા કરી છે. અત્યાર સુધીમાં ભારતીય મતદારો ફક્ત બે વખત ‘લહેર’માં તણાયા છે. એક વખત ૧૯૮૪માં અને બીજી વખત ૨૦૧૪માં. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીના મૃત્યુને કારણે લાગણીની લહેર હતી અને ૨૦૧૪માં લોકપાલના આંદોલનને પગલે ફેલાયેલી પારદર્શર્ક વ્યવહારની લહેર જન્મી હતી.

આ વખતે આવી કોઈ લહેર હશે નહીં અને મતદારો પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હશે ત્યારે તેઓ કોની પસંદગી કરે છે એ જોવાનું રહેશે. એક તરફ જમણેરી વિચારધારા ધરાવતો પક્ષ અને એના કેટલાક સાથી પક્ષો છે તો બીજી તરફ મધ્યમ માર્ગ પર કાયમ ચાલનારો દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ જમણેરી વિચારધારાનો વિરોધ કરી રહેલા બધા જ મધ્યમમાર્ગી અને ડાબેરી પક્ષોનો સાથ લઈ રહ્યો છે.

ભારતના રાજકારણને લઈને અત્યારે રાજકીય વિશ્લેષકોમાં મોટી આશા જન્મી છે. તેમને એવું લાગી રહ્યું છે કે હવે ભારતના મતદારોનો રાજકીય બાબતો પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે. પહેલાં લોકો

જાતિ-ધર્મ કે પ્રભાવના આધારે ઉમેદવારોને મતદાન કરતા હતા, પરંતુ હવે તેમનો દૃષ્ટિકોણ બદલાયો છે. હવે મતદારો માટે જાતિ-ધર્મનું મહત્વ ઓછું થઈ ગયું છે અને હવે તેઓ પારદર્શક કારભાર, નિર્ણયાત્મક શક્તિ અને વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે એવા નેતાને પસંદ કરે છે.

શુદ્ધ, સાત્વિક અને સમાજને માટે હિતકારી આશા જન્મે એને લક્ષ્ય બનાવો

શુદ્ધ, સાત્વિક અને સમાજને માટે હિતકારી હોય એવી કોઈ આશા જ્યારે જન્મે કે તરત જ એને લક્ષ્યમાં પરિવર્તિત કરવી જોઈએ. આશા તો અમર છે. આજે આ છે તો આવતી કાલે બીજી હશે. જોકે દેશના નાગરિકો સામે અત્યારે સૌથી મોટો પડકાર એ છે કે કેવી રીતે હિતકારી આશાઓને લક્ષ્યમાં પરિવર્તિત કરવી. દેશને સકારાત્મક દિશામાં આગળ લઈ જવા માટે બધા લોકોએ હવે કમર કસવાની આવશ્યકતા છે. જે રીતે ગુજરાતી પરિવારો વિભક્ત થયા બાદ એકલતા અનુભવે છે એવું જ કશુંક ગુજરાતી સમાજની સાથે પણ થઈ રહ્યું છે. પહેલાં એકતા હતી અને હવે એકલતા છે અને આને દૂર કરવા માટે સામાજિક સ્તરે પ્રયાસો હાથ ધરવા આવશ્યક છે. જે રીતે લોકો પોતાના પરિવારને સુખી રાખવા પ્રયત્ન કરજો. ભાષા જીવશે તો ગુજરાતીપણું જીવશે. ગુજરાતીઓ સક્ષમ થશે તો રાજકારણમાં તેમની નોંધ લેવાશે. - યોગેશ સાગર, BJPના મુંબઈના વિધાનસભ્ય

મતદાતાઓ પોતાની જવાબદારી સમજે એટલી જ આશા

દેશની ભાવિ દિશા નિર્ધારિત કરવા માટે અત્યંત મહત્વની ચૂંટણી આવી રહી છે ત્યારે આશા એવી છે કે દેશના બધા જ મતદારો પોતાની જવાબદારી સમજે અને આગામી ચૂંટણીપ્રક્રિયામાં સંપૂર્ણ રીતે સહભાગી થાય અને એવી સરકારને ચૂંટી કાઢે જે તેમનાં હિતો માટે કામ કરે. ચૂંટણીના આ વર્ષનો ચુકાદો ભારતની જનતાના હાથમાં છે. તેમને અત્યારે પોતાની પસંદગીની સરકાર ચૂંટી કાઢવાની સુવર્ણતક મળી છે. જનતા જ આગામી પાંચ વર્ષનું ભવિષ્ય પસંદ કરશે. જોકે અત્યારના રાજકારણની સૌથી મોટી કમનસીબી એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષમાં સંઘર્ષનું રાજકારણ બન્યું છે અને રચનાત્મક ટીકા અને દલીલોની કલા વિસરાઈ ગઈ છે. આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો શું થશે એની મને ચિંતા થઈ રહી છે. - મિલિંદ દેવરા, કૉન્ગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન

દેશ પાટે ચડ્યો છે, હવે એને આગળ લઈ જવાનો છે

દેશ અત્યારે હવે પાટા પર ચડ્યો છે અને એને આગળ લઈ જવાનો છે. વિકાસનાં પાંચ વર્ષ જે રીતે ગયાં છે એને જોતાં ૨૦૧૯માં નરેન્દ્ર મોદીની સરકાર પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે. સબકા સાથ અને સબકા વિકાસના મૂળ મંત્રને આ સરકારે અમલમાં મૂક્યો છે. સત્તામાં પારદર્શકતાનું મહત્વ આ સરકારમાં લોકોને ખબર પડી છે. પહેલાં યોજનાઓની જાહેરાત કરવામાં આવતી અને પૈસા ચવાઈ જતા હતા અને લોકો સુધી કોઈ લાભ પહોંચતો નહોતો. હવે કેન્દ્ર સરકાર કેટલું કામ કરી શકે છે એ લોકોને દેખાઈ રહ્યું છે. લોકોની વિચારધારા હવે બદલાઈ છે. સ્વચ્છ અને પારદર્શકતા સાથે કામ કરનારા લોકો કોઈ પણ વિચારધારાના કેમ ન હોય જનતા તેમને સાથ આપશે. આગામી રાજકારણની દિશા આગામી ચૂંટણીમાં નિર્ધારિત થવાની છે. છેલ્લાં પાંચ વર્ષમાં લોકોમાં હવે રાષ્ટ્રવાદ જાગૃત થયો છે. દેશ પ્રત્યેની ભાવના વધી છે. આ વસ્તુ ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે.

દેશને હંમેશાં ગુજરાતીઓએ દિશા-દોરી આપી છે અને આગામી દિવસોમાં પણ સમાજને દિશા આપવાની મહત્વની જવાબદારી ગુજરાતીઓના માથે છે. ગુજરાતીઓ દૂધમાં સાકરની જેમ આખી દુનિયામાં ભળીને રહે છે. ગુજરાતી સમાજનાં કાર્યો બહુજન હિતાય હોય છે. હવે ગુજરાતી સમાજ જાગૃત થયો છે. પહેલાં જે લોકો ગુજરાતીઓની અવગણના કરતા હતા તેઓ હવે ગુજરાતીઓની નોંધ લેવા લાગ્યા છે. ગુજરાતીઓ તીવ્ર દેશભાવના ધરાવે છે અને આગામી દિવસો માટે તેમના ખભે મોટી જવાબદારી છે. - પ્રકાશ મહેતા, મહારાષ્ટ્રના ગૃહનિર્માણ ખાતાના પ્રધાન

મુંબઈ-મહારાષ્ટ્રના રાજકારણ પર ફરી ગુજરાતીઓનો દબદબો જોવો છે

એક સમયે મુંબઈ-મહારાષ્ટ્રના રાજકારણ પર ગુજરાતીઓનો દબદબો હતો. ગુજરાતીઓનું મુંબઈના વિકાસમાં ઘણું મોટું યોગદાન છે. ગુજરાતીઓ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યો માટે તન-મન-ધન આપે છે, પરંતુ જ્યારે રાજકારણની વાત આવે છે ત્યારે અવગણના કરે છે. ભવિષ્યમાં ગુજરાતીઓનું રાજકારણમાં યોગદાન હોવું જોઈએ. આ માટે ગુજરાતી સમાજે પોતાનામાંથી નેતૃત્વને આગળ વધારવું જોઈએ. ૧૫ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં એકેય ગુજરાતી પ્રધાન નહોતા. હવે પ્રકાશ મહેતા એકમાત્ર છે. ગમે એ વિચારધારાના હોય, ગુજરાતી નેતાઓને માટે ગુજરાતી સમાજે એક થઈને ઊભા રહેવું આવશ્યક છે; કેમ કે સમાજનો સાથ મળે તો કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે છે. - ઉપેન્દ્ર દોશી, કૉન્ગ્રેસના ગુજરાતી સેલના અધ્યક્ષ

અંધેરા ઢલેગા, સૂરજ નિકલેગા

અત્યારે દેશ સામે બેરોજગારી, ગરીબી અને આતંકવાદ જેવા પડકારો છે ત્યારે દેશના દુશ્મનો જેમ કે પાકિસ્તાન અને આતંકવાદીઓને પાઠ ભણાવી શકે એવી સરકારની આવશ્યકતા છે અને આ કામ ફક્ત નરેન્દ્ર મોદીની સરકાર કરી શકશે એવો જનતાને વિશ્વાસ છે. પ્રાદેશિક પક્ષો વાતાવરણ બગાડવાની ભલે કોશિશ કરે, પરંતુ હવે જનતા રાષ્ટ્રવાદ તરફ આગળ વધી રહી છે. સમાજના બધા જ વર્ગો માટે નરેન્દ્ર મોદીની સરકારે કામ કર્યું છે. મુંબઈના લોકોને કોસ્ટલ રોડ, મેટ્રો અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ મળ્યા છે. ખેડૂતોને લોનમાફી અને કિસાન સન્માન યોજનાથી સક્ષમ કર્યા છે. મહારાષ્ટ્રમાં અત્યારે દુકાળની સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ એના માટે સરકાર વ્યવસ્થિત રીતે મૅનેજમેન્ટ કરી રહી છે અને એનું પણ સમાધાન થઈ જશે. રાજ્યમાં દુકાળની સ્થિતિને કારણે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાતે જ હાથમાં કમાન લીધી છે અને બે ઘોડેસવારી કરી રહ્યા હોવા છતાં તેઓ બૅલૅન્સ જાળવીને કામ કરે છે. વેપારીઓ માટે ગુમાસ્તા ધારામાં સુધારો કરીને મહત્વનું કામ કર્યું છે. હું જનતાનો સેવક છું અને આગામી દિવસોમાં પણ સેવક બની રહેવા માગું છું. - રાજ પુરોહિત, દક્ષિણ મુંબઈના વિધાનસભ્ય અને વિધાનસભામાં પ્રતોદ

આ પણ વાંચો : હ્યુમન રાઇટ્સની વાતો તેને શોભે જેનામાં માણસાઈના અંશો હોય

દેશ રાષ્ટ્રવાદ માટે તૈયાર છે કે નહીં એ નક્કી થશે

દેશના માટે આટલાં વર્ષોમાં ક્યારેય નહોતી એટલી મહત્વની આગામી લોકસભાની ચૂંટણી છે. અત્યારે દેશ મહત્વના ત્રિભેટે ઊભો છે. આ ચૂંટણીમાં એક તરફ છે રાષ્ટ્રવાદ અને બીજી તરફ છે પ્રદેશવાદ. આ ચૂંટણીનાં પરિણામો નિર્ધારિત કરશે કે આપણો દેશ રાષ્ટ્રીયતા તરફ આગળ વધશે કે પછી પ્રાદેશિકતા તરફ. અત્યારની સરકાર રાષ્ટ્રવાદની તરફેણ કરે છે અને એની સામે જે અલાયન્સ બન્યું છે એ પ્રાદેશિક વિચારધારાને પકડે છે. જો આ ચૂંટણીમાં અલાયન્સનો વિજય થાય તો એનો સ્પષ્ટ મત એવો છે કે હજી સુધી દેશમાં રાષ્ટ્રવાદનો સમય પાક્યો નથી. રાષ્ટ્રવાદ, નીતિથી લઈને કાયદા અને વિચાર બધામાં આવે છે. જો જનતા રાષ્ટ્રવાદને સાથ આપશે તો એનો અર્થ એમ થશે કે એક દેશ, એક નીતિનિયમો, એક કાયદા પદ્ધતિને જનતાનો સાથ છે અને ભારત દેશ એ તરફ આગળ વધશે. જોકે આની સામે સૌથી મોટો પડકાર એ છે કે જનતા જજમેન્ટ સ્પષ્ટ આપે છે કે ભગ્ન. દેશની દિશા-દોરી નક્કી કરનારી આ ચૂંટણીમાં જે પણ પરિણામ આવે એ સ્પષ્ટ હોવું જોઈએ. અત્યારે ચીનમાં સ્ટેબલ સરકાર છે. પાકિસ્તાનમાં લશ્કરી શાસન ગયું છે અને ઇમરાન ખાનના નેતૃત્વ હેઠળની સ્ટેબલ સરકાર છે. શ્રીલંકામાં થોડી અસ્થિરતા બાદ હવે સ્થિર સરકાર આવી ગઈ છે. નેપાલમાં પણ થોડી રાજકીય અશાંતિ બાદ હવે સ્ટેબલ સરકાર છે ત્યારે ભારતમાં પણ સ્ટેબલ સરકાર આવવી આવશ્યક છે. સ્ટેબલ સરકાર રાષ્ટ્રહિતની વસ્તુઓ અને નિર્ણયો લઈ શકે છે. ભલે જનતાની પસંદગી પ્રદેશવાદ હોય, પણ તેમને પણ ફુલ માર્ક તો મળી જ શકે. દેશને સંપૂર્ણ અને સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર મળવી જોઈએ. તો જ દેશનો વિકાસ થઈ શકે છે. બાકી આપણા દેશનો ઇતિહાસ ખોલીને જોઈએ તો સૌથી વધુ રમખાણો અને બૉમ્બબ્લાસ્ટ્સ અસ્થિર સરકારોના સમયગાળામાં જ થયાં છે. ભારતના મતદારો સામે સ્પષ્ટ જનમત આપવાનો બહુ મોટો પડકાર ઊભો છે. - મયૂર પરીખ, જાણીતા રાજકીય વિશ્લેષક

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK