ખાડામાં પડેલા બાળકની ડેડબૉડીનો નવ-નવ દિવસથી કબજો નથી લેવાયો

Published: 20th December, 2011 06:32 IST

તેના પિતાના ઉપવાસનો આજે નવમો દિવસ : કલેક્ટરની ધરપકડ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે(રોહિત પરીખ)

વિક્રોલી, તા. ૨૦

વિક્રોલી (ઈસ્ટ)માં આવેલા કન્નમવારનગરના ભીમછાયા વિસ્તારમાં ખાડામાં પડી જવાને કારણે બે વર્ષના જયેશ મોહિતેનું ૧૨ ડિસેમ્બરે સવારે ૯ વાગ્યે તેના ઘરથી દસ ફૂટ દૂર આવેલા ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું હતું. તેના મૃત્યુને આઠ દિવસ વીતી ગયા છતાં જયેશની માતા જ્યોતિ અને તેના પિતા ઉદય મોહિતે જયેશના મૃતદેહનો રાજાવાડી હૉસ્પિટલમાંથી કબજો લેવા તૈયાર નથી. ફૉરેસ્ટ લૅન્ડ પરનાં તેમનાં ઝૂપડાં હટાવ્યા બાદ ત્યાં સબર્બન કલેક્ટર નિર્મલ દેશમુખ અને ડેપ્યુટી કલેક્ટર શિવાજી ધાવભાતના કહેવાથી ફરીથી ઝૂપડાં ન બંધાય એ માટે એ વિસ્તારમાં ૪૩ ખાડા કરવામાં આવ્યા હતા, જેમાંથી એક ખાડામાં પડી જવાથી જયેશનું મોત થયું હતું. આ માટે તેઓ સબર્બન કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને જવાબદાર ગણી તેમની ધરપકડ કરવાની માગણી કરી રહ્યા છે. તેમની માગણી પોલીસ ન સ્વીકારે ત્યાં સુધી તેમણે જયેશના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર કયોર્ છે એટલું જ નહીં, જયેશનું મોત થયું એ દિવસથી સબર્બન કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર પર કાનૂની પગલાં લેવાની માગણી સાથે તેના પિતા ઉદય ઉપવાસ પર ઊતર્યા છે. આજે તેમના ઉપવાસનો નવમો દિવસ છે.

વિક્રોલી (ઈસ્ટ)માં આવેલા કન્નમવારનગર-૨ની ભીમછાયા ઝૂંપડપટ્ટીના અમુક રહેવાસીઓ તેમનાં ઝૂપડાં હટાવવામાં આવ્યાં એ દિવસથી અનશન પર ઊતર્યા છે. તેમનાં ઝૂપડાં ૧૬ નવેમ્બર અને ૨૦ નવેમ્બર દરમ્યાન હટાવવામાં આવ્યાં હતાં. આજે તેમના ઉપવાસનો ૩૧મો દિવસ છે.

ઉગ્ર આંદોલનની ધમકી

જયેશની માસી મનીષા ચંદનશિવેએ ‘મિડ-ડે’ને ધમકીના સૂરમાં કહ્યું હતું કે ‘સબર્બન કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરની ધરપકડની માગણી પૂરી કરવામાં આવી નથી. આવા સમયે મારા બનેવીની તબિયતને કંઈ થયું તો એના માટે મુંબઈપોલીસ અને બન્ને કલેક્ટર જવાબદાર બનશે. મારા બનેવીને કંઈ થયું તો અમારું આંદોલન ઉગ્ર બનશે.’

મોત પર રમત?

ભીમછાયા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની અણછાજતી માગણી પૂરી કરવી અશક્ય છે એમ જણાવીને વિક્રોલીના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હકીકતમાં આ રહેવાસીઓ બાળકના મોત પર રમત રમી તેમનાં તૂટેલાં ઝૂપડાંની સામે પૈસા મળે અથવા તો તેમનાં ઝૂપડાં હતાં એનાથી સારાં ઝૂપડાં મળે એવા ઉદ્દેશથી આંદોલન ચલાવી રહ્યા છે. તેમને હજી મેધા પાટકર સહાય કરશે એવી આશા છે.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK