નંબર 100 બન્યો તારણહાર

Published: 30th November, 2020 08:08 IST | Bakulesh Trivedi | New Mumbai

વાશી ખાડીમાં પડી ગયેલાં ગુજરાતી હીરાબહેનને જોઈને કોઈકે પોલીસને આ નંબર પર ફોન કર્યો અને વાશી પોલીસ તથા લાઇફગાર્ડે તેમને બચાવી લીધાં

મહિલાને રેસ્ક્યુ કરતી ટીમ
મહિલાને રેસ્ક્યુ કરતી ટીમ

નવી મુંબઈના વાશીની ખાડીમાં ફૂલહાર પધરાવવા ગયેલાં ઘાટકોપરનાં ૪૫ વર્ષનાં હીરાબહેન લક્ષ્મીદાસ કટરમલ (ભાનુશાલી) ખાડીમાં પડી ગયાં હતાં. કોઈકે તેમને પડતાં જોઈને ૧૦૦ નંબર પર પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે તરત ઍક્શન લઈને સ્થાનિક માછીમારની મદદ લઈ તેની બોટમાં ખાડી વચ્ચે જઈને હીરાબહેનને બચાવી લીધાં હતાં.

વાશી પોલીસ-સ્ટેશનના પોલીસ નાઈક પરશુરામ બિન્નરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર-વેસ્ટના અસલ્ફા વિલેજમાં આવેલી હિમાલય સોસાયટીમાં રહેતાં હીરાબહેન તેમની દીકરીને મળવા વાશી જઈ રહ્યાં હતાં. વચ્ચે ખાડી આવતી હોવાથી તેમણે ઘરમાંથી ભગવાનને ચડાવેલાં હારફૂલ ખાડીમાં પધરાવવા સાથે લીધાં હતાં. રવિવારે બપોરે ૧૨.૪૫ વાગ્યે તેઓ વાશી ખાડી પરથી હારફૂલ પધરાવી રહ્યાં હતાં ત્યારે ચક્કર આવી જતાં તેઓ ખાડીમાં તારણહાર પડ્યાં હતાં અને ત્યાર બાદ બચાવવા માટેની બૂમ પાડી હતી. તેમની એ બૂમ સાંભળીને એક વ્યક્તિએ પોલીસ-કન્ટ્રોલમાં ફોન કરીને અમને જાણ કરી હતી. અમારી પોલીસ-ટીમ તરત માછીમાર લાઇફગાર્ડ મહેશ સુતારની હોડીમાં નીકળી પડી હતી. ત્યાર બાદ મહિલાની નજીક પહોંચીને મહેશ સુતારે ખાડીમાં ઝંપલાવ્યું હતું અને તેને લાઇફગાર્ડની રિંગ આપી હતી. પછી વાંસ નાખીને હોડીમાં લઈ લીધી હતી અને તેને બચાવી લીધી હતી.  ત્યાર બાદ તેમની પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ચક્કર આવતાં હું ખાડીમાં પડી ગઈ હતી. અમે તેની વાશી હૉસ્પિટલમાં મેડિકલ કરાવ્યું હતું જેમાં તેઓ ઓકે જણાતાં અમે આ ઘટનાની નોંધ કરીને તેમનું સ્ટેટમેન્ટ લીધું હતું અને તેમના પતિ લક્ષ્મીદાસ તથા દીકરા જિજ્ઞેશને બોલીવીને તેમને સોંપી દીધાં હતાં. પોલીસની સમયસરની મદદથી તેમનો જીવ બચી ગયો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK